• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 82
• અંગ્રેજોએ ભારત છોડવાની તૈયારી તો કરી લીધી પણ ભારતના ભાગલાની સુરંગ ચાંપીને…
- થોઆ ખાલસા નામના એક ગામમાં બે પક્ષો વચ્ચે ભયાનક લડાઇ ફાટી નીકળી. એક તરફ હિન્દુ અને શીખ હતા તો બીજી તરફ મુસલમાન. બધા જ શીખો અને હિન્દુઓ માર્યા ગયા ત્યારે 74 મહિલાઓ, યુવતીઓ અને બાળકોએ પોતાની લાજ બચાવવાનો નિર્ણય કર્યો. જે ઘરમાં આત્મરક્ષણ માટે તેઓ એકત્રિત થયાં હતાં, એના ઘરના કૂવામાં કૂદીને એમણે પ્રાણ ત્યાગી દઇ જૌહર કર્યું.
- ઉત્તર ભાગમાં મુસ્લિમ લીગના નેતૃત્વમાં મુસલમાનોએ વિનાશનો જે હાહાકાર મચાવ્યો, એની એક ઝલક કૃપલાણીના શબ્દોમાં : ‘પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને પંજાબમાં સ્થિતિએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. રાવલપિંડી જિલ્લામાં અમે ચારેકોર દૂરદૂર સુધી વિનાશ-વિનાશ જ જોયો. અમે એક ઘર જોયું. ત્યાં ગામનાં બાળકોને એકઠા કરી, એને આગ લગાડવામાં આવી હતી. ચારેકોર નાનાં-નાનાં બાળકોનાં હાડકાં વિખરાયેલાં હતાં.
- વડાપ્રધાન એટલીએ વિશેષ રૂપે ઉલ્લેખ કરતાં કહ્યું ભારતીય ઘટનાક્રમમાં એક નવા અને અંતિમ તબક્કાનો પ્રારંભ થવાનો છે, એવી ઘડીએ આ પરિવર્તન કરાઈ રહ્યું છે. એટલીના વક્તવ્યમાં અંગ્રેજો ભારત છોડશે એવું આશ્વાસન તો હતું જ તો સાથે સાથે એમાં એવી સ્પષ્ટ સંભાવના હતી કે દેશનું બે કે તેથી વધુ ભાગોમાં વિભાજન થશે.
મહંમદઅલી ઝીણા ઇગ્લેંન્ડમાં અંગ્રેજ સલ્તનત સાથે ભારતને ખંડિત કરવા માટેની ગુપ્ત રમતો રમી રહ્યા હતા સાથે સાથે
મુસ્લિમ લીગ એનું ‘સીધાં પગલા’ નું જેહાદી અભિયાન રોકટોક વિના ચલાવતી રહી. એણે હિંસાની આગ ચારેબાજુ સળગાવી. ઉત્તર ભાગમાં મુસલમાનોએ વિનાશનો જે હાહાકાર મચાવ્યો, એની એક ઝલક કૃપલાણીના શબ્દોમાં : ‘પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને પંજાબમાં સ્થિતિએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. હુલ્લડો પહેલાં પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં થયાં અને આ પછી સમગ્ર પંજાબમાં એની આગ પ્રસરી ગઈ (મે 1947માં). કાશ્મીર જતી વખતે અમે લાહોરમાં રોકાયા અને ત્યાંથી રાવલપિંડી સુધી ગયા. અમે જોયું તો હિન્દુ ખૂબ જ ચિંતાતૂર હતા કેમ કે મુસ્લિમ નેતાઓ ખૂલેઆમ હિન્દુઓને હિંસાની ધમકી આપી રહ્યા હતા. રાવલપિંડી જિલ્લામાં અમે ચારેકોર દૂરદૂર