- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્તના વક્તવ્યથી શરૂ થશે.
- પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી સ્થગિત થશે
- ત્રીજી તારીખે નાણામંત્રી રાજ્યનું સૌપ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરશે
આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્તના વક્તવ્યથી શરૂ થયું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગૃહમાં આજે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ તથા માધવસિંહ સોલંકી તથા અન્ય સદગત સદસ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શોક વ્યક્ત કર્યા બાદ સત્રની કાર્યવાહી આજ પુરતી સ્થગિત કરવામાં આવશે. રાજ્યપાલના વક્તવ્ય ઉપર આભાર પ્રસ્તાવ ઉપર 3 દિવસ ચર્ચા કરવામાં આવશે અને 3 જી માર્ચ રાજ્યના નાણામંત્રી શ્રી નિતિનભાઈ પટેલ રાજ્યનું સૌપ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરશે.
વિધાનસભામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત, મુલાકાતીઓ માટેે પ્રવેશબંધી
કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને વિધાનસભામાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે જ્યારે મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ, અન્ય કર્મચારીઓ તથા પત્રકારોને કોરોના ટેસ્ટ કર્યા બાદ વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ધ્યાન રાખીને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના કારણે ધારાસભ્યોને માટે પ્રેક્ષક ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભામાં 4 પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેને માટે આશરે 80 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ફેરફાર કરવામાં આવ્યા છે.
લવ જેહાદનું બિલ લાવવામાં આવી શકે છે
વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર દ્વારા લવ જેહાદનું બિલ લાવવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે તેને વિધિવત કાયદાનું સ્વરૂપ આપવા માટે સરકાર વિધેયક રજૂ કરશે એવું માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના આજથી શરૂ થયેલા બજેટ સત્રમાં સરકાર દ્વારા પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉર્જા યુનિવર્સિટી કરવાનું, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું, ગુજરાત રિસસપોન્સિબલિટી 2020 અને ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિધેયક રજૂ કરવામાં આવશે.
મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
આજે શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભાના પ્રવેશ દ્વાર પર હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત થરાદના કોંગ્રસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ભાવવધારાનુ બેનર લઈને સાયકલ ઉપર બેસીને આવ્યા હતા. ધારાસભ્યએ યુવાનોમાં બેરોજગારીના પ્રશ્નને ઉપાડીને યુવાનોને રોજગારી આપવાની માંગણી કરી હતી.