ડૉ. આંબેડકર પ્રાંતિય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશનું અમલીકરણ કેટલુ અને કેવુ થઈ રહ્યું છે તે તરફ બાજ નજરે ધ્યાન રાખી રહ્યા હતા. ત્રણ વર્ષ બાદ પણ અમલીકરણ સદંતર ના થતા બીજો પ્રસ્તાવ લાવવામાં આવ્યો જે અંતર્ગત હવે આદેશનું અમલીકરણ ન કરવા માટે પ્રાંતિય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે તે નિશ્ચિત હતુ.
ડૉ બાબાસાહેબ આંબેડકરની જાતિગત ભેદભાવ, ઊંચનીચ, અસ્પૃશ્યતા, માનવીય અધિકારોનું સંરક્ષણ, અપમાનિત વ્યવહાર દૂર કરવાની લડાઈ એક મોરચે લડવાની નહોતી, ડૉ બાબાસાહેબ આંબેડકરે આ લડાઈ ચાર મોરચા ઉપર લડવાની હતી…
1. ધાર્મિક મોરચો: અસ્પૃશ્યતા, જાતિગત ભેદભાવ ઊંચનીચ જેવાં અમાનવીય, અન્યાયકર્તા વ્યવહાર, વ્યવસ્થા, પરંપરાનું પ્રચલન ધર્મનાં ઓઠાં હેઠળ ચલાવવામાં આવી રહ્યું હતું. સમગ્ર દેશમાં આ પ્રકારની માન્યતા એટલી હદે ઘર કરી ગઈ હતી કે એને દૂર કરવા માટે ધાર્મિક પુનરુત્થાન આવશ્યક બની રહ્યું હતું. ખરેખર જોતાં ધર્મ ક્યારેય આ પ્રકારની વ્યવસ્થાનું સમર્થન કરી શકે જ નહીં આ પ્રકારની સમજણ સામાન્ય લોકોને આપવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે.
સામાજિક મોરચો: અસ્પૃશ્યતાનો ઉદભવ અને પ્રચાર જ જાતિગત ભેદભાવ, ઊંચનીચ જેવા અમાનવીય, અન્યાયકર્તા વ્યવહાર, વ્યવસ્થ ને કારણે થયો છે એવું માનવામાં કશું જ ખોટું નથી. જન્મગત જાતિને કારણે ઉચ્ચ હોવાનો ઘમંડ સામાજિક વ્યવસ્થા અને વ્યવસાયમાંથી દૂર થાય તો જ અસ્પૃશ્યતાનું નિવારણ થઇ શકે. અસ્પૃશ્યતાને સામાજિક ક્ષેત્રોમાં જાતિ વ્યવસ્થાને પાયામાં રાખીને ચલાવવામાં આવી રહી છે જેને બદલવાની તાતી જરૂર છે.
રાજનૈતિક મોરચો : જ્યાં ધર્મ અને સામાજિક વ્યવસ્થામાં અસ્પૃશ્યોને કોઈ જ અધિકાર નહોતા ત્યારે રાજકીય અધિકાર તો હજુ સ્વપ્નવત જ ગણાય. ધર્મ અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે રાજકીય શક્તિ આવશ્યક લાગતી હતી, પરંતુ રાજકીય ક્ષેત્રે સક્રીય પ્રથમ હરોળના નેતાઓના આ ધાર્મિક ઓઠા હેઠળ ચાલતી અત્યાચારી વ્યવસ્થાને દૂર કરવા તથા ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય સમાનતા માટેના પ્રયાસો કાંતો દેખાડા પુરતા કાંતો અધકચરા કાતો ઉપરછલ્લા દેખાતા હતા. રાજકીય નેતાઓ પોતાનો સામાજિક મોભો તથા સ્વીકાર ઓછો ના થાય એની ચિંતા વધારે કરતા હોય એવું પ્રથમદર્શી લાગ્યા વગર રહેતુ નહોતું.
ઉપર મુજબના ત્રણ મોરચા કરતા વધુ પ્રબળ મોરચો ચોથો હતો જે હતો….
સ્થાપિત તત્વો : તત્કાલીન ભારતીય સમાજમાં જાતિ વ્યવસ્થા પ્રબળ હતી ત્યારે જે તે જાતિઓ ઉપર જે તે જાતિઓના સ્થાપિત નેતાઓ, આગેવાનોનો આગવો પ્રભાવ હતો અને આ દરેક જાતિમાં દેખાય એવું સત્ય હતુ. જાતિગત નેતાઓ, આગેવાનોનો વર્ગ મોટેભાગે પોતાનાં સ્વાર્થ અને મોભા માટે જ કાર્યરત દેખાતો હતો અને હોય છે પણ. આ વર્ગ એવો વર્ગ છે જેની પોતાની જાતિ ઉપર આગવી પકડ છે તેથી કોઈપણ બદલાવ લાવવામાં આ વર્ગની ભૂમિકા અગત્યની બની જાય છે. દુર્ભાગ્યવશ આ વર્ગ કોઈ પણ પ્રકારના બદલાવને પોતાની જાતિ ઉપર પોતાની પકડ ઢીલી થઈ જશે, વગ ઓછી થઈ જશે, મોભો ઘટી જશે જેવી માનસિકતાને કારણે ના તો સ્વયં સ્વીકારી શકે છે અને ના પોતાની જાતિને સ્વીકાર કરવા દે છે, ઉપરાંત એવું પણ જોવા મળે છે કે સામાજિક બદલાવની વિરુદ્ધ ઊભા થવામાં આ વર્ગ જ આગળ પડતો ભાગ ભજવે છે.
ચાર ચાર મોરચા ઉપર લડવાની ક્ષમતા અને શક્તિ તથા સામર્થ્ય ડૉ. ભીમરાવ આંબેડકરમાં વૈચારિક, રાજકીય, જનસમર્થન તથા શૈક્ષણિક સ્વરૂપે અખુટ એકત્રિત થયેલું જોઈ શકાતું હતું.