ડૉ.આંબેડકરનું જીવન લક્ષ્ય નિશ્ચિત અને નિર્ધારિત હતું, સમગ્ર સમાજનો સર્વાંગીણ બદલાવ, વિકાસ, ઉત્કર્ષ કરવાનું લક્ષ્ય ડૉ. આંબેડકર નું હતું. અનેકાનેક મુશ્કેલીઓ, વિકટતમ પરિસ્થિતિમાં અડગ રહીને, સામનો કરીને ઉપાર્જન કરેલી વિદ્વત્તા, વિચક્ષણતા, તર્કબદ્ધતાનો ઉપયોગ દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોના ઉત્થાન તથા ઉત્કર્ષ માટે કરવા માટે ડૉ. આંબેડકર પ્રતિબદ્ધ હતાં. કોઈ પણ પ્રશ્નની તાર્કિક તથા સામાન્ય નાગરિક ને પણ સમજાય તેવી સરળ અને સ્પષ્ટતાથી રજૂઆત કરવાની શૈલી ડૉ. આંબેડકરની લોકપ્રિયતા તથા સ્વીકાર્યતા માં વધારો કરી રહી હતી.
એક સાથે ચચ્ચાર મોરચે લડવુ પડે એ સ્થિતિ હતી ત્યારે બીજી તરફ બુદ્ધિઅંધની જેમ ચાલતી રહેલી રૂઢીઓ, પ્રથાઓને બદલવાની તાતી જરૂર હતી અને તે માટે સામાન્ય માનવીના મનને બદલવુ આવશ્યક હતું. કેવી રીતે થઈ શકે એ ચિંતા અસ્થાને નહોતી પરંતુ વિશેષ મહત્વ ધરાવતી હતી.
વિશ્વ સામાન્ય માનવીની રોજીંદી આવશ્યક જરૂરિયાત તરફ દ્રષ્ટિ કરી રહ્યુ હતુ. વૈશ્વિક સ્તરે એવું માનવાની શરૂઆત થઈ ગઈ હતી કે માનવીની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. આ માન્યતાને ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોતા અધુરી જણાતી હતી કારણ કે ભારત એક એવી આગવી લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરતુ હતુ જ્યાં રોટી, કપડાં અને મકાન સિવાય પણ એક અન્ય જીવન જરૂરિયાતની ચીજને પરંપરા, પ્રથા કે રૂઢિના ઓઠાં હેઠળ ચોક્કસ વર્ગના લોકોની પહોંચથી દૂર કરી દેવામાં આવી હતી. આ ચોથી જરૂરિયાત હતી, પાણી, જળ, નીર, વારિ…
ભારતીય અસ્પૃશ્યો માટે અસ્પૃશ્યતાની પ્રથા પાણી પણ છીનવી રહી હતી.. કેવી વિડંબના હતી કે જે પાણી સ્વયં પવિત્રતાનું દ્યોતક છે એ જ પાણી એક માનવ એવા અસ્પૃશ્યના અડવાથી અપવિત્ર ગણાઈ, મનાઈ જતું હતું, અસ્પૃશ્યના સ્પર્શ માત્રથી જ નહીં પરિસ્થિતિ એટલી અસહ્ય અને ઘૃણાસ્પદ બનતી જતી હતી કે અસ્પૃશ્યનો પડછાયો પણ પડે તો પાણી, વ્યક્તિ અપવિત્ર થઈ જવાય, અભડાઈ જવાની રૂઢી વધારે પ્રભાવિત બની રહી હતી. કેવી બેહુદી, અશાસ્ત્રીય રૂઢીઓ, પ્રથાઓ, માન્યતાઓથી ભારતીય જીવન ખદબદતુ હતું, કલ્પના કરતા પણ મન ખિન્નતા અને ગુસ્સાથી છલોછલ ભરાઈ જાય એવી રૂઢીઓ, પ્રથાઓ, માન્યતાઓ ઉપર જ્યારે પણ પ્રશ્નો ઉઠવાની શરૂઆત થઈ કે તરત જ ધર્મના ઓઠા હેઠળ દબાવી દેવામાં આવ્યા. જોકે આ અમાનવીય વ્યવહાર, રૂઢીઓ, પ્રથાઓ, માન્યતાઓને દૂર કરવાનાં પ્રયત્નો પણ થયા જે અપૂરતા અને અધુરાં સાબિત થયા.
પાણી પણ અપવિત્ર થઈ જાય ? મનુષ્ય કેવી રીતે અપવિત્ર હોય ? ઈશ્વરનું સર્જન કેવી રીતે અપવિત્ર હોઈ શકે ? પરમ પવિત્ર એવા ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એવો માનવ કેવી રીતે અન્ય માનવને અપવિત્ર કરી શકે ? નિર્જીવ પથ્થરની પણ અપવિત્રતા દૂર કરી પવિત્ર બનાવવાની શક્તિ જે પાણીમાં છે એ સ્વયં સજીવના પડછાયા માત્રથી અપવિત્ર થઈ જાય ? અભડાઈ જાય ? આ પ્રકારના પ્રશ્નો શા માટે કોઈ ને નહીં થયા હોય ? અને જો આ પ્રકારના પ્રશ્નો કોઈને થયા હશે તો એના ઉત્તરથી વિપરીત વર્તન શા માટે કર્યું હશે ? શું રૂઢીઓ, પ્રથાઓ, માન્યતાઓ બુદ્ધિ પ્રામાણ્યથી પરે ગણાય ખરી ?
પ્રશ્નોનો પટારો હતો અને ઉત્તરમાં દરેક વખતે બુદ્ધિ પ્રામાણ્યનું ગેરહાજર હોવું સ્પષ્ટ દેખાતુ હતુ. પરંતુ હવે પ્રશ્નોનો સમય પુરો થવાની તૈયારી કરી રહ્યો હતો, હવે પ્રશ્નો નહીં પરંતુ પ્રશ્નોના ઉકેલની જ શરૂઆત થવાની હતી.. સમય પાકી ગયો હતો.. સહનશીલતા હવે પુરી થવામાં આવી ગઈ હતી… પાણી પર સત્યાગ્રહ હોઈ શકે ? પ્રશ્નનો ઉત્તર હાથવેંતમાં દેખાતો હતો..
ક્રમશઃ