પરિવાર અને જન્મસ્થાન
વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ નો જન્મ 24 મે, 1954ના દિવસે ભારતના ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નકુરી ગામમાં થયો હતો. તેમના માતા હંસા દેવી તથા પિતા શ્રી કિશનસિંહ પાલના પાંચ બાળકોમાંની એક હતી.
શિક્ષણ અને પર્વતારોહણ
માત્ર 12 વર્ષની ઉંમરે શાળાની પિકનિક દરમિયાન બચેન્દ્રી પાલે સૌપ્રથમ પર્વતારોહણ કર્યું. તેમના મિત્રો સાથે મળીને શાળાની પિકનિક દરમિયાન 13,123 ફુટ (3,999.9 મીટર) ઉંચા શિખર પર તેઓ પહોંચ્યા હતાં. તેમનાં આચાર્યના આમંત્રણથી આગળ અભ્યાસ માટે તેમને મોકલવામાં આવ્યા. નેહરુ ઈન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટીયરીંગમાં તેમનાં અભ્યાસ દરમિયાન 1982 માં તેમણે 21889.77 ફૂટ (399.9મીટર) ઊંચું માઉન્ટ ગંગોત્રી-1 અને 19091 ફૂટ (5818.9 મીટર ઊંચું ) માઉન્ટ રૂદ્રગરિયા શિખર સર કર્યા. અભ્યાસ દરમિયાન જ તેમને નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશનમાં પ્રશિક્ષક તરીકે નોકરી મળી ગઈ. આ સંસ્થાએ મહિલાઓને પર્વતારોહણની તાલિમ આપવા માટે પ્રશિક્ષણ શાળા બનાવવામાં આવી.
1978 માં સ્નાતક તથા 1979 માં અનુસ્નાતક સુધીનું શિક્ષણ પુરું કર્યું. બચેન્દ્રિ પાલે શિક્ષકને બદલે વ્યવસાયિક પર્વતારોહક તરીકેની કારકિર્દી પસંદ કરી જેના વિપરીત પ્રત્યાઘાત તેમનાં કુટુંબમાં પડ્યા. તેમની કારકિર્દીની પસંદગીને લઈને બચેન્દ્રી પાલને પોતાના કુટુંબ અને સંબંધીઓના સખત વિરોધનો સામનો કરવો પડ્યો. જોકે પરિવાર તથા સંબંધીઓનો વિરોધ સાવ બેબુનિયાદ સાબિત થયો જ્યારે બચેન્દ્રી પાલે પોતાના પસંદ કરેલા ક્ષેત્રમાં ટૂંક સમયમાં સફળતા હાંસલ કરી.
માઉન્ટ એવરેસ્ટ પર આરોહણની શરૂઆત
1984 માં, ભારત દ્વારા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેનું ચોથું અભિયાન “એવરેસ્ટ 84” ના નામે શરૂ કરવામાં આવ્યું. આ મહાત્વાકાંક્ષી અભિયાનમાં કુલ છ મહિલાઓ અને અગિયાર પુરુષોની પસંદગી કરવામાં આવી. “એવરેસ્ટ 84” અભિયાનના આ ચુંટેલા સભ્યો એક તરીકે બચેન્દ્રી પાલને પસંદ કરવામાં આવ્યા. માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો એક રસ્તો નેપાળમાંથી શરુ થાય છે. ભારતીય અભિયાન પણ નેપાળમાંથી જ શરૂ થવાનું હતું. એક આડવાત માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં “સાગરમાથા” તરીકે ઓળખવામાં આવે છે. માર્ચ 1984 માં બચેન્દ્રી પાલ તથા ટીમને નેપાળની રાજધાની કાઠમંડુ લાવવામાં આવ્યા. માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવા માટે કેટલીક તૈયારીઓ કરવામાં લગભગ બે મહિના થયા. મે, 1984માં “એવરેસ્ટ 84″ ની ટુકડીએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની નેમ સાથે પ્રસ્થાન કર્યું. ચારે તરફ બરફની ચાદર ઓઢીને સદીઓથી પથરાયેલા હિમાલયની ધરતી સતત હિમપ્રપાતનો સામનો કરતી હતી. બચેન્દ્રી પાલની ટીમને પણ આવા જ એક હિમ તોફાનનો સામનો કરવો પડ્યો અને એમની છાવણી બરફમાં લગભગ દટાઈ જ ગઈ. સતત બરફના તોફાનો, હાડ ગાળતી ઠંડી હવા વચ્ચે બચેન્દ્રી પાલ તથા તેમની ટીમે આફતોનો સામનો કર્યો. આ દરમિયાન ઈજાઓ તથા થાકને કારણે ટીમના અડધાથી વધુ સભ્યો આરોહણ છોડીને તળેટીમાં પરત ફર્યા હતા. બચેન્દ્રિ પાલ અને બાકીની ટીમ માઉન્ટ એવરેસ્ટ શિખરને સર કરવા કટીબદ્ધ બનીને આગળ વધી રહ્યા હતા પરંતુ આ તો હિમાલય અહીં એક એક પળ નવા સંકટને લાવતી હતી. ડગલે ને પગલે બરફના તોફાનો આવતા હતા, આવા જ એક તોફાનનું જ્યારે બચેન્દ્રી પાલ વર્ણન કરે તો રૂંવાડા ઉભા થઈ જાય, ” 15-16, મે ની એ રાત હતી, હું લગભગ 24000 ફૂટ ઊંચાઈએ હું અને ટીમના સભ્યો અમારા ત્રીજા પડાવ પર પોતપોતાના તંબુમાં સુતા હતા ત્યારે લગભગ સાડાબાર વાગ્યે કશુંક જોરથી મારી સાથે અથડાતા મારી ઊંઘ અચાનક ઉડી ગઈ. ઠંડા પવનના સુસવાટા એવા વાતા હતા જાણે હમણાં જ કાનમાં બહેરાશ લાવી દેશે. થોડીક ક્ષણોમાં એવું લાગવા માંડ્યું જાણે મને કોઈ ઠંડાગાર ગોદામમાં પુરી દેવામાં આવી હોય.”
વર્તમાન કાર્ય
વિશ્વની સૌથી ઉંચી ટોચ પર પહોંચવાની સફળતા પછી પણ તેઓ સતત સક્રિય રહ્યા હતાં. વર્તમાન સમયમાં બચેન્દ્રિ પાલ ટાટા સ્ટીલ જમશેદપુર ખાતેના એડવેન્ચર પ્રોગ્રામ્સના ચીફ છે અને તે ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશન (ટીએસએએફ) ની ડિરેક્ટર પણ છે. આ સંસ્થા યુવા અને મહિલાઓ તેમજ સંસ્થાઓ, સંસ્થાઓ વચ્ચે એડવેન્ચર પ્રોગ્રામ્સ અને લીડરશીપ ડેવલપમેન્ટ કોર્સને પ્રોત્સાહન આપતી ભારતની એક અગ્રણી સંસ્થા છે.
મળેલા સન્માન
🎖️ પદ્મશ્રી એવોર્ડ (1984)
🎖️ ગોલ્ડ મેડલ ભારતીય પર્વતારોહણ સંસ્થા (1984) 🎖️ ગોલ્ડ મેડલ શિક્ષણ વિભાગ ઉત્તર પ્રદેશ સરકાર (1985)
🎖️ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર (1985)
🎖️ અર્જુન એવોર્ડ (1986)
🎖️ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું (1990)
🎖️ રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ (1994)
🎖️ યશ ભારતી એવોર્ડ ઉત્તરપ્રદેશ સરકાર (1995)
🎖️ માનદ્ ડૉક્ટરેટ ગઢવાલ યુનિવર્સિટી (1997)
🎖️ કોલકાતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા લાઇફટાઇમ એચિવિમેન્ટની સહાય (2013)
🎖️ દેશમાં એડવેન્ચર સ્પોર્ટ્સ અને મહિલાની ઉત્ક્રાંતિમાં વ્યક્તિગત સિધ્ધિ માટે વિરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય સન્માન (2013)
🎖️ પદ્મ ભૂષણ એવોર્ડ (2019)