Spread the love

– ચીનના દેવાની ચુંગાલમાં અર્થતંત્ર બેહાલ

– અસહ્ય મોંઘવારી, ખાદ્ય ચીજોની તંગી, વિજળી કાપ

– સમગ્ર દેશમાં હિંસક પ્રદર્શનો વચ્ચે કટોકટી લદાઈ

શ્રીલંકામાં કટોકટી લાદવામાં આવી

ભારતના પાડોશી દેશ શ્રીલંકાની હાલત ગંભીર થઈ ગઈ છે અને પહેલી એપ્રિલથી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. લાંબા પાવર કટ, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ભારતના આ પાડોશી દેશ શ્રીલંકામાં આગજની, હિંસા, પ્રદર્શન, સરકારી સંપત્તિઓમાં તોડફોડ વગેરે ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી લાગુ કરી દીધી છે.  શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે, આવશ્યક વસ્તુઓનો સપ્લાય જાળવી રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે.

શ્રીલંકામાં ચોતરફ આગજની, હિંસા, તોડફોડ સહિત પ્રદર્શન

શ્રીલંકામાં ચોતરફ અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું છે, સમગ્ર દેશમાં લાંબા પાવર કટ, ખાવા-પીવાની વસ્તુઓની ભયાનક તંગી અને ભાવવધારાથી ત્રસ્ત જનતા પ્રદર્શનો કરી રહી છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 13-13 કલાકના પાવર કટનો સામનો કરી રહેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની ઉગ્ર માગણી કરી રહી છે. અનેક પ્રતિબંધો, ખાદ્ય ચીજો અને અન્ય ઘર વપરાશની ચીજોની તંગી, અસહ્ય ભાવવધારો અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલી શ્રીલંકાની જનતા શુક્રવારે રાતે કોલંબોમાં રસ્તાઓ પર ઉતરી આવી હતી. આશરે 5,000 થી પણ વધારે લોકોના ટોળાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘર તરફ રેલી કાઢી હતી. જોકે રસ્તામાં જ પોલીસ સાથે સંઘર્ષ થયો હતો અને પોલીસે 50 કરતાં વધુ લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન તોફાને ચઢેલી જનતાની હિંસા, મારપીટ અને આગજનીમાં 20 કરતાં વધારે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત અનેક નાગરિકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે. પ્રદર્શનકારીઓએ સરકાર અને સેનાની અનેક ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી. 

કટોકટીમાં રાષ્ટ્રપતિ પાસે કેવી સત્તાઓ આવી ?

ભારત કટોકટીના કાળને સહન કરી ચુક્યું છે ત્યારે ભેરતના પડોશી દેશ શ્રીલંકામાં ઈમરજન્સી દ્વારા રાષ્ટ્રપતિ રાજપક્ષેએ પબ્લિક સિક્યુરિટી અધ્યાદેશની જોગવાઈઓને લાગુ કરી દીધી છે. આ વટહુકમ દ્વારા રાષ્ટ્રપતિને સાર્વજનિક સુરક્ષા, સાર્વજનિક વ્યવસ્થાના સંરક્ષણ, વિદ્રોહના દમન, હુલ્લડો કે નાગરિકો દ્વારા કરવામાં આવતા તોફાનો, આવશ્યક વસ્તુઓના સંગ્રહને લઈ નિયમો બનાવવાનો અધિકાર મળી ગયો છે. ઈમરજન્સીના નિયમો અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ સંપત્તિ પર કબજો જમાવવાનો અને કોઈ પણ પરિસરની તલાશી લેવા માટે કસ્ટડીને અધિકૃત કરી શકે છે. તેઓ કોઈ પણ કાયદાને બદલી કે સસ્પેન્ડ પણ કરી શકે છે. 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *