– રશિયા યુક્રેન યુદ્ધના 12 દિવસ થયા
– ભારતની સંરક્ષણ જરૂરિયાત પર અસર પડી શકે છે
– ભારતીય સંરક્ષણ આયાતોના મોટાભાગે રશિયન
હિમાદ્રી આચાર્ય દવે
જ્યારે હિંદી રુસી ભાઈ ભાઈ નારો અપાયો
ભારતની આઝાદી બાદથી ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. યુ.એસ.સેસ.આર –અમેરિકા વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન(1947-1991) ભારત અને સોવિયેત સંઘ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક, લશ્કરી, આર્થિક અને રાજદ્વારી સંબંધો હતા.જેની સાબિતી ‛હિંદી–રુસી ભાઈ ભાઈ’ , 1950 થી 1980 ના દાયકા સુધી ભારતમાં ઉપયોગમાં લેવાતો આ રાજકીય નારો છે, જેની જાહેરાત 26 નવેમ્બર, 1955ના રોજ બેંગ્લોરમાં એક બેઠકમાં સોવિયેત સંઘની કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રથમ સચિવ નિકિતા ક્રુશ્ચેવે કરી હતી અને સત્તાવાર રીતે ભારત અને રશિયામાં આ નારાની હિમાયત કરવામાં આવી હતી.
ત્યારબાદ, સોવિયત સંઘના વિઘટન પછી અમુક વર્ષો બાદ પણ બંને વચ્ચેના સંબંધો એવા જ તંદુરસ્ત રહ્યા. મોસ્કો અને દિલ્હી વચ્ચે મિત્રતા અને સહકારની ભાવનાના ફળસ્વરૂપે, 1971માં રશિયા-ભારત ભાગીદારીની સંધિ થઈ હતી. અલબત્ત, શીત યુદ્ધના યુગમાં ભારતે બિન-જોડાણવાદી ચળવળનું નેતૃત્વ કર્યું હોવા છતાં, તે ચીન અથવા યુગોસ્લાવિયા જેવા કેટલાક સામ્યવાદી જૂથોના સભ્યો કરતાં સોવિયેત યુનિયનની વધુ નજીક હતું. સોવિયેત સંઘના વિઘટનના દસ વર્ષ પછી, 2000ના દસકામાં વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણાથી બન્ને દેશોના સંબંધો પુનર્જીવિત થયા અને આજ સુધી વિકસિત થતા રહ્યા છે.
આઝાદી બાદથી જ ભારત, મોટાભાગે અમેરિકા તેમજ પશ્ચિમના દેશો પાસેથી શસ્ત્ર ખરીદતું, શસ્ત્રો તેમજ સંરક્ષણ પ્રણાલીનું મોટું આયાતકાર રહ્યું. જો કે સમય જતાં અમેરિકા પરની નિર્ભરતા ઘટી ગઈ અને 1970ના દાયકાથી ભારત યુએસએસઆર (હવે રશિયા) પાસેથી અનેક શસ્ત્ર પ્રણાલીઓ આયાત કરતું , દાયકાઓ સુધી રશિયાનું સૌથી મોટું સંરક્ષણ આયાતકાર રહ્યું. રશિયાએ ભારતને અણુ સબમરીન, એરક્રાફ્ટ કેરિયર્સ, ટેન્કો, બંદૂકો, ફાઇટર જેટ અને મિસાઇલો સહિત કેટલાક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ શસ્ત્રો સમયાંતરે પૂરા પાડ્યા છે.એક અંદાજ મુજબ, ભારતના સશસ્ત્ર દળમાં રશિયન મૂળના શસ્ત્રો અને પ્લેટફોર્મનો હિસ્સો 85% સુધી રહ્યો છે અને આજના સમયે લગભગ 50%નો રહ્યો છે. ભારતિય ત્રણેય સૈન્ય એકમોમાં, ઇન્ડિયન એરફોર્સ રશિયન સ્પેરપાર્ટ્સ અને પુરવઠા પર સૌથી વધુ નિર્ભર છે, તેના લડાયક કાફલામાં સુખોઈ 30MKI, મિગ 29 અને મિગ 21 ફાઇટર જેટનો સમાવેશ થાય છે. એમાં રશિયન ટેક્નિકસ અને પાર્ટ્સ વપરાય છે. જ્યારે Su 30MKI ભારતમાં એસેમ્બલ થાય છે, તેમ છતાં તેઓ રશિયન કંપનીઓના નિયમિત પુરવઠા પર આધાર રાખે છે.
વર્તમાનની વાત કરીએ તો, 2025 સુધીમાં આયાત– નિકાસ સંતુલન કરવા હેતુ ભારત પાંત્રીસ હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને છેલ્લા એક દાયકામાં ભારતની શસ્ત્રોની આયાતમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણોમાં શસ્ત્રની જટિલ ખરીદપ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો વગેરે અનેક કારણો જવાબદાર છે જેના પરિણામ સ્વરૂપે રશિયા પરની નિર્ભરતા પણ ઘટી છે. યુદ્ધ, શસ્ત્રો, શસ્ત્ર નિયંત્રણ અને નિઃશસ્ત્રીકરણનો અભ્યાસ કરતી આંતરરાષ્ટ્રીય થિંક-ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) તેના અહેવાલમાં જણાવે છે કે.”2011-15 અને 2016-20માં રશિયાના શસ્ત્રોની નિકાસમાં એકંદરે ઘટાડો લગભગ સંપૂર્ણપણે ભારતમાં શસ્ત્રોની નિકાસમાં 53 ટકાના ઘટાડાને કારણે હતો,” પરિણામે, કુલ ભારતીય શસ્ત્રોની આયાતમાં રશિયાનો હિસ્સો 70 થી ઘટીને 49 ટકા થયો છે. અલબત્ત, રશિયા હજુ પણ ભારતને મોટા પ્રમાણમાં શસ્ત્રના પાર્ટ્સ અને અન્ય લશ્કરી પ્લેટફોર્મ પૂરા પાડે છે. અને ભારતની કુલ સંરક્ષણ આયાતનો લગભગ પચાસ ટકા હિસ્સો રશિયામાંથી આવે છે.
ભારતે 2019-20માં વિવિધ પ્રકારના રશિયન શસ્ત્રો માટે નવા ઓર્ડર આપ્યા છે. આગામી પાંચ વર્ષમાં રશિયન શસ્ત્રોનીઆગામી ડિલિવરી થવાની શક્યતા સાથે ભારતની રશિયન આયાતમાં વૃદ્ધિ દેખાશે. ચીન અને પાકિસ્તાનના સંભવિત વધતા ખતરાને ધ્યાનમાં રાખીને બે વર્ષથી ભારત મોટા પ્રમાણમાં હથિયારોના સોદા પર વિચાર કરી રહ્યું છે. એકબાજુ ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર મૂકવામાં આવે છે, તો બીજી તરફ જંગી સૈન્ય આયાત પણ થવાની છે, ‘મેક ઇન ઇન્ડિયા’ના ઘણા શસ્ત્ર ઉત્પાદન પ્રોજેકટમાં પણ ભારત-રશિયા સાથે કામ કરી રહ્યા છે.
રશિયા સાથેના ભારતના વર્તમાન અને આગામી આયાત સોદા
ભારત-રશિયાએ ડિસેમ્બર 2021માં પ્રથમ 2+2 વાટાઘાટો દરમિયાન મિલિટરી ટેકનિકલ કોઓપરેશન એગ્રીમેન્ટ અંતર્ગત $9 બિલિયનથી વધુ મૂલ્યના લશ્કરી પ્લેટફોર્મ માટેનો કરાર કર્યો છે. તેમાંના સૌથી મહત્વપૂર્ણ સૈન્ય સોદા પૈકી એક,
◆ S-400 એર ડિફેન્સ સિસ્ટમ, સરફેસ ટુ એર મિસાઈલના પાંચ યુનિટ ખરીદવા માટે ભારતે ઓક્ટોબર 2018માં રશિયા સાથે $5 બિલિયનનો સોદો ભારતીય વાયુસેના (IAF)ને પાંચ એકમોમાંથી એક પહેલેથી જ સપ્લાય કરવામાં આવ્યું છે. S-400ને વિશ્વની સૌથી ઘાતક મિસાઈલ સિસ્ટમ માનવામાં આવે છે. તે ફાઈટર જેટ, બોમ્બર્સ, ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલ અથવા તો માનવરહિત એરિયલ વ્હીકલ્સ (UAV) સહિત 400 કિમી સુધીના લક્ષ્યોની શ્રેણીને નિશાન કરી શકે છે.તેના લાંબા અંતરના સર્વેલન્સ રડાર સાથે,તમામ પ્રકારના એરબોર્ન ખતરાઓને શોધી શકે છે .
●બીજું, ભારતના DRDO અને રશિયા વચ્ચેના સંયુક્ત સાહસે ફિલિપાઈન્સના નૌકાદળને બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલોની સપ્લાય કરવા માટે ફિલિપાઈન્સ સાથે $375 મિલિયનનો સોદો કર્યો છે.
●ભારત અને રશિયા વચ્ચેના સંયુક્ત સાહસના ભાગરૂપે, AK-203એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના રૂ. 5,000 કરોડના કોન્ટ્રાક્ટમાં ભારત-રશિયા રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 6,01,427 AK-203 એસોલ્ટ રાઇફલ્સની ખરીદીનો સમાવેશ થાય છે. આ રાઈફલો ભારતમાં બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત, કરારમાં રશિયા પાસેથી અન્ય 70,000 AK-203 એસોલ્ટ રાઇફલ્સની ખરીદીનો પણ સમાવેશ થાય છે.
●2019 માં, ભારતે દસ વર્ષની લિઝ પર પરમાણુ સંચાલિત સબમરીન ભાડે આપવા માટે રશિયા સાથે $3 બિલિયનનો સોદો કર્યો છે .
●2018 માં, રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરોનેક્સપોર્ટે ભારતીય નૌકાદળ માટે બે ફ્રિગેટ્સના ઉત્પાદન માટે $1 બિલિયનનો સોદો(જેની ડિલિવરી 2022ના અંત સુધીમાં શરૂ થવાની હતી), જુલાઈ 2020માં, ભારતે રશિયા પાસેથી 12 સુખોઈ-30 MKI અને 21 મિગ-29 ફાઈટર ખરીદવાની મંજૂરી આપી હતી.રૂ. 18,148 કરોડના સોદો કે જેમાં ભારતીય વાયુસેનાના હાલના 59 રશિયન મિગ-29ના કાફલાના અપગ્રેડેશનનો પણ સમાવેશ થાય છે.
રુસ-યુક્રેઇન સંઘર્ષ અને ભારતની સંરક્ષણ બાબતો
દુનિયાના દેશોને ત્રીજા વિશ્વયુદ્ધના દરવાજે ખડા કરી દેવાની વારંવારની સંભાવનાઓ વચ્ચે, રુસ-યુક્રેન સંઘર્ષ વિશ્વ સામે મોટો પડકાર બનીને ઉભો છે. આનાથી ઘણા દેશોને રશિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિબંધ મૂકવા અથવા મર્યાદિત કરવાની ફરજ પડી છે, આંતરાષ્ટ્રીય સંબંધો અને આર્થિક વ્યવહારોને અસ્થિર કરી રહેલ રશિયા –યુક્રેનના સંઘર્ષનાં લાંબા ગાળાના પરિણામોને લઈને ભારતને રશિયા પાસેથી મળવાની તેની સંરક્ષણ આયાત પર ગંભીરતાથી વિચારવાની ફરજ પડી છે.
ભારત-રશિયા વચ્ચેના તંદુરસ્ત રાજનૈતિક સંબંધોના સંદર્ભે
રશિયા –યુક્રેન યુદ્ધ, ભારત માટે પણ આંતરરાષ્ટ્રીય સંબંધોના સમીકરણો સમતોલ રાખવાની કસોટી સાબિત થશે. રશિયાની સામે પડેલી પશ્ચિમી જગતની મહાસતા, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય યુરોપિયન દેશો સાથેના આપણા સંબંધો જાળવી રાખવા અને બીજી તરફ રશિયા સાથે ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે ઊંડા સંબંધો જાળવી રાખવાના પડકારની સાથોસાથ ભારત અને રશિયા વચ્ચેના દાયકાઓ જૂના સંરક્ષણ વેપાર પરની વિપરીત નોંધપાત્ર અસરો પણ પડકારરૂપ છે.
એક અહેવાલ મુજબ, રશિયાએ ભારતને ખાતરી આપી છે કે સંરક્ષણ પુરવઠો પશ્ચિમી પ્રતિબંધોથી પ્રભાવિત થશે નહીં અને સાતત્ય સુનિશ્ચિત કરવા માટે વૈકલ્પિક પદ્ધતિઓ કાર્યરત છે. તેમ છતાં રશિયા પરના પ્રતિબંધો અને યુક્રેનમાં લાંબા સમય સુધી યુદ્ધની સંભાવનાને લઈને ભારતની ચિંતા વ્યાજબી છે.અત્રે એ પણ મહત્વનું છે કે, રશિયા સિવાય, ભારત આગામી વર્ષોમાં અન્ય દેશો પાસેથી આયાત કરાયેલા શસ્ત્રોની ડિલિવરીની અપેક્ષા રાખે છે ત્યારે, રશિયા અને અન્ય દેશો વચ્ચેના સંબંધોને લઈને પણ ભારતની ચિંતા વધે છે કારણ આજના સમયે વૈશ્વિક સમીકરણો એ રીતે બદલાયા છે કે વિશ્વના દેશો રુસ સમર્થક, રુસ વિરોધી અને તટસ્થ એમ ત્રણ પ્રકારે વહેંચાઇ ગયા છે. ભારતનું દેખીતું વલણ તો તટસ્થ હોવાની છાપ ઉભી કરે છે પણ રશિયા તરફનો ભારતનો ઝુકાવ અને તેની સાથેના સંબંધો એ કોઈ છુપી વાત નથી. આ સંજોગોમાં આપણી અન્ય દેશોમાંથી આવતી સંરક્ષણ આયાતો અસરમાં આવી શકવાની સંભાવના છે. વળી વિશ્વના અનેક દેશોએ રશિયાને બેંકિંગ સિસ્ટમમાંથી અંશતઃ અથવા પૂર્ણત: રદ કર્યું છે ત્યારે ચુકવણી અને આર્થિક વ્યવહારમાં કઈ રીતે વર્તવું એ પણ ભારત માટે ચિંતાનો વિષય છે, ભારતની બેંકસ પણ આ વાતે નર્વસ છે કે રશિયાના આપવાની થતી ચુકવણી આ સમયે કરવી કે તાત્કાલિક અસરમાં હંગામી ધોરણે સ્થગિત રાખવી… આવા અનેક પડકારો ભારત સામે છે.
– હિમાદ્રી આચાર્ય દવે