Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 101

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 101

હૈદરાબાદના નિઝામને સરદાર પટેલે હતુ માત્ર સાડા ચાર દિવસમાં ધૂળ ચાટતા કરી દીધા.

– હૈદરાબાદના નિઝામ પર કાસિમ રિઝવીનો બહુ પ્રભાવ હતો. તેના કહેવા પ્રમાણે જ નિઝામ ચાલતા. કાસિમ રિઝવી ઇત્તિહાદે – ઉલ – મુસલમીન નામની કટ્ટરવાદી સંસ્થાનો વડો હતો. હૈદરાબાદમાં મુસ્લિમ સર્વસ્વ જાળવી રાખવું તે કાસિમ રિઝવીની સંસ્થાનું એકમાત્ર ધ્યેય હતું. હિન્દુઓની તે સખત નફરત કરતો. સંસ્થાની લડાયક પાંખમાં રઝાકાર તરીકે ઓળખાતા આતંકી યુવાનો હતા. . કાસિમ રિઝવીનો પડ્યો બોલ નિઝામ ઝીલતો. એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઇ જેહાદના હાકલા પડકારા કરતો.

ભાગલા પછી રજવાડાઓના ભારતમાં એકીકરણમાં કાશ્મીરની જેમ જ હૈદરાબાદ પણ ભારત માટે તકલીફ કરનારું રજવાડું હતું, કાશ્મીરમાં રાજા હિન્દુ અને બહુમતી પ્રજા મુસલમાનોની હતી, તો હૈદરાબાદમાં એથી ઉલટું હતું. રાજા મુસલમાન હતો અને બહુમતી પ્રજા હિન્દુ હતી.

3 જૂને ભાગલા માટે ઘોષણા થયા પછી 11 જૂનના દિવસે હૈદરાબાદના નિઝામે એક આદેશ બહાર પાડ્યો કે હૈદરાબાદ સ્વતંત્ર, પ્રભુતાસંપન્ન રાજ્ય રહેશે. જો કે, હૈદરાબાદમાં 85 ટકાથી વધારે હિન્દુ પ્રજા હતી. પરંતુ પોલીસ, લશ્કર અને અન્ય રાજ વહિવટી સેવાઓમાં મુસલમાનોનો એકાધિકાર હતો.

હૈદરાબાદના નિઝામ પર કાસિમ રિઝવીનો બહુ પ્રભાવ હતો. તેના કહેવા પ્રમાણે જ નિઝામ ચાલતા. કાસિમ રિઝવી ઇત્તિહાદે – ઉલ – મુસલમીન નામની કટ્ટરવાદી સંસ્થાનો વડો હતો. હૈદરાબાદમાં મુસ્લિમ સર્વસ્વ જાળવી રાખવું તે કાસિમ રિઝવીની સંસ્થાનું એકમાત્ર ધ્યેય હતું. હિન્દુઓની તે સખત નફરત કરતો. સંસ્થાની લડાયક પાંખમાં રઝાકાર તરીકે ઓળખાતા આતંકી યુવાનો હતા.

હૈદરાબાદની અંદર રજાકાર (ઈસ્લામી સ્વયંસેવકો) તોફાન મચાવી રહ્યા હતા. કાસિમ રિઝવી ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ઝેરી પ્રચાર કરતા હતા. પોતાના ભાષણોમાં વાત વાતમાં તે તલવાર ચલાવવાની ધમકી આપતા હતા, તેનાથી હિન્દુઓ ભયભીત હતા. હૈદરાબાદ સ્ટેટના મુસલમાનોમાં હિન્દુવિરોધી અને ભારતવિરોધી ઉન્માદ ચરમસીમા પર હતો. 31 માર્ચના દિવસે તેણે હૈદરાબાદના મુસલમાનોને આહવાન કર્યું કે જ્યાં સુધી ઈસ્લામી પ્રભુત્વ સ્થપાય નહીં થાય ત્યાં સુધી તે એમની તલવાર મ્યાનમાં ન મૂકે. તેણે મુસલમાનોને ભડકાવ્યા કે તે એક હાથમાં કુરાન રાખો, ઇસ્લામ ન કબૂલે તો, બીજા હાથમાં તલવાર લઈ દુશ્મનોની કતલ કરો. તેણે મુસલમાનોને જોર ચડાવ્યું કે ભારત સંઘના સાડા ચાર કરોડ મુસલમાન આ કાર્યમાં પાંચમી કતારિયાનું કામ કરશે. તેણે એવી ડીંગ હાંકી કે હૈદરાબાદ રાજ્યમાં બે લાખ રઝાકાર છે. તેમની પાસે નાનાં હથિયાર છે, રાજ્યની સેનામાં 40 હજાર નિયમિત અને અનિયમિત સૈનિક છે. ઘણા પઠાણ પણ છે.
મુસલમાનોથી ભરેલી હૈદરાબાદની પોલીસ ઇસ્લામી રજાકારો સાથે ભળેલી હતી. હૈદરાબાદ રજવાડામાં હિન્દુઓનો સંહાર થયો, મંદિરો તોડી નાંખવામાં આવ્યાં, હિન્દુ મહિલાઓ પર બળાત્કાર થયા અને તેમનાં અપહરણો થયાં. તેમને કોઈ રોકનાર નહોતું. ત્યારપછી મદ્રાસ, મુંબઈ અને મધ્યપ્રાંતનાં પડોશી રાજ્યોની સરહદો પર તેમણે આક્રમણ શરૂ કરી દીધાં. ટ્રેનો પર આક્રમણ થયાં. હૈદરાબાદમાંથી હિન્દુઓ ભાગવા લાગ્યા.

નિઝામની કાર્યકારી પરિષદમાંથી રાજીનામું આપનાર જે. વી. જોશીએ રાજીનામા પત્રમાં આરોપ મૂક્યો હતો કે કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ બચી નથી. પોલીસ રઝાકારો સાથે મળીને લૂંટફાટ, આગ, હત્યા અને મહિલાઓ પર બળાત્કાર કરી રહી છે. નિરાશ થઈને અનેક હિન્દુઓએ રાજ્ય બહાર આશરો લેવો પડ્યો છે. તેમના શબ્દોમાં : ‘પરભણી અને નાંદેડ જિલ્લામાં સંપૂર્ણ આતંક છવાયેલો છે. લોહામાં મેં મારી નજર સામે વિનાશલીલા જોઈ છે. બ્રાહ્મણોની હત્યા કરી તેમની આંખો કાઢી લેવામાં આવી, મહિલાઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યા, મોટા પ્રમાણમાં ઘર સળગાવી મૂકવામાં આવ્યાં. હું આ બધું જોઈ રડી પડ્યો. મારું હૃદય પીડાથી તરફડી ઊઠ્યું.’ હૈદરાબાદ સ્ટેટમાં માત્ર હિન્દુઓ જ આતંકવાદનો શિકાર ન બન્યા, પરંતુ મુસલમાન રઝાકારોના કહ્યા મુજબ ન ચાલ્યા તેમને પણ ફળ ભોગવવું પડ્યું.
‘રઝાકારોએ સામ્યવાદીઓ સાથે સાંઠગાંઠ કરી લીધી હતી. 1943માં નિઝામે આખા રાજ્યમાં સામ્યવાદી પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ હવે પ્રતિબંધ હટાવી લેવાયો. સામ્યવાદીઓને હથિયાર આપવામાં આવી રહ્યાં હોવાના પણ સમાચાર અમને મળ્યા છે.’
‘ઉપરાંત હૈદરાબાદમાં ચોરીછૂપીથી હથિયાર અને દારૂગોળો લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાનો સિડની કાટના નામનો વ્યક્તિ વિમાન દ્વારા તોપ દાણચોરીથી લાવેલો. કરાંચી તેનો અડ્ડો હતો. દારૂગોળો-શસ્ત્રો રાતે મોકલવામાં આવતા હતા.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 353)

