ગુજરાતના ઐતિહાસિક સ્થળોને વૈશ્વિક બહુમાન મળવાનો સીલસીલો ચાલુ જ છે. વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTOએ ઉત્કૃષ્ટ પ્રવાસન ગામની 54 સ્થાનોની વર્ષ 2023ની યાદીની જાહેરાત કરી છે. આ યાદીમાં આજે ગુજરાતના વધુ એક સ્થાનને વૈશ્વિક સ્તર પર શ્રેષ્ઠ પ્રવાસન સ્થળનું બહુમાન અને બિરુદ મળ્યું છે. વિશ્વભરમાં રણોત્સવ દ્વારા જાણીતા કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને તેની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ભારતના પ્રવાસન મંત્રાલયે ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોને મળેલા વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામના બિરુદ બદલ ટ્વીટ કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું કે, કચ્છના ધૉરડોને તેના સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય માટે સન્માનિત કરવામાં આવ્યું છે એ જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ કચ્છના લોકોનું સમર્પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરતું રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ લખ્યું કે, હું મારી 2009 અને 2015ની ધોરડોની મુલાકાતોની કેટલીક યાદો શેર કરી રહ્યો છું. હું આપને ધોરડોની આપની મુલાકાતની યાદો શેર કરવા માટે આમંત્રિત કરું છું. આનાથી વધુ લોકોને મુલાકાત લેવાની પ્રેરણા મળશે.
આ અઠવાડિયે વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTOની જનરલ એસેમ્બલી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી આ મીટીંગમાં વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોના નામ નક્કે કરવામાં આવ્યા હતા. વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTO દ્વારા જાહેર કરાયેલી વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની આ ત્રીજી યાદી છે. આ ત્રીજી યાદીમાં વિશ્વભરના તમામ પ્રદેશોમાંથી લગભગ 260 અરજીઓમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી હતી તથા અન્ય 20 ગામો અપગ્રેડ પ્રોગ્રામમાં જોડાયા છે, આ તમામ 74 ગામો હવે UNWTO શ્રેષ્ઠ પ્રવાસન ગામો નેટવર્કનો ભાગ છે જેમાં ગુજરાતનું ધોરડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ પ્રવાસન ગામોની પસંદગી એ UNWTO 2021 માં શરૂ કરાયેલ ટુરિઝમ ફોર રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવા, વસ્તી ઘટાડા સામે લડવા, એડવાન્સ ઈનોવેશન અને પર્યટન દ્વારા મૂલ્યોના એકીકરણ અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે.
વિશ્વ પર્યટન સંગઠને પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે- આ સન્માન તેવા ગામોને આપવામાં આવ્યું છે જે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાનપાનની પરંપરાઓની જાળવણીમાં અગ્રેસર છે.
શા માટે ધોરડો ?
વિશ્વનું સૌથી મોટું વિશ્વ પ્રસિદ્ધ મીઠાનું રણ જે હવે સફેદ રણ તરિકે ઓળખાય છે તે ધોરડોમાં આવેલુ છે. વર્તમાન વડાપ્રધાન અને તત્કાલિન સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા આ સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવના આયોજનની શરુઆત કરી હતી જે તે સમયે અને આજે પણ સમગ્ર વિશ્વમાં ખુબ જ લોકપ્રિય બન્યો છે. ધોરડોએ ગરવા ગુજરાતની અને જેને મ્હારો કચ્છડો બારે માસ કહેવાય છે એવા કચ્છની ગૌરવાન્વિત કરનારી કલાની ધરતી છે. કચ્છનું ધોરડો માત્ર સફેદ રણ જ નહી પરંતુ ગૌરવવંતો વૈભવશાળી રજવાડી ઈતિહાસ ધરાવે છે. ધોરડો આજે વિશ્વભરમાં એક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સાથે સાથે આતિથ્ય માટે નામના ધરાવે છે. ધોરડોના સફેદ રણમાં કેસરી સૂર્યાસ્તનું અદભૂત કુદરતી દ્રશ્ય નિહાળવું એ પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય લ્હાવો છે. ધોરડોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વિશ્વભરમાં ઓળખ અને ગૌરવ આપ્યું છે.