- રાજ્ય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત
- ગુજરાતમાં 1 લી ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 9 અને 11ની શાળાઓ
- 1 લી ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ કરી શકાશે
1 લી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ની શાળાઓ ખુલશે
રાજ્ય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે. વૈશ્વિક કોરોના મહામારીને કારણે છેલ્લા 9 મહિનાથી શાળાઓ બંધ હતી. ધોરણ 9 અને 11 ની શાળાઓ રાબેતા મુજબ ચાલુ કરવાની સાથે સાથે રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, ” મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગોનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.
શાળાઓ તથા ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ વિભાગના SOP નુું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
શિક્ષણ વિભાગ દ્વારા 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ની શાળાઓ ચાલુ કરવાની જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત શરૂ થનારા શિક્ષણ કાર્ય માટે 8 મી તારીખે જે સૂચનો કરવામાં આવ્યા, જે ઠરાવ થયો છે જે SOP નક્કી કરવામાં આવેલી છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શિક્ષણમંત્રીના જણાવ્યા અનુસાર ટ્યુશન ક્લાસીસમાં પણ આ જ SOP નું ચુસ્તતા પૂર્વક પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે 11મી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રવેશ વંચિત રહી ગયેલાઓને પ્રવેશ આપવામાં આવશે
શૈક્ષણિક વર્ષ 2021-22 માં વૈશ્વિક કોરોના મહામારીને કારણે ધોરણ 9 થી 12 માં પ્રવેશ વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31મી જાન્યુઆરી સુધી પ્રવેશ આપવામાં આવશે એ મુજબ રાજ્ય શિક્ષણ અધિકારીના પરિપત્રમાં જણાવાયું છે. આ પહેલા ચાર વખત પ્રવેશ મેળવવા માટે તક આપવામાં આવી હતી છતાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા નથી તે વિદ્યાર્થીઓ માટે આ તક આપવામાં આવી છે.
શાળાઓ તથા વાલીઓએ ધ્યાન રાખવાની બાબતો
- સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
- વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
- વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
- સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
- ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.
- રાજ્યમાં આવેલાં તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
- સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
- વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
- સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
- વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટના આયોજનનું સૂચન કરાયું છે.
- વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટના આયોજનનું સૂચન કરાયું છે.
- સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
- વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
- જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.