પં. નહેરુ અને લોર્ડ માઉન્ટબેટને સમજૂતી માટે ભારત સરકારે નિઝામને ઘણી છૂટ આપી. તેનાથી તેના આક્રમક વલણને વધારે પ્રોત્સાહન મળ્યું. અમુક બ્રિટિશ સમાચારપત્રો અને બ્રિટનના રાજકીય નેતાઓએ અલગ સાર્વભૌમત્વ જાળવી રાખવાની તેની મહત્વાકાંક્ષાને ભડકાવી. હૈદરાબાદના વડાપ્રધાન લિયાકતઅલીએ જાહેરાત કરી કે ભારત અને હૈદરાબાદ વચ્ચેના વિવાદ ઉકેલ માટે તેમનું રાજ્ય સંયુક્ત રાષ્ટ્રોને હસ્તક્ષેપ કરવાની માગણી કરશે.
સરદાર પટેલે અનેક વખત નિઝામ સામે કડક કાર્યવાહી કરવાની વાતને પ્રબળ ટેકો આપ્યો હતો. દરેક વખત માઉન્ટબેટન કહેતા કે શાંતિથી કામ લેવું જોઈએ અને નિઝામને વધારે સમય આપવો જોઈએ. માઉન્ટબેટને ભારત છોડ્યા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી 21 જૂન 1948ના દિવસે ગવર્નર જનરલ બન્યા, તે પછી જ આકરાં પગલાં લેવાનો વિચાર થયો. ભારત સરકારના સલાહકારોમાં અંગત સ્વાર્થ ધરાવતા લોકોએ એવો હાઉ ઊભો કર્યો કે હૈદરાબાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો મોટા પ્રમાણમાં તોફાનો ફાટી નીકળશે. તેમણે કહ્યું કે પહેલાં તો હૈદરાબાદમાં હિન્દુઓનો હત્યાઓ થશે અને તેની પ્રતિક્રિયારુપે શેષ ભારતમાં મુસલમાનોની હત્યાઓ થશે. દક્ષિણ ભારતમાં મુસલમાનો, ખાસ કરીને મોપલા મુસલમાનો મોટા પ્રમાણમાં બળવો કરશે. એમ પણ કહેવાયું કે પાકિસ્તાન પણ હૈદરાબાદના ટેકામાં વચ્ચે કૂદી પડશે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી હૈદરાબાદમાં ભારતના એજન્ટ જનરલ હતા. તેમની મારફત હૈદરાબાદની ગતિવિધિ પર સરદાર પટેલની ચાંપતી નજર હતી. મે 1948થી હૈદરાબાદમાં કડક પગલાં લેવાની સરદાર પટેલની તૈયારી ચાલતી હતી. બિનસત્તાવાર રીતે તો આર્થિક નાકાબંદી ચાલુ થઇ જ ગઇ હતી. આમાં સરદાર પટેલ માટે એક જ તકલીફ હતી કે પંડિત નહેરુ કોઇપણ પ્રકારના લશ્કરી પગલાના વિરોધી હતા.
જોકે સરદાર પટેલ ગમે તે ભોગે હૈદરાબાદને બચાવવા માંગતા હતા. અંતે 13 સપ્ટેમ્બરના દિવસે લશ્કરને હૈદરાબાદમાં પ્રવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો. આવો આદેશ આપ્યા પછી પણ 15 સપ્ટેમ્બર સુધી અભિયાનને રોકવા માટેના પ્રયત્નો થયા.

લશ્કરી પગલાંને રોકવાની ચાલ પાછળના ષડ્યંત્રનો ભાંડો પહેલા જ દિવસે ભારતીય સૈનિકોએ હૈદરાબાદ સેનાના લેફ્ટેનેન્ટ ટી. ટી. મૂરને પકડી લીધો તે વખતે જ ફૂટી ગયો. મૂર ભૂતપૂર્વ બ્રિટિશ સેના કમાન્ડો અને વિશેષ સેનાધિકારી હતો. ઓગસ્ટ, 1947થી તે હૈદરાબાદની સેનામાં સેવારત હતો. મૂર શસ્ત્રોથી ભરેલી એક જીપમાં નવદુર્ગ તરફ જઈ રહ્યો હતો. તેના અંગત પત્રો દ્વારા ખબર પડી કે તેને હિંસા-તોડફોડની જવાબદારી સોંપવામાં આવી હતી. હૈદરાબાદ સેના –કાર્યાલયે તેને અન્ય પુલો તોડવા માટે મોકલ્યો હતો. તેને એમ કહેવામાં આવ્યું હતું કે ભારતીય લશ્કર 15 સપ્ટેમ્બરે હુમલો કરશે. ભારતીય લશ્કરે 13ના બદલે 15 સપ્ટેમ્બરે હુમલો કર્યો હોત તો બધા મહત્વના પુલ ધ્વસ્ત હાલતમાં મળ્યા હોત. કુદરતે પણ તેમની સામે હોત. વરસાદ શરૂ થવાનો હતો. વાહનો ફસાઈ જાત.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 359)

સરદાર પટેલની કુનેહ, ચતુરાઈ અને કડકાઇના લીધે માત્ર સાડાચાર દિવસની અંદર હૈદરાબાદ સેનાઓ હથિયાર હેઠાં મૂકી દીધાં. સમગ્ર ‘અભિયાન’ 108 કલાકમાં પૂરું થઈ ગયું. અન્ય રાજ્યોની માફક હૈદરાબાદ પણ ભારત સંઘમાં સામેલ થઈ ગયું. ભારતની એકતા માટે આ એક ઐતિહાસિક પરાક્રમ હતું.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love