કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 106
મુસ્લિમ લીગ અને મહંમદઅલી ઝીણા સાવ નબળા હતા પરંતુ કૉંગ્રેસની નીતિ રીતિએ તેમને મજબૂત કર્યા
મુસ્લિમ લીગ સાવ નબળી હતી. પરંતુ પાકિસ્તાન મેળવવાની માગણીને ખાસ કરીને કૉંગ્રેસની નબળી નીતિએ વધારે મહત્વ આપ્યું. તેણે મુસ્લિમ લીગના તુષ્ટીકરણનો પ્રયત્ન કર્યો. કૉંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હોત કે તે ગમે તે સ્થિતિમાં રાષ્ટ્રની અખંડિતતાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે તો મુસલમાનોએ પણ મજબૂર બનીને ભાગલાની માગણી પર પુનર્વિચાર કરવો પડ્યો હોત.
ભારતના ભાગલા કરવા ઇસ્લામની માનસિકતા મુજબ મહંમદઅલી ઝીણાએ લીલો ઝંડો પકડ્યો હતો એ સમયે મુસ્લિમ લીગની હાલત તો સાવ નબળી હતી. રાષ્ટ્રીય કૉંગ્રેસ કરતા તો તે હજાર ગણી નબળી હતી, મહંમદઅલી ઝીણા અંગ્રેજોનો જંબૂરો હતા, એ નચાવે એમ નાચતા અને ઝીણાને કોઇપણ ભોગે ભારતના ભાગલા કરવા હતા. જો કે એમની એવી કોઇ તાકાત કે ઓકાત નહોતી કે આટલા વિરાટ દેશના એ ભાગલા કરી શકે ! મુસ્લિમ લીગ કૉંગ્રેસ પર એની ઈચ્છાઓને લાદી શકે તેમ નહોતી. મહંમદઅલી ઝીણાનો આખો રાજકીય ખેલ બ્રિટિશ રક્ષકોના પ્રોત્સાહન પર ચાલતો હતો. અંગ્રેજોની છત્રછાયામાં જ તે આક્રમક બની શકતા હતા. અંગ્રેજોએ ચોક્કસ સમયગાળામાં ભારત છોડવાનો નિર્ણય જાહેર કરીને ખરેખર તો મહંમદઅલી ઝીણાની કરોડરજ્જુ જ તોડી નાખી હતી. ત્યાર પછી આપણે જોયું કે તે તેમણે જાહેર કરેલી નીતિઓમાં પણ પાછા હટતા રહ્યા અને અંગ્રેજો આપે એટલી ભીખ એ સ્વીકારતા હતા. અંતે તે ‘કપાએલું – ફાટેલું, ક્ષત – વિક્ષત અને ઊધઈ ખાધેલું પાકિસ્તાન મેળવીને સંતુષ્ટ થઈ ગયા અને એમ કહી શકો કે આવું પાકિસ્તાન મેળવીને તેમનો હરખ માતો નહોતો.’
ઉપરાંત પાકિસ્તાન આંદોલનની એક વિશેષ દુર્બળતા હતી. મુસ્લિમ લીગના અલગતાવાદી નારા પ્રત્યે મુસલમાનોનું સમર્થન 1940 સુધી માત્ર 25 ટકાથી પણ ઓછું હતું. ભાવિ પાકિસ્તાની પ્રાંતોમાં લીગને મુસલમાનોનો ટેકો નામ માત્રનો હતો. 1944ની ચૂંટણીમાં પણ લીગ પોતાના એકલાના બળ પર ભાવિ પાકિસ્તાની પ્રાંતોમાંથી એકાદ પ્રાંતમાં પણ મંત્રીમંડળ બનાવી શકે એટલી સ્થિતિ મજબૂત નહોતી.
1946માં હુસૈન બી. તૈયબજીએ પાકિસ્તાનની માગણીની શક્યતા અંગે લખ્યું હતું ‘‘… પરંતુ છેલ્લા 75 વર્ષમાં ક્યારેય પણ બંગાળના મુસલમાનોએ તેની માગણી કરી હતી ? ના. આવી માંગણી તો મુસ્લિમ લીગે કરી છે. પોતાના વ્યાપક સંગઠન અને પ્રચારના બળ પર તે હિટલરના ફાસિસ્ટોની માફક મુસલમાનોને એના તંબુઓમાં ભેગા કરી રહી છે. હાલ તે સફળ થઈ જાય તો પણ તેનો અંત હિટલરના નાઝીવાદ અથવા મુસોલિનીના ફાંસીઝમ જેવો થશે… બંગાળ વિશે કહ્યું છે, તે અનેક રીતે પંજાબને પણ લાગુ પડે છે. પશ્ચિમોત્તર સરહદ પ્રાંતનો સંબંધ છે ત્યાં સુધી તે શેષ ભારતથી અલગ થવાની તરફેણમાં નથી તેવું અમારું અનુમાન છે. આ રીતે આખી માંગણી બહારના લોકોની છે, તેની સાથે સંકળાયેલા લોકોની નહીં.’ (હુસેન બી. તૈયબજી : વ્હાય મુસલમાન શુડ અપોજ પાકિસ્તાન, પૃષ્ઠ: 14-15)
ડૉ. બાબાસાહેબ આંબેડકરે સૂક્ષ્મ વિશ્ર્લેષણ કરતાં કહ્યું છે કે મુસલમાનો માટે પાકિસ્તાનથી વધારે અહિતકર બીજું કશું છે જ નહીં. આવી માગણી તદ્દન નિરાધાર હતી. ડૉ. આંબેડકરે કહ્યું : ‘આપણી સમજમાં નથી આવતું કે ‘મુસલમાન એક રાષ્ટ્ર છે’ એવું તથ્ય કઈ રીતે રાજકીય અલગતાવાદને એક સુરક્ષિત અને મજબૂત બનાવી દે છે. દુર્ભાગ્યે મુસલમાનોના ધ્યાનમાં નથી આવતું કે આ નીતિ દ્વારા મિસ્ટર ઝીણા તેમનું કેટલું મોટું નુકશાન કરી રહ્યા છે. મુસ્લિમ લીગને મુસલમાનોનું એકમાત્ર સંગઠન બનાવીને ઝીણાએ કયો મોટો મીર માર્યો છે એ વાતનો તો વિચાર મુસલમાનોએ કરવો જોઇએ. એનાથી તેમને પોતાને જ મદદ મળી હોય અને તે ગૌણ ભૂમિકા ભજવવાની શક્યતાને ટાળી શક્યા હોય તેવું બની શકે છે. મુસ્લિમ છાવણીની અંદર તો તે પોતાના માટે ટોચના સ્થાનની કાયમ અપેક્ષા રાખી શકે છે, પરંતુ સમજણ પડતી નથી કે અલગ થવાની આ યોજના દ્વારા લીગ મુસલમાનોને હિન્દુ રાજ્યથી બચાવવાની કઈ રીતે આશા રાખે છે ?
મુસલમાનો લઘુમતીમાં છે એવા પ્રાંતોમાં હિન્દુ રાજ્યની સ્થાપનાને પાકિસ્તાન રોકી શકશે ? સ્પષ્ટ છે – તે રોકી નહીં શકે. પાકિસ્તાન બનશે તો મુસ્લિમ લઘુમતીવાળા પ્રાંતોમાં આવી જ સ્થિતિ હશે. અખિલ ભારતીય દ્રષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ. હિન્દુસ્થાનમાં મુસ્લિમ લઘુમતીમાં રહેશે. પાકિસ્તાન ત્યાં હિન્દુ રાજ્યની સ્થાપના થતું રોકી શકશે ? સ્પષ્ટ છે – તે રોકી શકે તેમ નથી. તો પછી પાકિસ્તાન ક્યા રોગની દવા છે ? માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતોમાં, જ્યાં હિન્દુ રાજ્ય બની જ શકે તેમ નથી ત્યાં હિન્દુ રાજ્ય બનતું રોકવાની દવા છે ? બીજા શબ્દોમાં જ્યાં મુસલમાનોની બહુમતી છે ત્યાં તો પાકિસ્તાનની કોઈ જરૂર નથી કારણ કે ત્યાં હિન્દુ રાજ્યની જરાય બીક નથી. મુસલમાન