ડૉ. આંબેડકરનો પથ આત્યંતિક કઠિન હતો, પરંતુ ડૉ. આંબેડકરનો લડાયક મિજાજ, દેશમાં વર્ષોથી દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્યોના માનવીય અધિકારો અપાવવા એ તેમનું જીવનલક્ષ્ય હતુ તેથી કઠિનતમ રસ્તો પણ એમના માટે અડચણ બની શકે તેમ નહોતો. એવું કહેવાય છે કે માનવી જ્યારે પોતાના જીવનલક્ષ્ય માટે પહાડની જેમ અડગ, સમુદ્રની જેમ ગંભીર, વાયુની જેમ પરિસ્થિતી મુજબ પરિવર્તનશીલ, જમીનની જેમ ઘા સહન કરીને પણ ફળ આપવાની પરોપકારી, વહેતા નીરની જેમ પવિત્ર, વૃક્ષની જેમ મૂળ સાથે જોડાયેલા, ફૂલની સમાન સર્વત્ર સુવાસ ફેલાવવાની નેમ ધરાવતા હોય ત્યારે નિયતિ પણ એવા માનવીનાં જીવનલક્ષ્યને પૂર્ણ કરવાના રસ્તામાં અડચણ બનવાની ભૂલ નથી કરતી. ડૉ. આંબેડકર પોતાના જીવનલક્ષ્યની પ્રાપ્તિ માટે તન, મન અને સ્વધનથી જોડાયેલા હતા, પોતાની સાથે કોઈ આવશે કે નહીં તેની પરવા કર્યા વગર સતત કાર્યરત હતા.
સતત જેનો ઉલ્લેખ થતો રહ્યો છે તે શ્રી એસ. કે. બોલેના પ્રથમ પ્રસ્તાવનો અમલ નહીં થતો જોઈને દ્વિતીય પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હતી. દ્વિતીય પ્રસ્તાવ પ્રમાણે હવે જો સરકારી, સ્થાનિક સંસ્થા આ પ્રસ્તાવનો અમલ ન કરે તો જે તે નગરપાલિકા, સ્થાનિક સંસ્થાઓને સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ સ્થગિત કરી દેવાનો સુધારો કરવામાં આવ્યો હતો તેથી હવે પ્રસ્તાવનો અમલ કરવામાં સંસ્થાઓ ઠાગાઠૈયા નહીં કરે એવી અપેક્ષા રાખવામા આવી રહી હતી.
મુંબઈ પ્રાંતિય સરકારના આદેશ મુજબ અસ્પૃશ્યો માટે જાહેર સ્થળો, દવાખાના, ઓફિસો, પાણી ઉપલબ્ધ હોય તેવા સ્થાનો વગેરે ખુલ્લા મૂકવાના હતા. ગોકળગાયની ગતિ અને અનિચ્છાએ તથા કથિત સ્પૃશ્ય લોકોના ગુસ્સાનો, અવગણના અને વિરોધનો ભોગ નાં બનવું પડે એનું પૂરતુ ધ્યાનમાં રાખીને જે તે સરકારી સંસ્થાઓ કે સરકારી ગ્રાન્ટ, સરકારી મદદથી ચાલતી સંસ્થાઓ સરકારના આદેશનું પાલન કરવાના પ્રયાસો કરવાની શરૂઆત કરી રહી હતી. જોકે કદાચ કારણ એ પણ હતું જ કે લગભગ સંસ્થાઓની આવકના 70% થી 75% ભાગ સરકારી ગ્રાન્ટમાંથી જ આવતો હતો અને જો એ ગ્રાન્ટ બંધ થાય તો રોજબરોજનું કર્યા તથા લોકોપયોગી કાર્યો કરવાની તકલીફ પડી જવાની શક્યતાઓ હતી.
મુંબઈ પ્રાંત આવનારા પરીવર્તનનુંના માત્ર સાક્ષી પરંતુ અગ્રેસર પણ બનવાનો હતો, મુંબઈ પ્રાંત એક એવી લહેરનું સર્જન થવામાં નિમિત્ત બનવાનું હતું જેનું સ્થાન અને ઇતિહાસમાં અમીટ અને ઊંડી છાપ રહેવાની હતી, મુંબઈ પ્રાંતને એક એવા નેતાનો ભેટો થવાનો હતો જે ભારતનાં ભવિષ્યની સંચાલન ક્ષમતાઓને આલેખિત કરવાના હતા. ટૂકમાં મુંબઈ પ્રાંત જે ઐતિહાસિક ક્ષણોને પોતાનાં ગર્ભમાં દબાવીને બેઠુ હતું તે હવે અવતરવાની ઘડીઓ ગણાઈ રહી હતી.
દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્યોની ધીરજ હવે અંત તરફ આગળ વધી રહી હતી. ક્યારેય અસ્પૃશ્યો તરફથી પ્રતિકારનો અનુભવ નહીં કરવાથી કથિત સ્પૃશ્ય સમાજ પણ પ્રતિકાર થશે એવો અંદેશો રાખીને બેઠો હતો તો સરકાર પણ આવનારા દિવસોમાં શું થશે એનો વિચાર કરતા ચિંતિત હતી. અસ્પૃશ્ય સમાજ પાસે હવે સક્ષમ, અવિવાદિતપણે ઉત્કૃષ્ટ અને અડીખમ નેતૃત્વ હતું, જાગૃતિ હતી, શિક્ષણનો આછોપાતળો વિસ્તાર થવાના પ્રભાવથી અસ્પૃશ્યોમાં તાકાત દેખાતી હતી અને આ બધી બાબતો ઉપર શિરમોર હતું ડૉ. આંબેડકરનું પ્રભાવી, વિચક્ષણ, તર્કબદ્ધ અને વાસ્તવિકતાની ધરાની ધારદાર રજૂઆત કરવાની ક્ષમતા ધરાવતું અદ્વિતીય તથા સર્વસ્વીકૃત નેતૃત્વ હતું.
ક્રમશ: