ડૉ. ભીમરાવ આંબેડકર પ્રાંતિય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ તથા સ્થાનિક બોર્ડો તથા મ્યુનિસિપાલિટીઓ દ્વારા એ આદેશનું પાલન નહીં કરવાની પદ્ધતિ, ઉપરાંત દૈનંદિન સામાજિક સ્થિતિમાં થતા રહેલા પરિવર્તનો તથા એના દૂરગામી પરિણામો તરફ ઝીણવટભરી નજર રાખી રહ્યા હતા. બહિષ્કૃત હિતકારીણી સભાના માધ્યમથી સ્વયં અસ્પૃશ્યોના ઉત્થાન માટેના પ્રયાસો કરતા જ હતા. આ પ્રકારની પરિસ્થિતિમા ડૉ. ભીમરાવ આંબેડકરનું મૌન ધારણ કરીને નીરીક્ષક માત્ર હોવું એ સુનામી પહેલા દરિયામા આવેલી પ્રચંડ ઓટ જેવું ભાસતુ હતુ, જોકે એનું કારણ પણ હતુ જ, અન્યાય સામે ચુપ રહેવાનુ ડૉ. આંબેડકરના સ્વભાવમાં જ નહોતુ અને છતાં શાંત હતા.
આ તરફ ત્રણ ત્રણ વર્ષ એટલે કે લગભગ એક હજાર દિવસો વીતી જવા છતાં અસ્પૃશ્યો ને માટે જાહેર સ્થળો, દવાખાનાં, પુસ્તકાલયો, પાણી ઉપલબ્ધ હોય તેવાં સ્થાન, કુવા, તળાવો, ટાંકીઓ ખુલ્લા મુકવાનાં પોતાનાં પ્રસ્તાવનો કોઈ અમલ થતો ન જોઈને શ્રી એસ. કે. બોલે વ્યથિત, દુઃખી હતાં, જોકે નિરાશ ચોક્કસ નહોતાં જ. શ્રી એસ. કે. બોલેએ એવા રસ્તાની શોધ આદરી જેનાથી પોતાનાં જુના પ્રસ્તાવ લોકલ બોર્ડો, મ્યુનિસિપાલિટીઓની પાસે ઉચિત રીતે અમલ કરાવી શકાય.
અસ્પૃશ્યોના સ્વીકારના પ્રયાસો કરવામાં અગ્રેસર એવા શ્રી એસ.કે. બોલેના ધ્યાન પર કોઈ રસ્તો આવતો નહોતો. તે સમયે સ્થાનિક બોર્ડો તથા મ્યુનિસિપાલિટીઓને લોકોપયોગી કાર્યો કરવા માટે ભંડોળની હંમેશા આવશ્યકતા રહેતી હતી, લગભગ દરેક બોર્ડની આવકના સાધનો મર્યાદિત હતા જ્યારે આવક કરતા ખર્ચ વધી જતો હતો તેથી દરેક સ્થાનિક બોર્ડ તથા મ્યુનિસિપાલિટીઓ પ્રાંતિય સરકારની ગ્રાન્ટ માટે આવતી હતી. બધા જ સ્થાનિક બોર્ડ તથા મ્યુનિસિપાલિટીઓની આવકનો સૌથી મોટો સ્ત્રોત પ્રાંતિય સરકાર ની ગ્રાન્ટ જ હતી.
પોતાનાં જુના પ્રસ્તાવને રજૂ કર્યાંના બરાબર ત્રણ વર્ષ પછી 5મી ઑગસ્ટ 1926ના દિવસે શ્રી એસ. કે. બોલેએ બીજો પ્રસ્તાવ બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલ માં રજૂ કર્યો. નવા પ્રસ્તાવમાં બોમ્બે પ્રાંતિય સરકારને એવી ભલામણ કરવામાં આવી કે જે લોકલ/સ્થાનિક બોર્ડ, મ્યુનિસિપાલિટીઓ ત્રણ વર્ષ પહેલાંના પ્રસ્તાવનો અમલ કરવાનીના પાડે, અમલના કરે કે અમલ કરવામાં આડોડાઈ, ઠાગાઠૈયા કરે તેવા સ્થાનિક બોર્ડ તથા મ્યુનિસિપાલિટીઓને અપાતી બધી જ ગ્રાન્ટ અટકાવી દેવામાં આવે.
શ્રી એસ. કે. બોલે જ્યારે આ બીજો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એક એવી ઘટના બની જે આવનારા દુઃખદ અથવા અસહનીય ભવિષ્ય ની તરફ અંગુલિનિર્દેશ કરતી હતી.
બધી જ ગતિવિધિઓ તરફ ડૉ. આંબેડકરની શાંત પરંતુ ઝીણવટભરી નજર હતી. ડૉ. આંબેડકર નાનામાં નાની બાબતનું વિશ્લેષણ કરીને એની તુરંત તથા દૂરોગામી અસરોને તપાસતા રહેતા હતા. અન્યાય તથા અશિસ્ત સામે તરત જ જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠતા ડૉ. આંબેડકરની શાંતિ જાણે કોઈ ઝંઝાવાત આવતા પહેલા વાતાવરણનો પારો જેમ નીચે જાય એવી શક્યતાઓને ક્ષિતિજ પર દેખાડી રહી હતી. એવું ચિત્ર ઊભુ થતુ દેખાતુ હતુ કે જેમ સુનામી આવતા પહેલા પેટાળમાં આવેલા ભૂકંપોને મહાસાગર પચાવવા માટે પોતાના તળીયાને સ્પર્શી રહ્યો છે.
ક્રમશઃ