– શી જિનપિંગની માઓ કરતાં મહાન બનવાની ભુખ તાઈવાનને ભરખી જશે ?
– શક્તિ દેખાડવા તાઈવાનનો કોળિયો કરી જશે ચીન ?
– માઓ ન કરી શક્યા એ કરવાની ઉતાવળ છે જિનપિંગને ?
ચીન – તાઈવાન વચ્ચે વધેલી તંગદીલીનું કારણ શું છે ?
ચીનની તાઈવાન સાથે વધી રહેલી તંગદીલી તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન સામ્યવાદી ટર્નડ મૂડીવાદી-સામ્યવાદીથી પરત સામ્યવાદી-વિસ્તારવાદી રાહ પર આગળ વધી રહેલા ચીન ઉપર કેન્દ્રિત કરી દીધું છે. વૈશ્વિક સ્તરે ચીનના મહત્વાકાંક્ષી પ્રમુખ શી જિનપિંગ તેઓનાં દેશને કયા સ્તરે લઈ જવા માગે છે, ચીનની હવે વૈશ્વિક ભૂમિકા કેવી હશે તે સમગ્ર વિશ્વમાં મોટો કોયડો બની ગયો છે. તાઈવાનને કોળિયો કરવા આતુર બનેલું ચીન અને તાઈવાનને કોઈપણ ભોગે બચાવવા તત્પર અમેરિકાને ગાંઠશે ? શું તાઈવાન વિશ્વ યુદ્ધનું કારણ બનશે ? શા માટે ચાઇનીઝ પ્રમુખ શી જિનપિંગ
તાઈવાનને ચીનમાં ભેળવી દેવા ઉતાવળા થયા છે ?
માઓ ના કરી શક્યા તે કરીને શી જિનપિંગ માઓથી મોટા બનવા માંગે છે ?
ચાઇનીઝ પ્રમુખ શી જિનપિંગના તાઈવાનને ગળી જવાના ઉધામા સમજવા માટે ખરેખર ભૂતકાળમાં ઉતરવું પડશે, ઇતિહાસના પાના ફંફોસવા પડશે. વર્તમાન સમયમાં મહાસત્તા બનવાની તૈયારી કરી રહેલું ચીન અનેક વર્ષો સુધી એક નબળું રાષ્ટ્ર ગણાતું આવ્યું છે અને ચીન 1839-40 ના અફીણ યુદ્ધોથી થયેલી તેની વૈશ્વિક નાલેશી ચીનના સત્તાધીશોને હજુ આંખમાં કણાની જેમ ખટકી રહી છે. આ ઉપરાંત 1895 માં તે વખતે ફોર્મોસા તરીકે ઓળખાતા તેના ટાપુઓના સમૂહને જાપાન જેવા ટચૂકડા દેશે હડપી લીધા ત્યારબાદ એ ટાપુ તાઈવાન તરીકે ઓળખાવા લાગ્યો અને જાપાનના આધિપત્ય હેઠળ બીજા વિશ્વયુદ્ધ સુધી રહ્યો. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી લેતા તાઈવાન અમેરિકાના શાસન હેઠળ આવી ગયું હતું. આમ જોતા 1895 માં છૂટું પડેલું તાઈવાન હવે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે જોકે ચીન હવે તાઈવાનના સ્વાતંત્ર્ય પર તરાપ મારી તેને પોતાનો હિસ્સો બનાવીને વિશ્વના ફલક ઉપર પોતાની શક્તિશાળી હોવાની છાપ ઊભી કરવા ઇચ્છે છે. જોકે ચીનની આ મહત્વાકાંક્ષી યોજના પાછળ તેનાં પ્રમુખ શી જિનપિંગના ખરા ઈરાદા સમજવા જોઈએ. 1945 થી અમેરિકાના શાસન હેઠળ આવી ગયેલું તાઈવાન 1949 માં જ્યારે ચીનને સામ્યવાદી ચીન બનાવી દીધું ત્યારે માઓ અમેરિકી શાસન હેઠળથી તાઈવાનને હડપી લેશે એવું લાગતું હતું તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રુમેન પણ એક તબક્કે એવા મનના હતા કે તાઈવાન ચીનને સોંપી દેવામાં આવે, પરંતુ 1950 માં બે એવી ઘટનાઓ ઘટી કે અમેરિકન પ્રમુખ ટ્રુમેનનો પોતાનો મત બદલાઈ ગયો. પ્રથમ ઘટના એટલે સામ્યવાદી ચીન અને રશિયા દ્વારા કોરિયન યુદ્ધની શરૂઆત જેમાં અમેરિકા ભેરવાઇ ગયું અને બીજી ઘટના જેમાં માઓનું વિસ્તારવાદી સામ્યવાદી ચીન શાંતિપ્રિય બૌદ્ધ એવા તિબેટને ગળી ગયું. જોકે માઓના મગજમાં તાઈવાન ને કોઈપણ ભોગે ગળી જવાની યોજનાઓ ચાલતી જે રહેતી હતી પરીણામ સ્વરૂપે 1958 માં માઓ એ તાઈવાન ઉપર આક્રમણ પણ કરી દીધું જોકે તાઈવાનની તરફેણમાં તાત્કાલિક અમેરિકા દોડી આવ્યું અને એ આક્રમણ માઓ અને ચીન બંને માટે વૈશ્વિક અપમાન બની ગયું. ઉલ્લેખનીય છે કે 1962 માં માઓના સામ્યવાદી વિસ્તારવાદી બનેલા ચીને ભારત ઉપર હુમલો કરી દીધો હતો જેનાં અનેક કારણોમાં અનેક વિશ્લેષકોના મત મુજબ 1958 માં થયેલા આ વૈશ્વિક અપમાન ચાઇનીઝ જનતાના મગજમાંથી ભૂંસી નાખવાનો ઇરાદો પણ હતો.
માઓ ના પેંગડામાં પગ ઘાલવાનો શી જિનપિંગનો પ્રયાસ ?
તાજેતરમાં જ મળેલી ચાઇનીઝ સામ્યવાદી પાર્ટીની કેન્દ્રીય સમિતિની બેઠકમાં શી જિનપિંગને માઓની સમકક્ષ ગણાવાયા છે. આ ઉપરાંત શી જિનપિંગે પણ કહ્યું કે “ચીનની અખંડતા માટે તાઈવાનનું ચીનમાં ભળવું આવશ્યક છે” આ સ્પષ્ટ સંકેત ગણી શકાય કે આવનારા સમયમાં 1958 માં માઓ જે ન કરી શક્યા તે કરવાનો પ્રયાસ શી જિનપિંગ કરશે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ જો શી પોતાના ઈરાદાઓમાં સફળ થશે તો વિશ્વમાં ચીનનો દબદબો અને ચીનમાં શી જિનપિંગની તાકાત અનેકગણી વધી જશે જે ચીનના ભારત સહિત 23 પાડોશી દેશો જેમની સાથે ચીનને વિવાદ છે તેમની ચિંતાઓ અને ખતરામાં વધારો થવાની સંભાવના વધી જાય છે.