સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તત્વાધાનમાં, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી છેલ્લા બે દિવસથી ચાલી રહેલા, શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શૉર્ટ ફેસ્ટ” ના અંતિમ દિવસે, પુરસ્કાર અર્પણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જાણીતા લેખક, નિર્દેશક પદ્મશ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ગરિમામય ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રાંગણમાં યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતી ફિલ્મ જગતને વિશિષ્ટ મંચ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે બે દિવસના “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 277 શોર્ટ ફિલ્મ આવી હતી. અનેક નામાંકિત કલાકારો, નિર્માતા, નિર્દેશકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા ફિલ્મ ચાહકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ, મિટ્ટી પાની ફિલ્મ માટે શ્રેય મરડિયાને, શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મિટ્ટી પાની ફિલ્મ માટે કિર્તી સોનીને, શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો એવોર્ડ “લાલી” ફિલ્મને, શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ મિટ્ટી પાની ફિલ્મ માટે આદ્યા ત્રિવેદીને, અને બેસ્ટ શોર્ટ ફિલ્મ સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ “એની” ફિલ્મના ફાળે ગયો હતો. બેસ્ટ ફીચર ફિલ્મ સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ “કસુંબો”ને, બેસ્ટ ડોક્યુમન્ટ્રી ફિલ્મનો એવોર્ડ “ચાંડાલ” ફિલ્મને, બેસ્ટ ડોક્યુમન્ટ્રી ફિલ્મ સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ વોર ઍન્ડ અવર વોઇસીઝને આપવામાં આવ્યો.
આ ઉપરાંત બેસ્ટ રાઇટર, બેસ્ટ એનિમેશન ફિલ્મ, બેસ્ટ એનિમેશન ફિલ્મને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ. આ કાર્યક્રમમાં સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદન શાહ, જાણીતા કલાકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ વિજયભાઈ ઠાકર સહિત જાણીતા ફિલ્મ નિર્માતાઓ તેમજ કલાકારો-કસબીઓ અને ફિલ્મચાહકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ વિતરણ દરમિયાન દશાવતાર તથા યોગને દર્શાવતા નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
સપ્તરંગ શોર્ટફેસ્ટ-2024ની શરૂઆત નોંધપાત્ર ઉપસ્થિતિ અને પ્રતિભાશાળી ફિલ્મોની રજૂઆત સાથે થઈ હતી. વિવિધ પ્રકારની શોર્ટફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, કેમ્પસ ફિલ્મો અને એનિમેશન ફિલ્મોની કળાને ભારતભરના નિર્ણાયકો જેવા કે વિનોદ ગણાત્રા, વિવેક ભટ્ટ, અરુણ અરોરા, આશિષ ભાવલ્કર, તથા રશ્મિ જૈન દ્વારા આવકારવામાં આવી. સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં 277 એન્ટ્રી આવી હતી, જેમાં પર્યાવરણ, સામાજિક સંવેદના, સ્ત્રી સશક્તિકરણ, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય બાબતો પર ફિલ્મો બનાવવામાં આવી હતી, જેમાંથી પ્રતિભાશાળી ફિલ્મોનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. ફિલ્મ ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ પ્રકારના વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું, જેમાં પ્રતિભાગીઓ સાથે વિવિધ અનુભવો અને તકનિક વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી.