- રાજ્યનો પ્રથમ મોનોરેલ પ્રોજેક્ટ
- ધોલેરા આયોજીત ઔદ્યોગિક સ્માર્ટ સિટી
- કુલ 6000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ
રાજ્યના પ્રથમ મોનોરેલ પ્રોજેક્ટને મળી મંજૂરી
આખરે લાંબા સમયથી વિલંબમાં પડેલા રાજ્યના સર્વપ્રથમ મોનોરેલ પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી છે. અમદાવાદ અને આયોજીત ઔદ્યોગિક સ્માર્ટ સિટી તથા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ( SIR Special Investment Region ) ધોલેરા વચ્ચે આયોજીત લાંબા સમયથી વિલંબમાં પડેલા મોનોરેલ પ્રોજેક્ટને છેવટે રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. ગુજરાતના યોજનાબદ્ધ ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરા-અમદાવાદ વચ્ચેના માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ( MRTS ) ના કુલ 6000 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ ( DPR ) ને રાજ્ય સરકારે છેવટે મંજૂર કર્યો છે.
ભારત સરકારના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અંતર્ગત આર્થિક અને ટેકનીકલ સહાયતા
રાજ્ય સરકારે મંજૂર કરેલા અમદાવાદ-ધોલેરા વચ્ચેના માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ( MRTS ) પ્રોજેક્ટ માટે ભારત સરકારના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ( DMIC ) અંતર્ગત આર્થિક અને ટેકનીકલ સહાયતા મળશે. સૂત્રોના અહેવાલ મુજબ પ્રોજેક્ટને રૂટ, રૂટ નિર્ધારણ, સ્ટેશનોનુ આયોજન તથા અન્ય ટેકનિકલ અને આર્થિક દરખાસ્તને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરી બાદ, એમઆરટીએસ પ્રોજેક્ટને ( MRTS ) ડીએમઆઇસી પ્રોજેક્ટ ( DMIC ) માટે જેઆઈસીએ (JICA) (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી) રોલિંગ યોજનામાં સામેલ કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ શરૂ થયાના 24 થી 36 મહિનામાં પુરો થાય એવી અપેક્ષા છે.
કેવો હશે મોનોરેલનો રૂટ
મળતી માહિતી મુજબ માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ( MRTS ) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનુ કામ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે માટે હાઈવે ઑથોરીટી ઓફ ઈન્ડિયાએ જમીન સંપાદન કરતી વખતે જ પુરું કરી દીધું છે. મોનોરેલ માટે એક્સપ્રેસ હાઇવેની સમાંતર એલીવેટેડ માળખું તૈયાર કરવામાં આવશે. પ્લાનને મળેલી મંજૂરી જોતાં સમગ્ર રૂટમાં કુલ 7 સ્ટેશનની દરખાસ્ત છે જેમાંથી 6 સ્ટેશન એલીવેટેડ હશે જ્યારે સાતમું સ્ટેશન ધોલેરા ખાતે જમીન ઉપર હશે. મળતા અહેવાલો મુજબ માસ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ( MRTS ) ની કામગીરી કેન્દ્ર સાથે મંત્રણા કરીને એક્સપ્રેસ હાઈવેની કામગીરીની સાથે સાથે જ બે ત્રણ મહિનામાં શરૂ કરી દેવામાં આવી શકે છે જે આશરે 24 થી 36 મહિનામાં પુરો થશે.