બોટાદથી (Botad) આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીના દંડક તરીકે રાજીનામું આપી દીધું છે. તેમણે જાહેર કર્યું છે કે પછાત સમાજને ન્યાય મળતો નથી અને માત્ર મત માટે તેમનો ઉપયોગ થાય છે. જોકે ધારાસભ્ય પદ હજુ સુધી જાળવી રાખ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુરુવારે (26 જૂન) મકવાણાએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતા આમ આદમી પાર્ટીનાં (AAP) પદો પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સભ્યપદ યથાવત રાખ્યું હતુ. મકવાણાએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) એક પત્ર લખીને પોતાના નિર્ણયની જાણ કરી છે. ઉમેશ મકવાણાનો પત્ર સામે આવ્યો છે.

પત્રમાં તેમણે કહ્યું છે કે, હાલ પોતે સામાજિક સેવાઓનાં કામમાં ધ્યાન આપી શકતા ન હોવાના કારણે પાર્ટીનાં તમામ પદ પરથી રાજીનામાં આપી રહ્યા છે. સાથે કહ્યું છે કે, એક કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ કરતા રહેશે. અંતે લખ્યું છે, “મને પાર્ટીના તમામ પદ અને જવાબદારીથી મુક્ત કરવા માટે વિનંતી છે.”

ધારાસભ્ય પદેથી રાજીનામા વિશે ધારાસભ્યપદેથી રાજુનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઈશ. મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે. સાથે એમ પણ કહ્યું છે કે રાજીનામું આપશે તો નવી પાર્ટી બનાવશે કે અપક્ષ લડશે એ પણ ભવિષ્યમાં જાહેર કરશે. પછાત સમાજોના આગેવાનો સાથે પણ બેઠક કરશે તેમ પણ કહ્યું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
તેમનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસે ક્યારેય આ સમાજો તરફ જોયું નથી પરંતુ આમ આદમી પાર્ટી (AAP) પણ તેમાં પાછળ રહી ગઈ છે અને પોતે જે ઉદ્દેશ્યો સાથે આ પદો પર જોડાયા હતા, તેમાં કચાશ રહી જતી જણાય છે, એટલે પોતે રાજીનામું આપી રહ્યા છે. જોકે પાર્ટીના કાર્યકર્તા તરીકે ચાલુ રહેશે તેવી ચોખવટ પણ કરી હતી. સાથે કહ્યું કે ધારાસભ્ય પદ છોડવા વિશે બોટાદની જનતાને પૂછીને અને પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીને નિર્ણય કરશે.

નોંધનીય છે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના (AAP) કોઈ પણ ધારાસભ્યના ફોન કૉલ્સનો ઉત્તર પણ આપી રહ્યા નથી. સાથે જ તેઓ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) માટે પ્રચારથી પણ અંતર રાખ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેઓ આમ આદમી પાર્ટીના (AAP) કોઈ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા નહોતા. ત્યારે જ તેમના રાજીનામાની અટકળો તેજ થઈ રહી હતી. અગાઉ પણ એવી અટકળો ઉઠી હતી કે તેઓ રાજીનામું આપશે.
આમ આદમી પાર્ટીને (AAP) બીજો ઝટકો લાગવાની સંભાવના
એક તરફ ગોપાલ ઈટાલિયાની વિસાવદરની બેઠક ઉપરના વિજયની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના બધા જ પદો ઉપરથી રાજીનામુ આપીને આમ આદમી પાર્ટીને ઝટકો આપ્યો છે ત્યાં બીજી તરફ રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર પટ્ટામાંથી જ બીજા એક ધારાસભ્ય પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા છે.
પાર્ટીએ ઉમેશ મકવાણાની 5 વર્ષ માટે કરી હકાલપટ્ટી
બીજી તરફ ઉમેશ મકવાણા પાર્ટી વિરોધી થવા બદલ આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપી છે. આ સાથે જ ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
उमेश मकवाना को पार्टी विरोधी एवं गुजरात विरोधी गतिविधियों के लिए पाँच साल के लिए पार्टी से सस्पेंड किया जाता है।
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 26, 2025
આમ આદમી પાર્ટી માટે કપરી સ્થિતિ નિર્માણ થઈ છે. હજુ બે દિવસ પહેલાં જ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીતના આનંદ ઓસર્યો નથી ત્યાં ઉમેશ મકવાણાના રાજીનામાએ આજે પાણી ફેરવી દીધુ. જો તેઓ ધારાસભ્ય પદ પણ છોડી દે તો પણ વિધાનસભામાં AAPનું સંખ્યાબળ ઘટશે નહી પરંતુ એટલું જ રહેશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો