સમય જે તિવ્રતાપૂર્વક અને વેગપૂર્વક વહી રહ્યો હતો પરંતુ સ્થિર હતી માત્ર અસ્પૃશ્યો, દબાયેલા, કચડાયેલાની સ્થિતિ જેમાં કશું જ પરિવર્તન આવ્યું નહોતું સાંસ્કૃતિક, ધાર્મિક ઐતિહાસિક અને દ્રષ્ટિએ જોતા સમાનતા, સન્માન, માનવીય અધિકારો જેટલાં સ્પૃશ્યોને પ્રાપ્ત છે એટલા જ અસ્પૃશ્યોને પ્રાપ્ત થવા જોઈએ. હિંદુ ધર્મ પર જેટલો અધિકાર જેટલો કથિત સ્પૃશ્યોનો છે એટલો જ અધિકાર અસ્પૃશ્યોનો પણ છે જ. ધર્મની રક્ષા કરવા માટે અનેક અસ્પૃશ્યોએ પોતાનાં બલિદાન આપ્યા છે. હિંદ પર જ્યારે પણ સંકટો આવ્યા છે ત્યારે સ્પૃશ્યો જેટલી જ ભક્તિ અને શક્તિ સાથે સંકટોનો સામનો કર્યો છે. મંદિરો જેટલા સ્પૃશ્યોના છે તેટલા જ અસ્પૃશ્યોના પણ છે જ, ત્યાં જેટલો અધિકાર સ્પૃશ્યોનો છે એટલો જ અધિકાર અસ્પૃશ્યોનો છે. સાર્વજનિક જળસ્ત્રોતો ઉપર જેટલો અધિકાર સ્પૃશ્યોનો છે એટલો જ સમાન અધિકાર અસ્પૃશ્યોનો પણ છે જ તથા જેટલા સન્માન, સમાનતા અને માનવીય અધિકારો સ્પૃશ્યો પાસે છે એટલાં જ સન્માન, સમાનતા અને માનવીય અધિકારોથી અસ્પૃશ્યોને વંચિત કરી દેવાનો કોઈપણ શાસ્ત્ર કે પરંપરાને અધિકાર નથી અને જો આ એકતા, સમાનતા, સન્માન અને માનવીય અધિકારોની આડે કોઈ પણ શાસ્ત્ર કે પરંપરા આવતા હોય તો તે ખરા અર્થમાં ન તો શાસ્ત્ર ગણી શકાય કે ન પરંપરા ગણી શકાય એનાથી ત્વરિતપણે છુટકારો મેળવી લેવો જોઈએ.
ડૉ. આંબેડકરે કહ્યું હતું, “અમે સ્પૃશ્યો પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ પૂર્ણ સમય રાજનીતિમાં નહીં વાપરતા બહિષ્કૃત સમાજની ઉન્નતિ, ઉત્કર્ષ જેવાં સામાજિક કાર્યોમાં પણ સહયોગ આપે અને તે જરૂરી છે. આજકાલના અનુભવો એવા છે કે પહેલા રાજકીય અને બાદમાં સામાજિક કાર્યોમાં જોડાવાની સૌની ઈચ્છા હોય છે, જે બાલિશતા છે. સામાજિક પ્રશ્નો એટલા તો મહત્વના છે કે તેમને ગમે તેટલા બાજુ પર કરવાની કોશિશ કરીશું તો પણ તે સામે આવીને ઊભા રહી જશે જ. સામાજિક અને રાજકીય પ્રશ્ન વચ્ચેનો ભેદ, ખાઈ, અંતર ઘટાડવા માટે દેશમાં ચાલી રહેલા કાર્યો, સામાજિક અન્યાયને દૂર કરવાનુ કામ આવશ્યક બની જાય છે અને તેને પ્રત્યેક ભારતીય એ પોતાનું પવિત્ર કર્તવ્ય માનીને કરવું જોઈએ. આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી જ. અસ્પૃશ્ય, દબાયેલા, કચડાયેલા વર્ગો સમસ્ત દેશની કુલ વસ્તીના લગભગ છઠ્ઠા ભાગ જેટલા છે અને જ્યાં સુધી દેશની વસ્તીનો આટલો મોટો ભાગ પિડીત, શોષિત, દીન,હીન અવસ્થામાં પાંગળો રહેશે ત્યાં સુધી દેશની પરિસ્થિતિ પણ દીન, હીન જ રહેવાની છે એમાં જરાય શંકા કરવા જેવું નથી.
એક નવી જ દિશા તરફ સ્થિતિ આગળ વધી રહી હતી. આ પરિસ્થિતિમાં કેવા પ્રકારના નેતૃત્વની આવશ્યકતા છે તેનું ધ્યાન કરતાં 1919 માં કોલ્હાપુરનાં મહારાજા શાહૂજી મહારાજ જ્યારે પ્રથમ વખત ડૉ. આંબેડકરને મળ્યા તે વખતે ડૉ. આંબેડકરને જોતા જ એમના પ્રથમ ઉદગાર યાદ આવ્યા વગર રહેતા નથી. શાહૂજી મહારાજે કહ્યું હતુ, “આ વ્યક્તિ કાંઈક જુદી જ માટીનો છે”. કોલ્હાપુર રાજ્યમાં જ અસ્પૃશ્યોની પ્રથમ પરિષદનું આયોજન થયું હતું ત્યારે શાહૂજી મહારાજે કહ્યું હતું, ” હું તમને સૌને એ વાત માટે અભિનંદન આપુ છું કે તમે તમારો સાચો પ્રતિનિધિ શોધી લીધો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે તમારો ઉદ્ધાર કરશે. તે વિદ્વાનોનું ભૂષણ છે. મને વિશ્વાસ છે કે એક દિવસ તે આખા હિંદુસ્તાનના નેતા હશે.”
એવું લાગતું હતું કે 1920ની અખિલ ભારતીય બહિષ્કૃત સમાજની પરિષદમાં શાહૂજી મહારાજને ડૉ. આંબેડકરમાં આદર્શ, સક્ષમ, સશક્ત નેતૃત્વના ગુણોના દર્શન થયા હતા એ નેતૃત્વનું દર્શન સમગ્ર દેશને ટુંક જ સમયમાં થઈને જ રહેશે.
ક્રમશ: