દેશના દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ યોદ્ધા એવા ડૉ. આંબેડકર હવે ધીમે ધીમે આ જાતિગત ભેદભાવ, ઊંચનીચ, અસ્પૃશ્યતા જેવા અમાનવીય, અન્યાયકર્તા વ્યવહારને દૂર કરવાના કાર્યના સેનાપતિ તરીકે સ્વીકાર્ય થતા જતા હતા તો અન્ય બાજુ એક સફળ, વિદ્વાન, વિચક્ષણ વકીલ તથા વિચારક તરીકે પણ પ્રસ્થાપિત, પ્રસિદ્ધ થઈ રહ્યા હતા. ખાસ કરીને બોમ્બે પ્રાંતમાં અસ્પૃશ્યોના પ્રશ્નો તથા તેમના માનવીય અધિકારોની અસરકારક રજૂઆત સમાજ તથા સરકારી સ્તરે ડૉ.આંબેડકર કરતા હતા. તથાકથિત સ્પૃશ્ય તથા અસ્પૃશ્યો વચ્ચેની જાતિગત ભેદભાવ,. ઊંચનીચ, અસ્પૃશ્યતા જેવા અમાનવીય અન્યાયકર્તા વ્યવહારથી ઊભી થયેલી ખાઈ દૂર થાય તથા તત્કાલીન ભારતીય સમાજમાં બંધુત્વની ભાવના નિર્માણ થાય એ માટે સતત પ્રયત્નશીલ હતા. ડૉ. આંબેડકરનું માનવું હતુ કે જાતિગત ભેદભાવ તથા અસ્પૃશ્યતા જેટલી નુકસાનકર્તા અસ્પૃશ્ય વર્ગો માટે છે એનાથી વધારે નુકશાનકારક તથાકથિત સ્પૃશ્યો માટે તથા એના કરતા અનેકગણી વધારે અહિતકારક દેશ માટે છે, અને તેથી જ દેશને નુકશાનકારક એવું આ કલંક દૂર થાય એ સમાજ તથા દેશને માટે આત્યંતિક આવશ્યક છે. અસ્પૃશ્યતા તથા જાતિગત ભેદભાવ, ઊંચનીચએ દેશ પર લાગેલું કલંક માત્ર નથી પરંતુ દેશની આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય તથા ધાર્મિક પ્રગતિ માટે પણ સૌથી મોટું અવરોધક પરિબળ છે.
દેશના આ કલંકને દૂર કરવાનાં અનેકાનેક પ્રયત્ન પૈકી એક પ્રયાસ શ્રી એસ. કે. બોલે દ્વારા બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલમાં લાવવામાં તથા સ્વીકારવામાં આવેલો પ્રસ્તાવ હતો. આ પ્રસ્તાવ અંતર્ગત ” કાઉન્સિલ એવી ભલામણ કરે છે કે જે મિલકતનું બાંધકામ તથા એની સારસંભાળ જાહેર ભંડોળમાંથી/ દ્વારા કરવામાં આવ્યું હોય, જેનો વહીવટ સરકાર દ્વારા નિમણૂંક પામેલી કે કાયદા દ્વારા બનાવવામાં આવેલી સમિતિ કરતી હોય એવા દરેક સ્થળે જ્યાં પાણી ઉપલબ્ધ હોય/મેળવી શકાય એવું હોય, કુવાઓ, ધર્મશાળાઓ, શાળાઓ, ન્યાયાલયો, કાર્યાલયો, દવાખાનાઓ વગેરેનો ઉપયોગ કરતા અસ્પૃશ્યોને રોકી શકાશે નહીં.”
શ્રી એસ. કે. બોલેના પ્રસ્તાવનો સ્વીકાર કર્યાં બાદ બોમ્બે પ્રાંત સરકારે દરેક જે આદેશ બહાર પાડ્યો એમાં દરેક સરકારી વિભાગોનાં હેડને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, ” બોમ્બે લેજીસ્લેટીવ કાઉન્સિલના ઠરાવના સ્વીકારના અનુસંધાનમાં બોમ્બે સરકાર દરેક ઓફિસના હેડને એવો નિર્દેશ આપે છે કે જે જાહેર સ્થળો અને સંસ્થાઓનો સંબંધ સરકાર સાથે છે અથવા સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તે દરેક જગ્યાએ આ ઠરાવનો અમલ કરાવવો.” આ ઉપરાંત બધા જ કલેક્ટર્સને વિનંતી કરવામાં આવે છે કે તે તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી બધી જ સ્થાનિક જાહેર સંસ્થાઓને જણાવે કે તેમને જ્યાં પણ સંબંધિત છે ત્યાં આ ઠરાવનો અમલ કરાવડાવે જે અનિવાર્ય અને ઈચ્છનીય છે. બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને બોમ્બે મ્યુનિસિપલ કમિશનરને પણ તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં આ ઠરાવના પ્રાવધાનોનો અમલ કરાવવા નો નિર્દેશ આપવામાં આવ્યો. 4થી ઑગસ્ટ 1923 માં અમલમાં મુકવામાં આવ્યો હતો તે પ્રસ્તાવ, આદેશનું ત્રણ ત્રણ વર્ષ પુરા થવા છતાં ક્યાંય ગંભીરતાથી અમલ થયો હોય એવું જણાતુ નહોતુ. બોમ્બે પ્રાંત સરકાર પણ પોતે માત્ર આદેશ કરીને અટકી ગઈ હોય એવુ ચિત્ર ઊભુ થતુ હતુ. સ્થાનિક બોર્ડો, મ્યુનિસિપાલિટીઓ, બોમ્બે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારના અમલની કોશિશ દેખાતી નહોતી, ક્યાંક છુટોછવાયો પ્રયત્ન થયો હતો પરંતુ તેનું સ્વરૂપ પણ માત્ર લોકદેખાડા સિવાય અન્ય હતુ નહીં.
ડૉ. ભીમરાવ આંબેડકર બહિષ્કૃત હિતકારીણી સભા દ્વારા અસ્પૃશ્યોના ઉત્થાન માટે પ્રયત્નશીલ હતા સાથે સાથે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નો તરફ પણ બાજ નજરથી નિરીક્ષણ કરતા હતા.
ક્રમશઃ