તા. 19 ઓગસ્ટ 1983ના રોજ ગોવિંદ નિહલાનીના ડિરેક્શન હેઠળ ઓમ પુરી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, અમરીશ પુરી, સદાશિવ અમરાપુરકર, શફી ઈનામદાર અને સતીશ શાહ અભિનિત ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘અર્ધ સત્ય’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત અજિત વર્મને આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 10 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 8.2* છે.
‘અર્ધ સત્ય’ 1983ના વર્ષની હિટ ફિલ્મ હતી. જેનું બજેટ રૂ. 67 લાખ (2019 પ્રમાણે રૂ. 9 કરોડ) અને ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ.1.56 કરોડ (2019 પ્રમાણે રૂ. 21 કરોડ) હતું.
ડિરેક્ટર ગોવિંદ નિહલાનીની 1980ની ‘આક્રોશ’ બાદ બીજી ફિલ્મ હતી.
વિખ્યાત મરાઠી નાટકકાર વિજય તેંડુલકરની પટકથા

‘અર્ધ સત્ય’ તેમજ ‘આક્રોશ’ આ બંને ફિલ્મોની પટકથા વિખ્યાત મરાઠી નાટકકાર વિજય તેંડુલકરે લખી હતી.
સદાશિવ અમરાપુરકરની પસંદગી ગોવિંદ નિહલાનીએ વિજય તેંડુલકરના કહેવાથી મરાઠી નાટક ‘હેન્ડઝ અપ’ માં સદાશિવનો અભિનય જોઈને કરી હતી.
ભારતીય સિનેમાના ઈતિહાસની લેન્ડમાર્ક ફિલ્મ
‘અર્ધ સત્ય’ ભારતીય સિનેમાના ઈતિહાસની લેન્ડમાર્ક ફિલ્મ મનાય છે.
‘અર્ધ સત્ય’ ભારતીય ફિલ્મોમાં પોલીસ ફોર્સ ઉપર બનેલ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ મનાય છે.
‘અર્ધ સત્ય’ ની સિક્વલ ‘પાર્ટી’ નામથી 1984માં રજૂ થઈ હતી.
વ્યસ્તતાના કારણે અમિતાભે ‘અર્ધસત્ય’ ઠુકરાવી

ઓમ પુરીનો રોલ પહેલાં અમિતાભ બચ્ચનને ઓફર કરાયો હતો. પણ પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે અમિતાભે ઓફરનો અસ્વીકાર કર્યો હતો.
‘અર્ધ સત્ય’ માટે ઓમ પુરીને ‘બેસ્ટ એક્ટર’ તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
બે કલાઈમેક્સ ફિલ્માવાયા
ગોવિંદ નિહલાનીએ ફિલ્મના બે ક્લાયમેક્સ શૂટ કર્યા હતાં. એક એન્ડ વિજય તેંડુલકરે લખેલ પટકથા પ્રમાણે શૂટ કર્યો અને એક એન્ડ પોતાના વિઝન પ્રમાણે શૂટ કર્યો. ત્યારબાદ, નિહલાનીએ શૂટ કરેલ બંને કલાઈમેક્સ વિજય તેંડુલકરને બતાવ્યા. બંને શૂટ જોયા બાદ તેંડુલકરે નિહલાનીને તેમના વિઝન પ્રમાણેનો કલાઈમેક્સ ફિલ્મમાં રાખવા સહમતિ દર્શાવી હતી.
રાજકુમાર સંતોષીએ ‘અર્ધ સત્ય’ માં સહાયક ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. સંતોષીએ 7 વર્ષ બાદ 1990માં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સની દેઓલને લઈને ‘ઘાયલ’ ફિલ્મ બનાવી હતી.
અર્ધસત્યથી ઓમપુરી અને સદાશિવ બોલીવુડમાં સ્થાપિત થયા


‘અર્ધ સત્ય’ ઓમ પુરીની મુખ્ય અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ હતી. જ્યારે સદાશિવ અમરાપુરકર અને શફી ઈનામદારની પણ પહેલી ફિલ્મ હતી.
સદાશિવ અમરાપુરકરની રામા શેટ્ટી તરીકેનો અભિનય ખૂબ વખાણાયો હતો.
ફિલ્મફેરમાં ‘અર્ધસત્ય’ છવાઈ ગઈ
31માં ફિલ્મફેર એવોર્ડમાં ‘અર્ધ સત્ય’ ને ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ ડિરેક્ટર’-ગોવિંદ નિહલાની, ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’- સદાશિવ અમરાપુરકર, ‘બેસ્ટ સ્ટોરી’-એસ.ડી. પનવલકર અને ‘બેસ્ટ સ્ક્રીનપ્લે’-વિજય તેંડુલકર એમ 5 એવોર્ડ મળ્યા હતાં. જ્યારે ઓમ પુરીને ‘બેસ્ટ એક્ટર’ તરીકે નોમિનેશન મળ્યું હતું.
‘અર્ધસત્ય’ સમયે દેશના કર્તાહર્તા
‘અર્ધ સત્ય’ રિલીઝ થઈ ત્યારે 19 ઓગષ્ટ 1983ના દિવસે જ્ઞાની ઝૈલસિંહ દેશના રાષ્ટ્રપતિ અને ઈન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે કે.એમ. ચાંડી ગુજરાતના રાજ્યપાલ અને માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.