સુધી વિનાશ-વિનાશ જ જોયો. એ નગરમાં હિન્દુ અને શીખ પ્રજાનું દરેક ઘર શરણાર્થી શિબિર બની ગયું હતું. અમે એક ઘર જોયું. ત્યાં ગામનાં બાળકોને એકઠા કરી, એને આગ લગાડવામાં આવી હતી. ચારેકોર નાનાં-નાનાં બાળકોનાં હાડકાં વિખરાયેલાં હતાં. ‘થોઆ ખાલસા નામના એક ગામમાં બે પક્ષો વચ્ચે ભયાનક લડાઇ ફાટી નીકળી. એક તરફ હિન્દુ અને શીખ હતા તો બીજી તરફ મુસલમાન. બધા જ શીખો અને હિન્દુઓ માર્યા ગયા ત્યારે 74 મહિલાઓ, યુવતીઓ અને બાળકોએ પોતાની લાજ બચાવવાનો નિર્ણય કર્યો. જે ઘરમાં આત્મરક્ષણ માટે તેઓ એકત્રિત થયાં હતાં, એના ઘરના કૂવામાં કૂદીને એમણે પ્રાણ ત્યાગી દઇ જૌહર કર્યું. સૌથી આગળ એ ઘરના માલિકની પત્ની લાજવંતી હતાં. બાકીનાં બધાંએ એમનું અનુકરણ કર્યું. કૂવામાં કૂદતા પહેલાં ‘જપજી’નો પાઠ કરવામાં આવ્યો. અમને લોકોને એ કૂવો દેખાડવામાં આવ્યો. એ ભયાનક ઘટના ફોટા અમને આપવામાં આવ્યા. કૂવો શબોથી ભરાયેલો ગયો હતો. ‘અમને જણાવવામાં આવ્યું કે કેટલાક સ્થાનિક નેતાઓ રક્ષણની વિનંતી કરવા ઊંચા પદે બેઠેલા બ્રિટિશ અધિકારી પાસે ગયા તો એમણે એવો જવાબ આપ્યો કે, ‘જાવ જાવ ગાંધી પાસે જાવ. એ તમને મદદ કરશે.’ (આચાર્ય કૃપલાણી : ગાંધી, પૃષ્ઠ: 269)
બીજી તરફ 9 ડિસેમ્બર 1946 થી શરુ થયેલી બંધારણસભા કામ કરતી રહી; પરંતુ કેવળ કૉંગ્રેસ એમાં ભાગ લેતી રહી. મુસ્લિમ લીગ એનો બહિષ્કાર કર્યો હતો એટલે એ એનો વિરોધ કરતી રહી.31 જાન્યુઆરી 1947 ના રોજ કરાંચીમાં મુસ્લિમ લીગની બેઠકમાં બંધારણસભાની રચના અને તેની પ્રક્રિયાને આકરા શબ્દોમાં વખોડતો ઠરાવ પસાર થયો.
આથી બંધારણસભા વ્યાવહારિક રીતે એ પ્રભાવહીન બની ગઈ હતી. કૉંગ્રેસે બ્રિટિશ સરકારને જણાવ્યું કે બંધારણ સભાનો બહિષ્કાર કરીને મુસ્લિમ લીગે વચગાળાની સરકારમાં ભાગીદારીનો એનો અધિકાર ગુમાવી દીધો છે. વળી એણે દેશમાં ‘સીધાં પગલા’ દ્વારા વિનાશનો આતંક મચાવ્યો છે. કૉંગ્રેસે ધમકી આપી કે વચગાળાની સરકારમાંથી જો મુસ્લિમ લીગના સભ્યોને રાજીનામાં આપવાનું જણાવવામાં નહીં આવે તો એ સરકારમાંથી નીકળી જશે. ચારેબાજુ અરાજકતા અને આતંકનો માહોલ જામ્યો હતો ! ગતિનું ચક્ર જામ થઈ ગયું હતું.
અંગ્રેજ, કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ – ત્રણે પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોતપોતાના દાવપેચ અજમાવવાનો હતો. કોણ કોને ધરાશાયી કરશે એની નિર્ણાયક ઘડી આવી રહી હતી.
