દેશમાં પરતંત્રતાની બેડીઓ તોડીને સ્વતંત્રતાના શ્વાસ લેવાની લડતે વેગ પકડ્યો હતો. સ્વતંત્રતા સંગ્રામમા હિસ્સો લઈને દેશ માટે બલિદાન આપવા અસ્પૃશ્યોમા પણ ઉત્સાહ અને ઉમંગ જોઈ શકાતા હતા. ગાંધીજી આ લડતના અઘોષિત સ્વરૂપે સર્વસ્વીકૃત નેતા હતા.
રાજકીય સ્થિતિ એવી બનતી જતી હતી કે સ્વતંત્રતા સંગ્રામનું શિર્ષસ્થ નેતૃત્વ દેશને જાતિવાદી ગુલામી, અમાનવીય વ્યવહાર, અસ્પૃશ્યતા જેવા લાંછનથી સ્વતંત્ર કરવા પ્રવૃત્ત થવાનુ હતુ. આ નવા જ સ્વતંત્રતા જંગમાં ઉતરતા ગાંધીજીનો અભિગમ કેવો હતો એ જોયુ. ગાંધીજીના ભારત આગમન પહેલાથી જ એક નેતા જાતિવાદી ભેદભાવને દૂર કરવાના પ્રયાસો કરવામાં લાગેલા હતાં અને તે હતા વિનાયક દામોદર સાવરકર. દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોને હિંદુ સમાજમાં સન્માનજનક સ્થાન મળે તે માટે વીર સાવરકરના વિચારો, નીતિ, રીતિ, પદ્ધતિ અને માન્યતાઓ તથા અભિગમ કેવા હતા ?
વિનાયક દામોદર સાવરકર :
વીર સાવરકરનું વલણ અને વિચાર રાષ્ટ્રવાદી, વાસ્તવિક અને ક્રાંતિકારી લાગે તેવા હતા. વીર સાવરકર પોતાના વિચારોને ક્રિયાન્વિત કરવા માટે દ્રઢ હતા. તેમનો હેતુ હિંદુઓ જે જુદી જુદી જાતિઓમાં વિભાજીત હતા તે તમામ હિંદુઓની એક્તા કરી હિંદુ સમાજનું જાતિ વિહોણા હિંદુ સમાજમાં પરિવર્તિત કરવાનો હતો. વીર સાવરકર એવા જાતિ વિહિન હિંદુ સમાજની રચનાનો હેતુ ધરાવતા હતા જેમાં પ્રત્યેક હિંદુ સામાજિક, આર્થિક, રાજકીય રીતે સમાન અધિકાર ધરાવતા હોય. દરેક ના માત્ર સમાનતાના અધિકારી હોય પરંતુ સમાન અધિકાર ભોગવતા હોય.
હિંદુઓની સમાનતાથી વજ્ર સમાન રચાયેલી એકતા અને પ્રચંડ એકત્વના પાયા ઉપર એક અપરાજેય શક્તિશાળી રાષ્ટ્રનું સર્જન કરવાની નેમ વીર સાવરકરની હતી. રત્નાગીરી જિલ્લામાં તેમણે આંદામાન નિકોબારની કાળાપાણીની સજા પહેલાથી જ આ કાર્યની શરૂઆત કરી હતી.
દુર્ભાગ્યવશ જેલવાસથી છુટ્યા બાદ વીર સાવરકર રત્નાગીરી જિલ્લામાં નજરકેદ હોવાથી તેમનાં આ ક્રાંતિકારી વિચારો, તેના વિધાયક પાસાઓ અને સકારાત્મક અસરો તથા તેમના આંદોલનની અસર અન્ય જિલ્લાઓમાંના પ્રગતિશીલ અને વાસ્તવદર્શી વિચારો ધરાવતા લોકો સુધી પહોંચી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ વીર સાવરકરના ક્રાંતિકારી પ્રયાસોનો વ્યાપ રત્નાગીરી જેવા એક જિલ્લા સુધી જ મર્યાદિત રહી ગયો.
ગાંધીજી અને સાવરકરના દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ માટેના વિચારોમાં ભિન્નતા જોવા મળે છે. જ્યાં ગાંધીજીના વિચારો સહાનુભૂતિથી પ્રેરિત અને ઉપકારક હોવાનો ભાવ ધરાવતા હતા જ્યારે વિનાયક દામોદર સાવરકરના વિચારો વાસ્તવિકતાની ધરતી પર ઊભા હતા. જ્યાં ગાંધીજી પોતાના રૂઢિચુસ્ત મુડીપતિઓની લાગણીઓ ના ઘવાય, ઠેસ ન પહોંચે એની તકેદારી રાખતા દેખાય છે જ્યારે વિનાયક દામોદર સાવરકર કોઈની સાડાબારી નહી રાખવાનો મત ધરાવે છે. સદીઓથી પોતાની જાતિને કારણે જ ઉપેક્ષા પામવા, અપમાનિત થવા, અમાનવીય વ્યવહાર સહન કરવા, પશુ કરતા બદતર હાલતમાં અસ્પૃશ્ય બનીને જીવવા છતા હિંદુ બનીને રહ્યા તેવા વર્ગોના ધર્માંતરણ પ્રત્યે ગાંધીજી ચુપકીદી સાધી બેઠા છે, જાતિ વ્યવસ્થાના પરમ સમર્થક બનીને બેઠા છે જ્યારે વિનાયક દામોદર સાવરકર સામાજિક, આર્થિક, રાજકીય સમાનતાના પાયા ઉપર જાતિ વિહિન હિંદુ સમાજની રચના કરવાની નેમ ધરાવે છે.
ભારતીય રાજનીતિમાં એક ત્રીજુ મજબૂત વ્યક્તિત્વ પણ હતું અને તે એટલે ડૉ. ભીમરાવ આંબેડકર. ડૉ. ભીમરાવ આંબેડકર સમાજશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રી છે, કાયદાશાસ્ત્રી છે. આ જોતા ડૉ. આંબેડકર સાવ જુદી જ માટીથી ઘડાયેલા હતા. જાતિવાદી ભેદભાવ, અમાનવીય વર્તન, અપમાનિત વ્યવસ્થા તથા પશુથી બદતર એવી અસ્પૃશ્યતાના મહા ભોરિંગને નાથવા માટે ડૉ. આંબેડકરના વિચારો શું હતા ? તેમનો દ્રષ્ટિકોણ કેવો હતો ?
ક્રમશ: