આતંક્વાદીઓનો ભોગ બનેલી કેરળની યુવતીઓની આમ વ્યથાને ફિલ્મમાં રજૂ કર્યા બાદ અદા શર્માએ વધુ એક સંવેદનશીલ અને દેશની સમસ્યાને ઉજાગર કરતાં વિષય ૫૨ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ અને તેમની ટીમ સાથે અદાએ બસ્તર ધ નક્સલ સ્ટોરીનુ શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં નક્સલવાદ સાથે સંકળાયેલી સત્ય ઘટનાઓને રજૂ કરવામાં આવશે.
‘ધ કેરાલા સ્ટોરી’ માં પીડિત યુવતીનો રોલ કરનારી અદા આ ફિલ્મમાં એક્શન અંદાજમાં જોવા મળશે. ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’માં અદા શર્મા આઈ.જી. નિરજા માથુરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જંગલ અને વંચિતોના હિત સાચવવાની આડમાં તેમનું શોષણ કરતાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના ઠેકેદારોની પોલ ખોલશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ વિશે અદા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફિલ્મમાં તેના લુક સાથેના ફોટા સાથે પોસ્ટ મૂકી હતી.
સેટ પર મુહૂર્ત પૂજા સાથે શૂટિંગની શરૂઆત થઈ હતી. પહેલા દિવસના શૂટિંગમાં વિપુલ શાહ, સન શાઈન પિક્ચર્સના આશિષ શાહ, સુદિપ્તો અને અદા શર્મા ઉપસ્થિત હતા. પૂજા કર્યા બાદ અદા શર્માએ પોતાનો પ્રથમ સીન શૂટ કર્યો હતો. અદાએ ફિલ્મ માટે તેનો પહેલો ડાયલોગ રજૂ કર્યો હતો. મિલિટરી પેન્ટ અને બ્લેક કમાન્ડો ટી શર્ટ સાથે અદા શર્મા આ શૉટમાં હતી.
‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ માં અદા શર્મા આઈ.જી. નિરજા માથુરની ભૂમિકા કરી રહી છે. આ ફિલ્મના મુહૂર્ત શૉટમાં બસ્તર આઈ. જી. નીરજા માથુરની ટોપી પહેરીને અદા શર્માએ ફિલ્મનું એક દ્રશ્ય ભજવ્યું હતું. આ દ્રશ્યમાં તેનો સંવાદ હતો “પાકિસ્તાન સાથેના ચાર યુદ્ધોમાં આપણે આપણાં 8738 સૈનિકો ગુમાવ્યા, જેઓ વીરગતિ પામ્યા. પરંતુ શું તમે જાણો છો, આપણા દેશમાં નક્સલવાદીઓએ 1500થી વધુ જવાનોની હત્યા કરી છે. બસ્તર એ ભારતને ટુકડાઓમાં તોડવાનું કેન્દ્રબિંદુ છે. આની પાછળના માસ્ટરમાઈન્ડ શહેરી વિસ્તારોમાં મોટી ટોળકી બનાવીને બેઠા છે. હું નીરજા માથુર, આઈ. જી. બસ્તર શપથ લઉં છુ કે આપણા દેશમાંથી આ દેશદ્રોહીઓનો ખાતમો કરીને જ જંપીશ. જય હિંદ.”
દિગ્દર્શક સુદીપ્તો સેને કહ્યું કે, “આપણા દેશવાસીઓ અને સિનેમા પ્રેમીઓ ‘ધ કેરાલા સ્ટોરી’ ના નિર્માતાઓ પોતાની બીજી ફિલ્મ રજૂ કરશે. સુદીપ્તોએ પોતાની નવી ફિલ્મ વિશે કહ્યું કે, અમે વ્યાપક સંશોધન કર્યું છે અને ત્યાર બાદ સ્ક્રિપ્ટ લખી છે. હું વચન આપું છું કે અમારી બીજી ફિલ્મ લોકો જોશે ત્યારે જે પ્રતિસાદ અમને દેશવાસીઑ દ્વારા ‘ધ કેરાલા સ્ટોરી’ માટે મળ્યો હતો એવો જ પ્રતિસાદ મળશે.
ધ કેરાલા સ્ટોરીની ટીમે જૂન મહિનામાં આ ફિલ્મ અંગે વાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ધરબાઈ ગયેલી સચ્ચાઈ સમગ્ર દેશમાં તોફાન લાવશે… બસ્તરઃ આ ફિલ્મને વિપુલ શાહ અને આશિષ શાહ પ્રોડ્યુસ કરવાના છે, જ્યારે તેના ડાયરેક્ટર સુદિપ્તો સેન છે. 5, એપ્રિલ 2024ના દિવસે ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન છે.