ડૉ. ભીમરાવ આંબેડકરનુ નેતૃત્વ અદ્વિતીય અને સક્ષમ છે ત્યારે દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોમાં આત્મવિશ્વાસ, શક્તિ અને ઊર્જાનો સંચાર થવો સ્વાભાવિક છે. આત્મવિશ્વાસ અને ઉર્જા ઉત્પન્ન થવાથી અસ્પૃશ્ય વર્ગોમાં એકતાની ભાવના મજબુત બનતી જતી હતી.
ડૉ. આંબેડકર એવું સ્પષ્ટ રીતે માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્ર, સમાજ ને ઉન્નતિ માટે, સન્માન મેળવવા માટે આંતરિક ઐક્ય, સમાનતા અત્યંત આવશ્યક છે,જ્યારે રાષ્ટ્રમાં, સમાજમાં એકતાનો,સમાનતાનો અભાવ હોય છે ત્યારે શું થાય છે એ વિશે પોતાનાં વિચારો પોતાનાં સામયિક “મૂકનાયક” માં 31 જુલાઈ 1920 નાં અંકમાં આ રીતે રજૂ કર્યાં હતાં, “જો તમે પોતાના રાષ્ટ્રની ઉન્નતિ કરવા ઈચ્છતા હો તો વિશ્વનાં મુખ્ય રાષ્ટ્રોમાં આપણને પણ માન મળવું જોઈએ. આ માટે કોઈપણ રાષ્ટ્રમાં, સમાજમાં આંતરિક એકતા હોવી જોઈએ, જો એકતા ના હોય અને તેને સ્વતંત્રતા પ્રાપ્ત થાય તો તે વધારે સમય સુધી ટકશે નહીં કારણકે વિષમ સમાજ વ્યવસ્થામાંથી આવેલી દુર્બળતા જોઈને કોઈપણ પરદેશી તમારી સ્વતંત્રતા ઉપર તરાપ મારી શકે છે ત્યારે આવી સ્વતંત્રતા મેળવવાનો શો ફાયદો ? જો તમારે દેશની, સમાજની નિરપેક્ષ ભાવે સેવા કરી તેની ઉન્નતિ કરવી હોય તો તમારે તમારા કથન અનુસાર કથની નહીં પરંતુ કથની અનુસાર કરણી મુજબ રાષ્ટ્રની, સમાજની વિષમતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે એવું નહીં થયું તો રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન નહીં થાય અને અંદરોઅંદર વૈમનસ્ય રહેશે.”
આ ઉપરાંત સમાજમાં, રાષ્ટ્રમાં પોતિકાપણાની ભાવના હોવી જોઈએ અને જો પોતિકાપણાની ભાવના નહી હોય એકજુથ નહી બની શકાય એ વિશે પોતાનાં વિચારો મૂકનાયક સામયિક નાં 28 ઑગષ્ટના 15મા અંકમાં લખ્યા હતા. ” સંસારમાં થઈ રહેલી ઉન્નતિની સ્પર્ધામાં ધરતી પર પ્રત્યેક જીવંત રાષ્ટ્ર આ દોટમાં એકબીજાને પાછળ પાડી દેવાના પ્રયત્નો કરી રહ્યા છે. રાષ્ટ્ર એટલે કોઈ એકાદ સામાન્ય વ્યક્તિ નથી. જેમ એક વ્યક્તિ એટલે કુટુંબ અથવા એકાદ ઘર અથવા ગામ, પ્રાંત અથવા દેશના હોઈ શકે એવી જ રીતે એક રાષ્ટ્રમાં તથાકથિત એક જાતિ અથવા એક સમાજ રાષ્ટ્ર ના હોઈ શકે. દરેક સભ્યો સાથે મળીને કુટુંબ બને છે, અનેક કુટુંબો મળીને સમાજ બને છે, અનેક સમાજ મળીને ગામ બને છે, અનેક ગામ મળીને પ્રાંત કે દેશ બને છે. એક કુટુંબમાં જેમ દરેક વ્યક્તિ વચ્ચે પોતિકાપણાની ભાવના હોય છે એમ જ પ્રત્યેક સમાજમાં આવી પોતિકાપણાની ભાવના થશે ત્યારે રાષ્ટ્ર જીવંત રહી શકશે અને જ્યાં જીવંતતા નથી ત્યાં બીજા ચઢી આવવાનો અપયશ આવવાની શક્યતા રહે છે. તેથી અા ભુલ સુધારી લેવી જોઈએ. જો પરસ્પર પોતિકાપણાની ભાવના નહી હોય તો તેમનામાં અંદરોઅંદર એકજુટતા નહીં આવે. દરેક શહેરમાં ઘોડાગાડી હોય છે, મ્યુનિસિપાલિટી તેનાં પૈડાં, ઘોડો વગેરે બધાની તપાસ કરીને લાયસન્સ આપે છે, જો આમાં ક્યાંય ખામી રહી જાય તો ઘોડાગાડીવાળો તેનું સમારકામ કરાવીને જ દોડમાં ભાગ લે છે. રાષ્ટ્રમાં એનાં કરતાં વધારે દક્ષતા રાખવી પડે છે ત્યારે જ રાષ્ટ્ર પ્રગતિ કરી શકે છે.”
મુંબઈના એક ભાષણમાં ડૉ. આંબેડકરે કહ્યું કે, “આ દેશ તરત જ સ્વતંત્રતા પ્રાપ્ત કરે એ જ અમારો વિચાર છે, એટલું જ નહીં પરંતુ આ દેશમાં અંગ્રેજોનું શાસન એક દિવસ પણ ન રહે તેવો અમારો મત છે.”
ડૉ. ભીમરાવ આંબેડકર પોતાનાં લખાણોથી એક બાજુ દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોના અવાજને ગૂંજતો કરી રહ્યા હતા તો બીજી બાજુ આ વર્ગોમાં આત્મવિશ્વાસ, ઉર્જા ઉત્પન્ન થાય એવા પ્રયત્ન પણ કરી રહ્યા હતા. 31 જાન્યુઆરી 1920 થી શરૂ થયેલો “મૂકનાયક” નો અવાજ 1925 આવતાં આવતા બુલંદ બની ગયો હતો.
ક્રમશ: