- ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની મતગણતરી આજે
- 3 જી નવેમ્બરે યોજાયું હતું મતદાન
- કુલ 25 મતગણતરી મથકોએ મતગણતરી થશે
ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીની મતગણતરી આજે હાથ ધરાશે
કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીની મતગણતરી આજે જુદા જુદા મતગણતરી મથકો ઉપર સવારે 8 વાગ્યાથી શરૂ થશે. 7 વિધાનસભા બેઠકોની મતગણતરી 2-2 મતગણતરી મથકોએ થશે જ્યારે લિંબડી બેઠકની મતગણતરી 3 સ્થાન ઉપર કરવામાં આવશે.
એક્ઝીટ પોલ મુજબ પેટા ચુંટણી ભાજપને ફાયદો કરાવશે
ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીના મતદારોનો મુડ જોતા ગુજરાતના મતદારોનો ઝોક ભાજપ તરફી રહેશે એવું લાગે છે. એક્ઝીટ પોલ પણ મતદારોના મુડનુ પ્રતિબિંબ દેખાડી રહ્યા છે. ચુંટણીના સતત બદલાતા વાતાવરણની અસર વચ્ચે એવું લાગે છે કે ભાજપ 6-7 બેઠકો પર જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 1-2 બેઠકો જીતવાની શક્યતા ધરાવે છે. જોકે પરિણામ જે કંઈ આવે ભાજપના ખાતામાં ‘વકરો એટલો નફો’ એ ન્યાયે શત પ્રતિશત ફાયદો થશે જ્યારે કોંગ્રેસ માટે જેટલી બેઠકો જીતી શકાય એટલું જ આશ્વાસન ગણાય.
કઈ બેઠકો ઉપર કેટલા મતગણતરી મથકો ?
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે. કુલ 25 મતગણતરી મથકોએ મતગણતરી હાથ ધરાશે જેમાં અબડાસા, મોરબી, કપરાડા, ધારી, કરજણ, ગઢડા અને ડાંગ બેઠકોની મતગણતરી 2-2 મતગણતરી મથકોએ થશે જ્યારે લિંબડી બેઠકની મતગણતરી માટે 3 મત ગણતરી મથકો હશે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા 97 ટેબલો ઉપર હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દરેક બેઠક ઉપર એક મતગણતરી મથકે બેલેટ પેપરથી અપાયેલા મતોની ગણતરી કરવામાં આવશે.
કોવિડ પ્રોટોકોલનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે
સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન કોવિડ 19 પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાવવામાં આવશે. દરેક ટેબલ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન થાય એ રીતે ગોઠવવામાં આવશે તથા ટેબલ દીઠ સોશ્યલ ડિસ્ટન્સને કારણે એજન્ટને તકલીફ ન પડે તે માટે ડિસ્પ્લે મોનિટર ગોઠવવામાં આવશે. દરેક મતગણતરી મથક ખાતે મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક મથક પર માસ્ક, થર્મલ સ્કેનિંગ, સેનેટાઈઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે.
મતગણતરીના રાઉન્ડ હશે
દરેક વિધાનસભા બેઠકોની મતગણતરી અલગ અલગ રાઉન્ડમાં થશે. કરજણ બેઠકની મતગણતરી 28 રાઉન્ડમાં, કપરાડા બેઠકની મતગણતરી 27 રાઉન્ડમાં, ધારી બેઠકની મતગણતરી 29 રાઉન્ડમાં, ડાંગ બેઠકની મતગણતરી 36 રાઉન્ડમાં, ગઢડા બેઠકની મતગણતરી 27 રાઉન્ડમાં, અબડાસા બેઠકની મતગણતરી 30 રાઉન્ડમાં, મોરબી બેઠકની મતગણતરી 34 રાઉન્ડમાં અને લિંબડી બેઠકની મતગણતરી 42 રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે.