ગાંધીજીનો અભિગમ અસ્પૃશ્યતા તથા ઊંચ નીચ જેવા અમાનવીય અન્યાયકર્તા ભેદભાવની સર્જક જેવી જાતિ વ્યવસ્થાને અક્ષુણ્ણ રીતે જાળવી રાખીને અસ્પૃશ્યતા તથા જાતિવાદી ભેદભાવ દૂર કરવાના પ્રયાસો કરવાનો હતો જ્યારે વીર સાવરકરના વિચારો અને પ્રયાસો સામાજિક, આર્થિક, રાજકીય સમાનતાના બળ થકી ઉપર જાતિ વિહિન હિંદુ સમાજની રચનાના મજબૂત પાયા ઉપર અપરાજેય શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવાનો હતો.
ડૉ. આંબેડકરનો અભિગમ ઉપરોક્ત બંને મહાનુભાવો થી કેવી રીતે અલગ કે વિશેષ હતો ?
ડૉ. આંબેડકર અને ગાંધીજી તથા વીર સાવરકર વચ્ચે કુદરતી રીતે જ જન્મગત ભેદ હતો, ડૉ. આંબેડકરનો જન્મ અને ઉછેર અસ્પૃશ્ય ગણાતા વર્ગમાં જ અસ્પૃશ્યતા તથા જાતિગત ભેદભાવ સહન કરતા કરતા થયો હતો જ્યારે ગાંધીજી અને સાવરકરનો જન્મ અને ઉછેર એવા વર્ગમાં થયો હતો જ્યાં તેમને કદી અસ્પૃશ્યતા તથા જાતિવાદી ભેદભાવનો લેશમાત્ર અનુભવ થયો નહોતો.
ડૉ. આંબેડકર એવા નેતા હતા જે અસ્પૃશ્યો જે અને જેવું વિચારે છે તે અને તેવું વિચારી શકતા હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્યોની વેદનાને ના માત્ર જોઈ શકતા પરંતુ અનુભવી શકતા હતા. પોતાને થયેલા અવિરત અનુભવોથી ડૉ. આંબેડકરને એ જાણ હતી કે કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોની નિસ્વાર્થ અને અનહદ લાગણી તથા ચાહના કેવી રીતે જીતી શકાય છે. બે દાયકા કરતા વધુ સમયથી ડૉ. આંબેડકરે કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના દારૂણ, અપમાનજનક, પશુ કરતા બદતર જીવનનું તેમની વચ્ચે રહીને ના માત્ર નિરીક્ષણ કર્યુ હતુ પરંતુ સ્વયં અનુભવ્યુ હતુ, તેમની અકથ્ય તકલીફો તથા અસહાયતાને જોઈ, અનુભવી હતી.
ડૉ. આંબેડકર અસ્પૃશ્યોની અધોગતિભરી, હાડમારીઓથી ભરપુર, અમાનવીય, અપમાનિત, પશુ કરતાં પણ બદતર સ્થિતિ પરત્વે જબરદસ્ત આક્રોશ ધરાવતા હતા. બીજા શબ્દોમાં અસ્પૃશ્યોમાં સદીઓથી સુષુપ્ત અવસ્થામાં ધરબાયેલા જુસ્સા, ગુસ્સાનું મૂર્ત સ્વરૂપ હતા. ડૉ. આંબેડકરના વિચારો, શબ્દોમાં કચડાયેલા, અસ્પૃશ્યોને પોતાના સન્માનજનક, માનવીય અધિકારોથી પરિપૂર્ણ, સમાનતા તથા બંધુતા ભર્યા જીવનના સ્વપ્ન સાકાર થતા દેખાતા હતા.
કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોમાં, ડૉ. આંબેડકર પ્રથમ એવા નેતા હતા જેમણે ઘણા દુઃખ વેઠ્યા હતા, વેદનાઓ સહન કરી હતી, અને અત્યધિક અભ્યાસ કર્યો હતો. ડૉ. આંબેડકર એ વખતની વિશ્વ વિખ્યાત એવી ત્રણ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરીને આવ્યા હતા. પોતાની વિદ્વત્તા, અદમ્ય ઉર્જાથી ડૉ. આંબેડકરે જબરદસ્ત નૈતિક હિંમતના દર્શન કરાવ્યા હતા ઉપરાંત તેમની વિશિષ્ટ તથા વિશાળ સમજશક્તિ એ તેમનું એક અદ્ભુત વ્યક્તિત્વ નિર્માણ કર્યુ હતુ. ડૉ. આંબેડકર જ એવા વ્યક્તિ, નેતા હતા જેમણે દબાયેલા કચડાયેલા અસ્પૃશ્ય વર્ગોના દુઃખને પોતાનું દુઃખ તથા અપમાનને પોતાનુ અંગત અપમાન ગણાવ્યુ હતુ. ડૉ. આંબેડકરે કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્યોને તેમની અપમાનિત, પશુ કરતાં બદતર ગુલામીભરી જીંદગીમાંથી બહાર કાઢીને આત્મગૌરવથી ભરપૂર બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
ક્રમશ: