Spread the love

તા. 28 સપ્ટેમ્બર 1973ના રોજ રાજ કપૂરના ડિરેક્શન હેઠળ રિશી કપૂર, ડિમ્પલ કાપડિયા, પ્રાણ, પ્રેમનાથ, દુર્ગા ખોટે, સોનિયા સહાની, અરુણા ઈરાની, ફરીદા જલાલ અને પ્રેમ ચોપરા અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘બોબી’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 48 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.1* છે.


‘બોબી’ એ બોક્સ ઓફિસ છલકાવી દીધી




બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ‘બોબી’ 1973ના વર્ષની નંબર 1 બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જેનું દુનિયાભરનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 11 કરોડ હતું. ‘બોબી’નું પહેલાં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 4 લાખ, પહેલાં વિકેન્ડનું કલેક્શન રૂ. 13 લાખ જ્યારે પહેલાં અઠવાડિયાનું કલેક્શન રૂ. 30 લાખ હતું. જે ફુગાવો ધ્યાનમાં લેતાં 2018 પ્રમાણે રૂ. 969.10 કરોડ થાય.

‘બોબી’ ભારતીય સિનેમાની એક ટ્રેન્ડસેટર ફિલ્મ મનાય છે.

‘બોબી’ 70ના દાયકાની ‘શોલે’ બાદ બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.


સોવિયેત યુનિયનમાં પણ બ્લોકબસ્ટર સાબિત થઈ ‘બોબી’


‘બોબી’ સોવિયેત યુનિયનમાં 1975માં રિલીઝ થઈ હતી અને ત્યાં પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ‘બોબી’ ને સોવિયેતમાં 6.26 કરોડ દર્શકોએ નિહાળી હતી. જે એક રેકોર્ડ છે અને સોવિયેત યુનિયનમાં 20 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ‘બોબી’ નો સમાવેશ થાય છે.

‘બોબી’ મલેશિયા, ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાં પણ ખૂબ લોકપ્રિય થઈ હતી અને ત્યાંની લોકલ ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી. મલેશિયામાં બ્રુસ લીની ફિલ્મ ‘The Big Boss’ પછી ‘બોબી’ બીજા નંબરની સૌથી વધુ લોકપ્રિય ‘વિદેશી ફિલ્મ હતી.


રિશી-ડિમ્પલની જોડીએ યુવા હૈયાઓ ઉપર કામણ કર્યું


‘બોબી’ ડિમ્પલ કાપડીયાની ડેબ્યુ ફિલ્મ હતી. જ્યારે રિશી કપૂરે અગાઉ ‘મેરા નામ જોકર’ માં રાજ કપૂરની બાળપણની ભૂમિકા ભજવી હતી. પણ વયસ્ક હીરો તરીકે ‘બોબી’ રિશી કપૂરની પણ ડેબ્યુ ફિલ્મ કહી શકાય.

પાછળથી રિશી કપૂરની પત્ની બનેલી નીતુસિંઘે પણ ‘બોબી’ માટે ઓડિશન ટેસ્ટ આપ્યો હતો.


‘બોબી’ માં અંડર વર્લ્ડના ફાઈનાન્સની અફવા


તે સમયે એવી વાત ઉડી હતી કે ‘મેરા નામ જોકર’ ની નિષ્ફળતાથી આર્થિક રીતે ધોવાઈ ગયેલા રાજ કપૂરને ‘બોબી’ માટે અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાને અને કરીમલાલાએ ફાઈનાન્સ કર્યું હતું.

રાજ કપૂરે ‘બોબી’ માટે નાણાંકીય જોગવાઈ કરવા પોતાની પત્ની ક્રિષ્ના કપૂરના ઘરેણાં પણ ગીરવે મૂકવા પડ્યા હતાં.

‘બોબી’ સુપરહિટ જતાં રાજ કપૂરે પોતાનું બધું દેવું ચૂકવી દીધું હતું.


‘બોબી’ ની રિલીઝ પૂર્વે જ ડિમ્પલે લગ્ન કરી લીધાં




‘બોબી’ ની રીલિઝના 6 મહિના પહેલાં જ માર્ચ 1973માં ડિમ્પલ કાપડીયાએ ત્યારના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં હતાં.

‘બોબી’ નું શૂટિંગ શરૂ થતાં પહેલાં વજન ઘટાડવા માટે રિશી કપૂર એક દવાખાનામાં નિયમિત જતો હતો. ત્યાંની પારસી ટ્રેનર યાસમીન સાથે રિશીનું પહેલું અફેર થયું હતું. પણ ‘બોબી’ રિલીઝ થઈ ત્યારે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.


લક્ષ્મીકાંત પ્યારેલાલનો આર.કે. કેમ્પમાં પ્રવેશ




રાજ કપૂરની ‘બોબી’ પહેલાંની ફિલ્મોમાં શંકર જયકીશને સંગીત આપ્યું હતું. પણ ‘બોબી’ દ્વારા પહેલીવાર લક્ષ્મીકાંત પ્યારેલાલે આર.કે.ના કેમ્પમાં પ્રવેશ કર્યો હતો અને ‘બોબી’ પછી આર.કે. ની ફિલ્મો ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘પ્રેમરોગ’ અને ‘પ્રેમગ્રંથ’ માં લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીત આપ્યું હતું.

‘બોબી’ બનતી હતી ત્યારે સંગીતકાર લક્ષ્મીકાંતે ગીતકાર આનંદ બક્ષીને પોતાનું બની રહેલું ઘર જોવા બોલાવ્યા. આનંદ બક્ષી ઘરમાંથી બહાર નીકળતી વખતે ગૂંચવાઈ ગયા. જેમાં તેમના દિમાગમાં અચાનક શબ્દો ઉભરી આવ્યા કે – ‘બાહર સે અંદર ન આ શકે’ અને સુપરહિટ ગીતનો જન્મ થયો.

પ્રેમનાથ વાસ્તવિક જિંદગીમાં રિશી કપૂરના સગા મામા થાય છે, જેણે ‘બોબી’ માં ડિમ્પલના પિતાની ભૂમિકા ભજવી હતી.


ગુલમર્ગના કોટેજનું નામ ‘બોબી કોટેજ’ પડી ગયું




‘હમ તુમ એક કમરે મેં બંધ હો’ ગીતનું શૂટિંગ ગુલમર્ગના એક કોટેજમાં થયું હતું. ફિલ્મ રિલીઝ થયા બાદ તે કોટેજનું નામ ‘બોબી કોટેજ’ પડી ગયું હતું.

રાજ કપૂરે ફિલ્મનો સુખી અને કરુણ એમ બંને એન્ડિંગ ફિલ્માવ્યા હતાં. પણ ફાઈનલ એડિટિંગ વખતે ફિલ્મમાં સુખી એન્ડ રાખવામાં આવ્યો હતો.


પ્રેમનાથનું રોલ માટે સમર્પણ




‘બોબી’ ના સેટ ઉપર રાજ કપૂરે પ્રેમનાથને ફિલ્મમાં જેક બ્રગેન્ઝાનું પાત્ર નિભાવવા એક કોટ પહેરવા આપ્યો હતો. પ્રેમનાથ આ કોટ જોઈને સેટ ઉપરથી નીકળી ગયો અને 2 કલાક પછી 50 વર્ષ જૂનો એક ટાઈટ કોટ પહેરીને સેટ ઉપર પાછો આવ્યો. તે જોઈને બધાં હસવા લાગ્યા અને રાજે પ્રેમનાથને પૂછ્યું કે તે મારો આપેલો કોટ કેમ પહેર્યો નહીં ? પ્રેમનાથે જવાબ આપ્યો કે તે જે કોટ આપ્યો તે ફિલ્મસ્ટાર પ્રેમનાથ માટે યોગ્ય હતો પણ ફિલ્મના પાત્ર જેક બ્રગેન્ઝા માટે આ જૂનો ટાઈટ કોટ જ વધુ યોગ્ય રહેશે.


‘બોબી’ એ રાજ કપૂરને દેવામાંથી બહાર કાઢ્યા




હકીકતમાં રાજ કપૂર તે સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાને લઈને એક પ્રેમકહાનીવાળી ફિલ્મ બનાવવા માંગતો હતો. પણ ‘મેરા નામ જોકર’ નિષ્ફળ જતાં રાજ દેવામાં ડૂબી ગયો. જેથી તેને પોતાના પુત્ર રિશીને લઈને નાના બજેટની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમાં ‘બોબી’ ના પ્રોજેકટનો જન્મ થયો.

‘બોબી’ ની હિટ જોડી રિશી અને ડિમ્પલે ત્યારબાદ 1985માં ‘સાગર’, 2005માં ‘પ્યાર મેં ટ્વીસ્ટ’ અને 2010માં ‘પટિયાલા હાઉસ’ એમ કુલ 4 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

પ્રાણે અગાઉ રાજ કપૂરની ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ માં કામ કર્યું હતું. ‘બોબી’ માટે પ્રાણે એક પૈસો પણ લીધો ન હતો.

‘બોબી’-ગાયક શૈલેન્દ્રસિંઘની પ્લેબેક સિંગર તરીકે પહેલી ફિલ્મ હતી.


યુવા હૈયાઓને ડોલાવી ગયેલા ‘બોબી’ ના હૃદયસ્પર્શી ગીતો




‘બોબી’ માં કુલ 8 ગીત હતાં અને તમામ ગીતો સુપરહિટ હતાં. જેમાં — ‘હમ તુમ એક કમરે મેં બંધ હો’ (લતા-શૈલેન્દ્ર), ‘મેં શાયર તો નહીં’ (શૈલેન્દ્ર), ‘એ ફંસા’ (લતા), ‘અંખીયો કો રહેને દો’ (લતા), ‘બેશક મંદિર મસ્જિદ તોડો’ (નરેન્દ્ર ચંચલ), ‘ઝૂઠ બોલે કૌવા કાંટે’ (લતા-શૈલેન્દ્ર), ‘મુઝે કુછ કહેના હૈ’ (લતા-શૈલેન્દ્ર) અને ‘ના માંગુ સોના ચાંદી’ (મન્ના ડે-શૈલેન્દ્ર) નો સમાવેશ થાય છે.


‘બોબી’ એ બિનાકા ગજવ્યું




‘બોબી’ 1973માં રિલીઝ થઈ હતી પણ તેના ગીતો 1974માં પણ ખૂબ વાગ્યા હતાં. 1973ના વર્ષની બિનાકા ગીતમાલાની વર્ષના સર્વાધિક લોકપ્રિય ગીતોની વાર્ષિક સૂચિમાં ‘હમ તુમ એક કમરે મેં બંધ હો’ (લતા-શૈલેન્દ્ર) 2 જા નંબર ઉપર બિરાજમાન હતું. જયારે 1974ના વર્ષની વાર્ષિક સૂચિમાં ‘ઝૂઠ બોલે કૌવા કાંટે’ (લતા-શૈલેન્દ્ર) 3જા નંબરે અને ‘મેં શાયર તો નહીં’ (શૈલેન્દ્ર) 12માં નંબર ઉપર રહ્યા હતાં.


ફિલ્મફેરમાં ‘બોબી’ છવાઈ ગઈ




21માં ફિલ્મફેર સમારંભમાં ‘બોબી’ ને કુલ 14 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતાં, જેમાંથી 5 કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતાં. ‘બોબી’ માટે રિશી કપૂરને ‘બેસ્ટ એક્ટર’, ડિમ્પલ કાપડીયાને ‘બેસ્ટ એક્ટ્રેસ’, નરેન્દ્ર ચંચલને ‘બેસ્ટ મેલ પ્લેબેક સિંગર’ (બેશક મંદિર મસ્જિદ તોડો), એ. રંગરાજને ‘બેસ્ટ આર્ટ ડિરેક્શન’ અને અલ્લાઉદ્દીન કુરેશીને ‘બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન’ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતાં. જ્યારે ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’ (રાજ કપૂર), ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ (પ્રેમનાથ), ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ (અરુણા ઈરાની), ‘બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર’ (લક્ષ્મીકાંત પ્યારેલાલ), ‘બેસ્ટ લેરિકસ’ (આનંદ બક્ષી-‘હમ તુમ એક કમરે મેં’ અને ‘મૈં શાયર તો નહીં’), ‘બેસ્ટ લેરિકસ’ (વિઠ્ઠલભાઈ પટેલ-જૂઠ બોલે કૌવા કાંટે) તેમજ ‘બેસ્ટ મેલ પ્લેબેક સિંગર’ (શૈલેન્દ્ર-મૈં શાયર તો નહીં) એમ 9 કેટેગરીમાં સ્પર્ધામાં રહી હતી.


‘ બોબી’ સમયે બાદશાહો


‘બોબી’ રિલીઝ થઈ ત્યારે તા. 24 સપ્ટેમ્બર 1982ના દિવસે વી.વી. ગિરી દેશના રાષ્ટ્રપતિ અને ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે કે.કે. વિશ્વનાથમ ગુજરાતના રાજ્યપાલ અને ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતાં.



Spread the love