મંજીને ટેકે ટેકે ચાલતો કનકલાલ સંતુલન ગુમાવી બેઠો. અને ધડાકાભેર દાદરમાં પટકાયો.
દર્દની ભયાવહ ચીસોથી ફળિયું ધ્રુજી ઉઠ્યું. સુશીલ ધીમા પગે જ ચાલી રહ્યો હતો. એ જ પોતાની ચીર પરિચિત ભાવશૂન્યતાથી જરાય દુઃખી થયાનાં આડંબર વિના એ કનકલાલની નજીક આવ્યો અને એની આંખોમાં જોઈ રહ્યો.
મંજીએ ફિટકાર ભરી નજરે સુશીલને કહ્યું: ” ડોબા, આમ જોઈ શુ રહ્યો છે!! આ તારો ભાઈ ઉભો પણ નથી થઈ શકે એમ. મદદ કરી એની…
સુશીલે કનકલાલને ઉભા થવામાં મદદ કરી પણ અતિશય દર્દથી કરાહતો કનક ફરી ફસડાઈ પડ્યો. જોત જોતામાં ટોળું વળી ગયું. કનકલાલ શુ થયું?!! શુ થયું??!!!નો શોર સાંભળતો અસહાય પડી રહ્યો..
‘લાગે છે ગંભીર ઈજા થઈ છે.” ફળિયામાંથી એકે કહ્યું.
“ઉપલા માળેથી નહિ, અહીં દાદર પરથી જ પટકાયો છે. એમાં તે શેની ગંભીર ઇજા?!!” મંજીએ તિરસ્કાર ભર્યો જવાબ વાળ્યો.
સુશીલે મોટાભાઈને જેમ તેમ કરી ઉઠાવી ગાડીમાં નાંખ્યો. રૂપગઢની સરકારી અસ્પતાલમાં કનકને લઈ જવાયો.
ડોક્ટરે કનકની હાલત જોઈ તરત સુશીલને એક્સ-રે રૂમમાં લઈ જવા કહ્યું.
દવાખાનામાં નાઈટ શિફ્ટનાં ડોકટર અને ટેક્નિશિયન સિવાય ફક્ત 2 નર્સ જ હાજર હતી. કમ્પાઉન્ડર કે પ્યુનનો તો કોઈ પતો જ નહોતો.
જર્જરીત અને વેરાન ભાસતી આ હોસ્પિટલ, આઝાદી પહેલાં બૃહદ મુંબઇ સ્ટેટનાં ગામનો હિસ્સો હતી. પ્રથમ ત્યાં ગાયકવાડી રાજપરિવારનું રજાઓ ગાળવાનું પ્રિય સ્થળ હતું. ભવ્ય અને આલીશાન બગીચા સાથેનું મોટું મકાન બાદમાં જ્યારે ભાષા આધારે રાજ્યની રચનાઓ થઈ ત્યારે ગુજરાતનો ભાગ બન્યું. અને સરકાર હસ્તક લઈ તેને હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી.
ચુનો મારેલી ધોળી દીવાલો જાણે ઘોર પરાક્રમી ચિત્રકારની રંગીન પીંછીઓનો આડેધડ શિકાર બની હોય એમ બધી બાજુએથી રંગાઈ ગયેલી હતી. બંને પડોશી રાજ્યોનાં સીમાવર્તી ગામડાની વ્યસની જનતા પાન-માવા, ગુટખાની બેફામ પિચકારીઓથી ભાત ભાતની રંગોળી સર્જતી હતી.
સરકારી મેડિકલ કોલેજોમાં ભણેલા અને ઋણ સ્વીકાર માટે ફરજીયાત સેવા બજાવવા નિમણૂક પામેલાં યુવાન ડોક્ટરો બિચારા થઈ પડી રહેતાં. કોઈ સાથે ઘર્ષણમાં ઉતરતાં નહિ. અને કોઈને ડારો-ઠપકો પણ આપતા નહીં, તેથી લોકો બપોતી મિલકત સમજી ગમે ત્યાં પિચકારીઓ મારી રંગ પ્રદર્શન યોજવામાં આનંદ અનુભવતા.
કનકલાલને સ્ટ્રેચર પર ઘસડતો ઘસડતો સુશીલ પોતે એક્સ-રે રૂમ સુધી લઈ આવ્યો. પીડાથી કણસતો કનક ગાળોની ઝીંકા ઝીંક બોલાવતો રહ્યો. પણ આવા લોકોથી ટેવાઈ ગયેલા ટેક્નિશિયને કોઈ પ્રત્યુતર વાળ્યા સિવાય કનકને આડો તેડો કરી એક્સ-રે લીધો.
સુશીલને ‘કામ પૂરું થયું હવે ડોક્ટરની કેબીન બહાર બેસો’ કહી પોતે એક્સ-રે સ્ટ્રિપ ડેવલપ કરવા જતો રહ્યો.
થોડી વાર પછી એક નર્સ સુશીલને બોલાવી ગઈ.
“તમારા ભાઈને ઓસ્ટીઓપોરોસીસ ની બીમારી છે અને થાપાનું હાડકું પણ તૂટી ગયું છે. રિકવરીનાં ચાન્સ ઓછાં છે. તો ખૂબ જ કાળજી રાખવી પડશે નહીતો એ ક્યારેય પોતાના પગ પર ચાલી નહિ શકે” ડોકટર એક જ શ્વાસે બધું બોલી ગયા.
‘હમમમ….’ સુશીલે માથું ધુણાવ્યું.
જરૂરી દવા-પટ્ટીથી સારવાર કરી ડોક્ટરે ગાળો બોલતા કનકલાલને રવાના કરી દીધા. જતા જતા ડોક્ટરે સુશીલને કહ્યું કે ” અઠવાડિયામાં ફરક ના પડે તો શહેરમાં કોઈ મોટા ઓર્થોપેડિક દવાખાનામાં બતાવી દેજો”.
જવાબમાં સુશીલ ફક્ત નીચું જોઈ રહ્યો.
પીડા શામક ઇન્જેક્શનની અસરથી થોડી રાહત જણાતા કનકલાલનો મિજાજ જરાક ઠેકાણે આવ્યો. ઘરે જતા જતા પણ એ એવું વિચારતો રહ્યો કે અપશુકનિયાળ અભય અને એની માઁ જ પોતાના મોતનું કારણ બનશે. ઉભા થવામાંય અસહાય બનેલો કનક હવે તો સાચે જ મૃત્યુ સુધી ખાટલામાં પડી રહેવાનો હતો.
દિવસો વીતતા ગયા પણ કનકની તબિયતમાં સુધારો થવાનાં કોઈ જ એંધાણ નહોતા દેખાતા. શહેરની તમામ મોટી હોસ્પિટલોમાં ખર્ચાઇ ચુક્યા બાદ કનકે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને ખાટલામાં જ જીવન પસાર કરી દેવા માનસિક તૈયારીઓ આરંભી. પોતાની સાથે ઘટતી દરેક વાહિયાત ઘટનાઓ અભયની જ દેન છે એ ભુત હંમેશ માટે એના મનમાં ઘર કરી ગયું હતું.
સમય વીતતો ચાલ્યો. લગભગ 2 વરસ જેટલો વખત પાણીની જેમ વહી ગયો. એવામાં એક દિવસ પોલીસની જીપ ફળિયામાં આવી ઉભી રહી. એક જુવાન જણાતો પોલીસમેન ખાખી વર્દીમાં નીચે ઉતર્યો.
‘કનકલાલનું ઘર ક્યાં છે?!!’ પોલીસમેન ઉંચા અવાજે બોલ્યો.
અભય બહાર ફળિયામાં એકલો એકલો રમી રહ્યો હતો. અજાણ્યા માણસને આમ બોલતો જોઈ એ હંમેશ મુજબ ડર્યો અને સીધો ઘરમાં પેઠો અને મંજી ફોઈને બૂમ પાડી. પોલીસમેન પાછળ પાછળ ગયો. ફરી એ જ સવાલ દોહરાવ્યો: “કનકલાલનું ઘર ક્યાં છે??! શુ હું સાચા સરનામે છું?”
મંજી ઉતાવળે બહાર આવી અને બોલી ઉઠી: “હા સાહેબ, આ જ ઘર છે. શુ થયું?!” અભય ફોઈની સાડી પકડી ઉભો રહી ગયો.
“2 વરસ પહેલાં વિમળા નામની છોકરી ગુમ થવાની ફરિયાદ લખાવવા તમારા ઘરેથી કોઈ આવેલા??”
અતિ આશ્ચર્યથી મંજી થથરાતી થથરાતી બોલી “હા.. હા.. જી સાહેબ… અમે જ આવેલા.. મારી નાની બેન..
વિમળા માટે .. અમે જ આવેલા સાહેબ..
” એનો પત્તો લાગી ગયો છે.” : પોલીસમેને સહજતાથી કહ્યું.
મંજી દોડતી દોડતી પાછળ હોલમાં ખાટલે પડેલા કનકલાલ તરફ ભાગી.
એક હાથમાં ટીવીનું રિમોટ, બીજા હાથમાં દારૂનો ગ્લાસ પકડી મોજ માણતા કનકે અવાજની દિશા તરફ નજર નાખી.
મંજી ઉતાવળે આવી રહી હતી.
“શુ થયું?! આમ આટલી ઉતાવળમાં કેમ?!! કનકલાલે અવઢવમાં આવી શબ્દો ઉવાચ્યા.
હાંફતી મંજીએ એટલીજ તીવ્રતાથી જવાબ દીધો: “પોલીસ આવી છે.. વિમળા મળી ગઈ છે એમ કહે છે..”
કનક જાણે કે વિજળીનો ઝટકો લાગ્યો હોય એમ ચમકી ગયો.
ઉભો થઇ શકે એમ તો હતો નહિ. એટલે મંજીને કહ્યું કે તાત્કાલિક એ પોલીસમેનને અંદર લઈ આવ.
વર્ષો પછી કનકે કંઈક ખુશ થવાય એવું સાંભળ્યું હતું. 2 વરસ પૂર્વે ખોવાયેલી પોતાની નાની બહેન વિમળા મળી ગઈ એ જાણી કનક મનોમન નાચવા લાગ્યો.. દારૂનો ગ્લાસ સંતાડી કાગડોળે પોલીસમેન ની રાહ જોવા લાગ્યો.
પોલીસમેન અંદર આવ્યો. એને ખૂબ સમ્માનથી બેસાડવામાં આવ્યો.. ફટાફટ મંજી રસોડામાં ગઈ અને પરમેનન્ટ કામવાળી ઉર્ફે ગુલામ તરીકે રાખેલી પોતાની ભાભી પૂનમને પોલીસમેન માટે આલા દરજ્જાનું પીણું બનાવવા હુકમ કરી ફરી હોલ તરફ ભાગી…
ભાગ- 5 ક્રમશ: