તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠનમાં વોર્ડ પ્રમુખો જાહેર થઈ ગયા છે ત્યારે હવે જેની ઉપર સૌની નજર ટકી છે તે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. ભાજપના ત્રણ ચૂંટણી અધિકારીઓ અને ત્રણ મહામંત્રી દિલ્હીનો ફેરો કરીને પાછા પણ આવી ગયા છે. આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે અને ટુંક જ સમયમાં ઘોષણા કરવામાં આવશે.
કોણ હશે અમદાવાદ શહેરના પક્ષ પ્રમુખ?
શહેર પક્ષ પ્રમુખ માટે દાવેદારોના ઘણા નામ હતા જોકે જે નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે જે નામો ઉભર્યા છે તેમાં સરસપુર-રખિયાલ વૉર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા રહી ચૂકેલા ભાસ્કર ભટ્ટ, પ્રદેશ યુવા મોરચાના પૂર્વ યુવા પ્રમુખ અને પ્રદેશના સહપ્રવક્તા ડો. ઋત્વિજ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ તથા વર્તમાન અમદાવાદ શહેરના પાર્ટીના મહામંત્રી પરેશ લાખાણીનું નામ સામેલ છે. પ્રશ્ન હવે એ જ છે કે જાહેરાત ક્યારે થશે.
ગુજરાત BJPનું દિલ્હીમાં મંથન.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 8, 2025
મહાનગર-જિલ્લા પ્રમુખો માટે મંથન.
શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી દિલ્હી પહોંચી.
હાઈકમાન્ડ સાથે ગુજરાત BJPના નેતાઓની બેઠક.#President #BJP #Delhi pic.twitter.com/IGtGAmJH89
વડોદરામાં કોનું નામ?
વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે 40 થી વધુ નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. વડોદરામાં ભાજપના જૂથવાદ ખુલીને બહાર આવ્યો હતો. વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી જૂથબંધી સેન્સપ્રક્રિયામાં વરવા સ્વરૂપે જોવા મળી હતી. સેન્સપ્રક્રિયા દરમિયાન જે રીતે વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા હતા તેનાથી કાર્યાલયમાં સોપો પડી ગયો હતો.
વડોદરાના શહેર પક્ષ પ્રમુખ તરીકે કૃણાલ પટેલ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, પૂર્વ મેયર જિગીષા શેઠ, જિગર ઈનામદાર તથા વર્તમાન શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા અન્ય 44 જેટલા દાવેદારોમાંથી પાર્ટી કોના શિરે પક્ષના શહેર પ્રમુખ તરીકે કળશ ઢોળશે અને ક્યારે જાહેરાત થશે તે આવનારો સમય કહેશે. વડોદરામાં સેન્સપ્રક્રિયા દરમિયાન જે રીતે પક્ષની શિસ્તના ધજાગરા ઉદ્યા હતા તે જોતા જ્યારે પક્ષ પ્રમુખની જાહેરાત થશે ત્યારે બધુ સમુસુતરુ રહેશે કે નહી?
રાજકોટમાં કોનો ઘોડો વિનમાં?
રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ-પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું હતું. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હતા.
ફોર્મ ભરનારામાં સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા, દિનેશ કારિયા, મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, વર્તમાન પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, , પરેશ ઠાકર, મનીષ રાડિયા જેવા નામો સામેલ હતા.
સુરતના ભાજપ પ્રમુખ કોણ હશે?
સુરત શહેર ભાજપ પ્રમુખ માટે હસમુખ પટેલ, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, અરવિંદ ગોયાણી, વિનોદ ગજેરા, નિરવ શાહ, મદન સિંહ અટોદરિયા, દિનેશ જોધાણી, ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી, આર.કે. લાઠિયા, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા વગેરેએ દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત ડ્રેનેજ કમિટી ચેરમેન કેયૂર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. સુરત ભાજપના નેતાઓ અને કર્યકરો કાગડોળે જાહેરાત થવાની રાહ જોઈ રહ્યા છે.