સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 22 માર્ચનો દિવસ ‘વિશ્વ જળ દિવસ’ (World Water Day) ઘોષિત કરવામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વમાં આ દિવસ જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરીને ઉજવવામાં આવે છે. વિશ્વ જળ દિવસ અંગે ચર્ચા થતી હોય ત્યારે એક સમયે દર બીજા વર્ષે પડતા દુષ્કાળથી પીડિત ગુજરાત અને પાણીની અછતને કારણે સતત હિજરત કરતા લોકો અને સુકીભઠ્ઠ જમીન ઉપર ઉભા રહીને હાથથી નેજવું બનાવીને આકાશ તરફ જોતા ખેડુતના ફોટાઓ અખબારોમાં પ્રસિદ્ધ થતા અને વર્તમાનમાં તે સ્થિતિ અને ફોટાઓ કેવી રીતે ભૂતકાળ બની ગયા તે અંગે ચર્ચા કરવી અનિવાર્ય જણાય છે.
સતત દુષ્કાળ સામે ઝઝુમતા ગુજરાતના જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન ઉપર જે કાર્ય થયું છે તે ન માત્ર આશ્ચર્યજનક છે સાથે સાથે એક આદર્શ મોડેલ તરીકે ઉભર્યું છે. કુલ મળીને 196 લાખ હેક્ટરનો વિસ્તાર ધરાવતા ગુજરાતે છેલ્લા અઢી દશકામાં અનેક દૂરંદેશી યોજનાઓ થકી જળ સંકટને ભુતકાળમાં પરિવર્તિત કરીને અદ્ભૂત જળ સુરક્ષા, જળ સંરક્ષણ દ્વારા કૃષિ સમૃદ્ધિ અને રોજગારીનું સર્જન કરીને એક સુંદર મોડેલ ઉભુ કર્યું છે.
On World Water Day, we reaffirm our commitment to conserve water and promote sustainable development. Water has been the lifeline of civilisations and thus it is more important to protect it for the future generations! pic.twitter.com/Ic6eoGudvt
— Narendra Modi (@narendramodi) March 22, 2025
દુષ્કાળ પીડિત ગુજરાતથી (Gujarat) જળ સમૃદ્ધ ગુજરાતના પ્રવાસના સારથી
ગુજરાતની (Gujarat) દુષ્કાળ પીડિત રાજ્યથી જળ સમૃદ્ધ રાજ્ય તરફના આ પ્રવાસના સારથી નિ:શંકપણે તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. નરેન્દ્ર મોદીએ પોતાના લગભગ દોઢ દાયકા સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયગાળામાં ગુજરાતમાં જળ સુરક્ષા, જળ સંરક્ષણ અને સંવર્ધનની બાબતે જે કાર્ય કર્યું છે તેણે ન રાજ્યની દશા અને દિશા બન્ને બદલી નાખ્યા છે પરંતુ સમગ્ર દેશમાં આ ક્ષેત્રે એક આદર્શ મોડેલ રજૂ કર્યું છે.

કુલ મળીને 196 લાખ હેક્ટરનો વિસ્તાર ધરાવતા ગુજરાતમાં (Gujarat) 70 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ ક્ષમતા ધરાવે છે તેમાંથી 61.32 લાખ હેક્ટરમાં સિંચાઈ ક્ષમતાનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો છે. એટલું જ નહી લગભગ 1.90 લાખ જેટલા ચેક ડેમના નિર્માણથી ભૂગર્ભજળ રિચાર્જ કરવાની ક્ષમતા વિકસાવી છે.
ગુજરાતના (Gujarat) જળ વ્યવસ્થાપનના આ કાર્યમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા રાજ્યની જીવાદોરી ગણાતી અને સાચે જ એ વાક્યને ચરિતાર્થ કરતી સરદાર સરોવર યોજના એ ભજવી છે. અનેક વિપદાઓ, વિરોધ અને ગુજરાતના (Gujarat) મક્કમ રાજકીય ઈચ્છાશક્તિના પ્રતિક સમા આ એક પ્રોજેક્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાણી પુરવઠા અને સિંચાઈમાં જે આમુલ પરિવર્તન આવ્યું છે તે સમગ્ર વિશ્વ ઉદાહરણરૂપ અને જળ વ્યવસ્થાપનના નિષ્ણાતો માટે સંશોધનનો વિષય છે.
નર્મદા નદી ઉપર બંધાયેલા સરદાર સરોવર બંધમાં એકત્ર થતી જળરાશિ દ્વારા ગુજરાતના 17 જીલ્લાના લગભગ સાડાત્રણ હજાર ગામોની આશરે 18 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈની સુવિધા પૂરી પાડવાની યોજના છે. આ યોજના દ્વારા જ ગુજરાતના 30 જીલ્લાના સાડા દસ હજાર ગામો અને 183 શહેરોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

મહી થી બનાસ નદી વચ્ચે ફેલાયેલી અને સાત જીલ્લામાં વિસ્તરેલી સુજલામ સુફલામ યોજના ગુજરાતમાં જળ સુરક્ષા, સંવર્ધન અને વિતરણના ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ, 337 કિમી લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલનું નિર્માણ પૂર્ણ થતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે એટલું જ નહી ભૂગર્ભજળનું સ્તર પણ વધારવામાં પણ મદદરૂપ થઈ છે. નર્મદાના સરપ્લસ પાણીનો ઉપયોગ કરવા કરીને ઉત્તર ગુજરાતના 9 ડેમને ભરવાની યોજના માટે 14 લિફ્ટ સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 13 પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ્સ દ્વારા 550 ગામોના 959 તળાવોને જોડીને 1,02,700 હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા 2018માં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત પુરા કરવામાં આવેલા 1.07 લાખ પ્રોજેક્ટ્સને પરિણામે પાણીની સંગ્રહ ક્ષમતામાં 119,144 લાખ ઘન ફૂટનો વધારો થવા પામ્યો છે.
ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા આદિવાસી વિસ્તારોમાં જળ સમસ્યાના ઉકેલ માટે વર્ષ 2007 માં 14 જીલ્લાના 43 તાલુકાઓમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મોટા પાયે જળ સંરક્ષણ માટેની પરિયોજનાઓનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ લગભગ 27 હજાર જેટલી જળ સંરક્ષણ પરિયોજનાઓ પૂર્ણ થઈ છે જેનાથી 4,07,983 હેક્ટર જમીનને ફાયદો થયો છે. આ ઉપરાંત, 9 મુખ્ય લિફ્ટ સિંચાઈ યોજાનાઓ પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી આશરે 50 હજાર હેક્ટર જમીન અને છસ્સોથી વધુ ગામોમાં પાણી ઉપલબ્ધ થયું છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી સમુદાયને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના જે “સૌની” યોજના (SAUNI Yojana) ને નામે વિખ્યાત છે. આ યોજના અંતર્ગત, નર્મદાનું ઓવરફ્લો થઈ વહી જતું લગભગ 1 MAF (મિલિયન એકર ફૂટ) જળ 1,320 કિમી લાંબી ચાર લિંક પાઈપલાઈન નેટવર્કના માધ્યમથી 115 જળાશયોમાં પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેમાંથી 99 જળાશયોમાં પહોંચાડવામાં આવ્યું છે. આ યોજનાથી આશરે 10.23 લાખ એકર જમીનને લાભ મળવાનો છે. આ ઉપરાંત કચ્છ પ્રદેશમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરી શકાય તે માટે કચ્છ જળ પરિયોજના લાગુ છે જેના પ્રથમ તબક્કા હેઠળ ₹4,118 કરોડના ખર્ચે 4 મુખ્ય પાઈપલાઈન લિંક પણ બનાવવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારની જલ જીવન મિશન યોજના હેઠળ રાજ્ય સરકારે મજબૂત પાઈપલાઈન નેટવર્ક અને જળ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર ભાર મૂક્યો છે, જેના કારણે દરેક ઘર સુધી સ્વચ્છ પીવાનું પાણી પહોંચ્યું છે. ખાસ કરીને, અંતરિયાળ અને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં આધુનિક ટેક્નોલૉજી અને જળ સંરક્ષણ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ સફળતાના પરિણામે ગુજરાતે ‘હર ઘર જલ’નું લક્ષ્ય પ્રાપ્ત કરનારા અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના ‘જળ સંચય, જનભાગીદારી’ અભિયાનને ગુજરાતમાં સામુદાયિક ભાગીદારી સાથે જળ સંરક્ષણને એક જન અભિયાન બનાવવામાં આવતા ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થયો છે. આ ઉપરાંત, ‘અમૃત સરોવર’ પહેલ પણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 2650 અમૃત સરોવરનું નિર્માણ થઈ ચૂક્યું છે.

જળ વ્યવસ્થાપનમાં ગુજરાતની (Gujarat) આ સફળતાની નોંધ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ હતી, જ્યારે ઓક્ટોબર 2024માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારોહમાં ગુજરાતને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે સન્માનિત કર્યું હતું.
વિષેશ માહિતી સ્ત્રોત: https://guj-nwrws.gujarat.gov.in/
[…] ગુજરાતમાં વક્ફ બોર્ડની (Waqf Board) કેટલી સંપત્તિ છે? ઉપલબ્ધ માહિતી મુજબ ગુજરાતમાં ગુજરાતમાં વક્ફ બોર્ડની સંપત્તિની સંખ્યા 39,000 કરતા વધુ સ્થાવર અને બાકીની જંગમ સંપત્તિ સાથે 45 હજાર કરતા વધારે સંપત્તિ છે. વક્ફ બોર્ડની સંપત્તિમાં માત્ર કબ્રસ્તાન, મદરેસા, મસ્જિદ જેવી સંપત્તિઓ છે એટલું જ નહીં પરંતુ રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે પણ સામેલ છે. […]
[…] હતી. ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ ગુજરાત ભાજપના જ […]
[…] સ્વયંસેવક સંઘનો (RSS) ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ […]
[…] વિશ્વમાં વિખ્યાત છે. તાજેતરમાં જ ગુજરાતમાં સિંહોને ગણતરી પુરી થઈ જેમાં […]