જ્યાં લઘુમતીમાં છે ત્યાં મુસલમાનો માટે તેની (પાકિસ્તાનની) રતીભાર પણ સાર્થકતા નથી. કારણ કે પાકિસ્તાન હોય કે ન હોય, તેણે હિન્દુ રાજ્યને સહન કરવું પડશે. મુસ્લિમ લીગના રાજકારણથી નિરર્થક બીજું કોઈ રાજકારણ હોઈ શકે છે ? લઘુમતી મુસલમાનોની મદદ કરવા માટે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ અંતે હવે તે બહુમતી મુસલમાનોના હિતનો દંભ કરી રહી છે.’ ડૉ. બી. આર. આંબેડકર : થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 358) પરંતુ મુસ્લિમ લીગની પાકિસ્તાન મેળવવાની માગણીને ખાસ કરીને કૉંગ્રેસની ઢીલીપોચી-નબળી નીતિએ વધારે મહત્વ આપ્યું. તેણે મુસ્લિમ લીગના તુષ્ટીકરણનો પ્રયત્ન કર્યો. કૉંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હોત કે તે ગમે તે સ્થિતિમાં રાષ્ટ્રની અખંડિતતાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે તો મુસલમાનોએ પણ મજબૂર બનીને ભાગલાની માગણી પર પુનર્વિચાર કરવો પડ્યો હોત. ભારતના હિન્દુ બહુમતી વિસ્તારોમાં રહેનારા મુસલમાનોના મનમાં શરૂઆતથી જ ગંભીર શંકાઓ આકાર લઈ રહી હતી. તે કટુ સત્યનો અનુભવ કરવા લાગ્યા હતા કે પાકિસ્તાની વિસ્તારોમાં મુસલમાનો માટે ‘ઈસ્લામી સ્વર્ગ’ની સ્થાપના માટે તેમને બલિનો બકરો બનાવાઈ રહ્યો છે. ભારતમાં રહેલા મુસલમાનોને શંકા હતી કે ભાગલા થયા પછી હિન્દુઓ ચોક્કસ બદલો લેશે. તે ખૂબ લાંબો સમય હિન્દુઓની નજરમાં શંકાસ્પદ રહેશે તેની પણ તેમને શંકા હતી. સ્વતંત્રતા પછી પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય એન. વી. ગાડગિલે લખ્યું છે : ‘જૂન અને જુલાઈ 1947માં દેશ ભડકે બળી રહ્યો હતો. દિલ્હીમાં ઈમ્પીરિયલ હોટલમાં મુસ્લિમ લીગની બેઠકમાં ભાગ લેવા માટે મહંમદઅલી ઝીણા જઈ રહ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા મુસલમાનોએ તેમના પર હુમલો કર્યો. દેશમાં દાવાનળ સળગ્યા પછી મુસલમાનોને સમજાઇ ગયું કે પાકિસ્તાન હકીકતમાં શું છે ? વાસ્તવમાં પહેલાં તે પાકિસ્તાન વિશે કશું જાણતા નહોતા. સિંધ, પંજાબ અને પશ્ચિમોત્તર પ્રાંતમાં તો મુસલમાન પહેલા શાસક હતા જ, એ તો સ્વતંત્ર થશે. એ જ રીતે પૂર્વ બંગાળના મુસલમાન વધારે શક્તિશાળી થશે પરંતુ બાકીના ભારતના મુસલમાનોની દશા શું થશે ? પાકિસ્તાનનાં દુષ્પરિણામોની આ અનુભૂતિએ તેમને ગુસ્સે કર્યા. પાકિસ્તાન માટે સૌથી પ્રબળ અવાજ જે પાકિસ્તાનમાં સામેલ થઈ જ ન શક્યા એવા મુસલમાનોએ ઉઠાવ્યો હતો. આવા મુસલમાનો પોતે પણ પાકિસ્તાન જઈ શક્યા નહીં અને ગયા હોત તો પણ એમની પાસે હતું તે પણ ગુમાવી બેઠા હોત. તેની ભરપાઈની કોઈ પાકી વ્યવસ્થા નહોતી. ઝીણાએ પાકિસ્તાનના ઘોડાનાં જે સ્વપ્નો દેખાડ્યાં હતાં એ તો નકરા ગધેડા નીકળ્યા અને એ ગધેડાના પાછલા પગની લાતનો સ્વાદ પણ તેમને મળવા લાગ્યો હતો.’ (એન. વી. ગાડગીલ : ગવર્નમેન્ટ ફ્રોમ ઈનસાઈડ, પૃષ્ઠ: 35)
‘દિલ્હીના અનેક મુસલમાનોએ વલ્લભભાઈ પટેલ પાસે જઈને તેમને વિનંતી કરી હતી કે તે (કોન્ગ્રેસ) મુસ્લિમ લીગ સાથે કોઈ સંબંધ ન રાખે. તેમણે કહ્યું કે લીગ પ્રત્યે કઠોર નીતિ અપનાવવાથી તેની શક્તિ ખતમ થઈ જશે અને મોટાભાગના મુસલમાનો કૉંગ્રેસ તરફ ખેંચાઈ આવશે, કારણ કે તે સત્તામાં હશે. અમારામાં અમુકે વલ્લભભાઈ પટેલની સૂચના મુજબ આ દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા હતા. અમે ઘણા સમયથી જાણતા હતા એવા ઘણા લીગી મુસલમાનોએ અમને મળીને કોઈ સમજૂતી કરી લેવા આગ્રહ કર્યો હતો. તેમણે અમને કહ્યું કે નહિતર અંગ્રેજો જતા પહેલાં દેશના ટુકડા કરતા જશે. તે સારી રીતે જાણતા હતા કે પાકિસ્તાનની સ્થાપનાથી હિન્દુ-મુસ્લિમ સમસ્યાનું કોઈ સમાધાન થવાનું નથી. દેશના ભાગલાનો દિવસ પાકિસ્તાનમાં રહેતા મુસલમાનો માટે ‘ઈદની મુબારક’ નો દિવસ હોઈ શકે છે, પરંતુ બાકી રહેલા ભારતમાં રહેતા મુસલમાનો માટે તો તે દિવસ ‘મોહરમ’નો હશે.’ એન. વી. ગાડગીલ : ગવર્નમેન્ટ ફ્રોમ ઈનસાઈડ, પૃષ્ઠ: 22-23) બરાબર આવી જ તત્કાલીન મુસ્લિમ મનોદશાનું વર્ણન ડૉ. સૈયદ અબ્દુલ લતીફે કર્યું છે. પહેલા તો તે પાકિસ્તાનના કટ્ટર સમર્થક હતા, પરંતુ હવે તેમના માનસિકતામાં નાટકીય પરિવર્તન આવી ગયું હતું. ભાગલાની ઘડી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમણે કહ્યું : ‘પાકિસ્તાનના નિર્માણથી મુસ્લિમ સમુદાય અથવા ઝીણાનું મુસ્લિમ રાષ્ટ્ર સ્થાયી રીતે અનેક ટુકડામાં વહેંચાઈ જશે.’ બીજા એક મુસ્લિમ લીગના નેતા હતા અબ્દુલ સત્તાર શેઠ. એક સમયે તે ઝીણાના વિશ્વાસુ હતા પરંતુ હવે તે ખુલ્લેઆમ પાકિસ્તાનનો વિરોધ કરતા હતા.
ખલકુજ્જખાને લખ્યું છે : ‘ઝીણાએ પોતે અનુભવ કર્યો કે જે મુસલમાન ભાગલા પછી ભારતમાં રહી જશે તેમના માટે ગંભીર મુશ્કેલી પેદા થશે. મને યાદ છે 1 ઓગસ્ટ 1947 દિવસે કાયમ માટે કરાંચી રવાના થવાના થોડા દિવસ પહેલાં ઝીણાએ વિદાય લેવા માટે 10, ઔરંગઝેબ રોડ પર તેમના ઘરમાં ભારતની બંધારણ સભાના મુસ્લિમ સભ્યોને આમંત્રિત કર્યા હતા. રિજવાનુલ્લાએ તેમને થોડા આડા સવાલો કર્યા કે ભારતમાં રહેનારા મુસલમાનોનું શું થશે, તેમના ભવિષ્યનું શું થશે ? મેં તેમને આટલા પરેશાન ક્યારેય જોયા નહોતા, કારણ કે તેમને ખબર હતી કે ભાગલા થતા જ મુસલમાનો પર શું વીતશે.’ (ખલીકુજ્જમાન : પાથવે, પૃષ્ઠ: 320-32) પાકિસ્તાન આંદોલનની એક બીજી પણ વિશેષ નબળાઇ હતી. તેમાં બધા જ મુસ્લિમ નેતાઓ ‘ઉચ્ચ વર્ગ’ના હતા.
|: ક્રમશ:|
©️kishormakwana