ગતિરોધ દૂર કરવા 20 ફેબ્રુઆરી 1947 ના દિવસે બ્રિટિશ સંસદમાં વડાપ્રધાન એટલીએ જે પ્રકારની જાહેરાત કરી એનાથી બ્રિટિશ નીતિમાં એક તદ્દન નવો અને ન ધાર્યો હોય તેવો વળાંક જોવા મળ્યો.
હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટિશ વડાપ્રધાન ક્લીમેન્ટ એટલીએ ભારતના બંધારણીય ભવિષ્ય પર સરકારનો શ્વેતપત્ર રજૂ કરતા કહ્યું: ‘સમ્રાટની (હિઝ મેજિસ્ટીની) સરકાર પોતાની જવાબદારી બંધારણીય રીતે રચાયેલી અને ‘કેબિનેટ મિશન’ ની યોજના અનુસાર ભારતના બધા પક્ષોને સહમત સરકારને સોંપી દેવા માંગે છે, પરંતુ કમનસીબે હાલ તરત જ એવું બંધારણ તૈયાર થાય અથવા એવી કોઇ સરકાર બને તેવી કોઇ શક્યતા નથી. અનિશ્ચિતતાની આજની સ્થિતિ ખતરનાક છે અને તે અનિશ્ચિત સમય સુધી ચાલી શકે નહીં. સમ્રાટની આ સરકાર એવું સ્પષ્ટ કરી દેવા માગે છે કે તે જૂન 1948 પહેલા જ જવાબદાર ભારતીયોના હાથમાં ભારતની સત્તા સોંપવાની દિશામાં જરુરી પગલાં ભરવાનો મક્કમ ઇરાદો ધરાવે છે.’
‘પરંતુ એવું જોવા મળે કે અનુચ્છેદ 7 માં દર્શાવેલા સમય પહેલાં પૂર્ણ પ્રતિનિધિ સભા દ્વારા આવું બંધારણ તૈયાર ન કરી શકાય તો સમ્રાટની સરકારે નિશ્ચિત દિવસે બ્રિટિશ ભારતમાં કેન્દ્ર સરકારની સત્તાઓ કોને સોંપવી જોઈએ એનો વિચાર કરવો પડશે : બ્રિટિશ ભારત માટે સમગ્ર રીતે કોઈ પ્રકારની કેન્દ્રીય સરકારને, અથવા કેટલાક ક્ષેત્રોમાં હાલની પ્રાંતીય સરકારોને અથવા કોઈ એવી બીજી રીતે, જે સૌથી યોગ્ય જોવા મળે અને ભારતીયોનું સૌથી વધુ હિત કરી શકે તેને સત્તા સોંપવી.’ (એન. માનસેર્ગ એન્ડ પી. મૂન (સં.) : ટ્રાન્સફર ઓફ પાવર, ખંડ-9 (1942-47), પૃષ્ઠ: 774)
પોતાનું વક્તવ્ય પૂરું કરતા પહેલાં વડાપ્રધાન એટલીએ ભારતના વાઇસરોય લોર્ડ વેવલના ઉત્તરાધિકારી તરીકે ભારતના હવે પછીના વાઇસરોય અને ગવર્નર જનરલના પદ પર લોર્ડ લૂઇ માઉન્ટબેટનની નિમણૂકની ઔપચારિક જાહેરાત કરી.
વડાપ્રધાન એટલીએ વિશેષ રૂપે ઉલ્લેખ કરતાં કહ્યું ભારતીય ઘટનાક્રમમાં એક નવા અને અંતિમ તબક્કાનો પ્રારંભ થવાનો છે, એવી ઘડીએ આ પરિવર્તન કરાઈ રહ્યું છે.
એટલીના વક્તવ્યમાં અંગ્રેજો ભારત છોડશે એવું આશ્વાસન તો હતું જ તો સાથે સાથે એમાં એવી સ્પષ્ટ સંભાવના હતી કે દેશનું બે કે તેથી વધુ ભાગોમાં વિભાજન થશે.
|: ક્રમશ:|
©️kishormakwan