– ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની મીટિંગ ચાલુ
– જિનપિંગ આ પહેલા બે ટર્મની મર્યાદા દૂર કરાવી ચુક્યા છે
– શી જિનપિંગનું ચીન ભારત માટે ખતરો બનશે ?
ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) ની મીટીંગ ચાલુ
મોટાભાગના વિશ્લેષકોના મતે અત્યારે ચાલી રહેલી ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વની બેઠકમાં શી જિનપિંગને ત્રીજી પાંચ વર્ષની મુદત માટે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવશે અને જો આવું થશે, તો જિનપિંગ, માઓ ઝેડોંગ પછી આ પદ સૌથી વધુ સમય સુધી સંભાળનાર ચાઇનીઝ નેતા બની જશે. શી જિનપિંગને ત્રીજી મુદ્દત આપવા માટે પ્રસ્તાવ લાવવામાં આવશે એ લગભગ નક્કી જ છે, આ પહેલા 2021માં CCP કોંગ્રેસ દરમિયાન જિનપિંગ માટે સંકલ્પપત્ર લાવવામાં આવ્યો હતો, CCPના ઇતિહાસમાં આ પહેલા માત્ર બે જ વખત સંકલ્પ પત્ર લાવવામાં આવ્યો હતા. 2021ની CCPમાં શી જિનપિંગની ઉપલબ્ધિઓ જોરશોરથી ગણાવવામાં આવી હતી અને જિનપિંગને ભવિષ્યના ચીનના સૌથી મોટા નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા.
CCP નો 100 વર્ષનો ઇતિહાસ અને સંકલ્પ પત્ર
આજથી 101 વર્ષ પહેલા વર્ષ 1921ની મીટિંગમાં ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (CCP) નો પાયો નાંખવામાં આવ્યો હતો. CCPના 101 વર્ષના ઇતિહાસમાં માત્ર બે વખત સંકલ્પ પત્ર લાવવામાં આવ્યો હતો વર્ષ 1945 માં અને 1981 માં, પહેલા સંકલ્પપત્રમાં માઓત્સે તુંગ અને બીજા સંકલ્પપત્રમાં દેંગ જિયાઓપિંગની શક્તિઓ અમાપ ગણી શકાય એ રીતે વધારી દેવામાં આવી હતી. પહેલો સંકલ્પ પત્ર “ રીઝોલ્યુશન ઑન સર્ટૈન ક્વેશ્ચંસ ઇન ધ હિસ્ટ્રિ ઑફ અવર પાર્ટી” ના નામે વર્ષ 1945માં લાવવામાં આવ્યો હતો. આ સંકલ્પપત્રમાં પાર્ટીના શાંઘાઇ નરસંહારથી લઈને લૉન્ગ માર્ચ સુધીના બે દશકો દરમિયાન પાર્ટીના સંઘર્ષની વાત કરવામાં આવી હતી. જોકે ખરા અર્થમાં તેને ચાઇનીઝ લોકોના લોકશાહી અને માનવાધિકારો માટેના સંઘર્ષ તરીકે ગણાવી શકાય. જોકે આ સંકલ્પપત્રમાં એ બધુ જ પાર્ટીની કેડર્સની વફાદારી મેળવવા તથા તેને મજબૂત કરવા માટે જ કરવામાં આવ્યું હતું એમ કહેવામાં આવ્યું હતું. આ સંકલ્પપત્ર બાદ માઓ એટલા શક્તિશાળી બની ગયા કે તેમણે આજીવન ચીન ઉપર પોતાનું શાસન જમાવી રાખ્યું. પ્રથમ સંકલ્પ પત્રથી માઓ સપ્ટેમ્બર 1976માં અવસાન પામ્યા ત્યાં સુધી સત્તા સ્થાને રહ્યા માઓના મૃત્યુ બાદ ડેંગ જિયાઓપિંગ સત્તા પર આવ્યા અથવા કહીએ કે ચીનના સુપ્રિમ લીડર બન્યા, ત્યારબાદ 1981 માં ડેંગ બીજો સંકલ્પપત્ર લઈ આવ્યા. આ સંકલ્પપત્રમાં ઇકોનોમિક રિફોર્મ્સ ઉપર ખુબ જોર આપવામાં આવ્યું હતું જેના પરિણામે ચીનનું બજાર વિશ્વ માટે ખુલવા લાગ્યું હતું. આ સંકલ્પપત્રમાં પાર્ટીની સ્થાપનાથી લઈને ડેંગના સમય સુધીના ઇતિહાસની વાત કરવામાં આવી હતી, જોકે આ સંકલ્પપત્રની સૌથી મોટી બાબતએ હતી કે એમાં ડેંગ જિયાઓપિંગે માઓની નીતિઓની ટીકા કરી હતી અને માઓની નીતિઓમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા.
2018 અને 2021 ની CCP માં શું થયું હતું ?
2021માં CCPનો એક કોંક્લેવ થયો હતો જેની સૌથી ખાસ બાબત ઉપર જણાવ્યું તેમ CCPના ઇતિહાસનો ત્રીજો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો એ હતી જ સાથે સાથે કેટલીક બાબતો એવી પણ બની હતી જેના તરફ ધ્યાન આપવા જેવું છે. આ કોંક્લેવમાં બધા જ પ્રસ્તાવો સિવાય જે બાબત હતી જેના તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન તરત જ ખેંચાયુ તે હતી કે જિનપિંગ વિરુદ્ધ કંઈ પણ બોલવું, નિવેદન કરવું એને અપરાધની શ્રેણીમાં નાંખી દેવામાં આવ્યું હતું, હવે શી જિનપિંગ વિરુદ્ધ બોલવું એ સજા પાત્ર ગુનો બની ગયો હતો. શી જિનપિંગ પ્રથમ વખત 2012માં ચીનના રાષ્ટ્રપતિ બન્યા, પ્રથમ ટર્મ પૂરી થયા બાદ શીનો વિરોધ કરી શકે એવો કોઇ નેતા નહોતો અથવા જો હતો તો શીની વિરુદ્ધ બોલવાની કોઈની હિંમત નહોતી અને CCPની મીટિંગમાં શીને બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા. શી જિનપિંગ પહેલા રાષ્ટ્રપતિ રહેલા બધા નેતા માટે બે ટર્મનો કાર્યકાળ અને અથવા 68 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાનો નિયમ હતો. 2018ની CCPની મીટિંગમાં ચીનના રાષ્ટ્રપતિ માટેની બે ટર્મની મર્યાદા હટાવી દેવામાં આવી. રાષ્ટ્રપતિ માટેની બે ટર્મની મર્યાદા હટાવાતા જિનપિંગ હવે માઓ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા બની ગયા. જિનપિંગની બીજી ટર્મ 2023માં પૂરી થઈ રહી છે પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જિનપિંગ ત્રીજી ટર્મ પણ મેળવી લેશે, એક માન્યતા એવી પણ છે કે શી આજીવન ચીનના રાષ્ટ્રપતિ બની બેસશે. આ ઉપરાંત CCPએ શીના વિચારોને સંવિધાનમાં સામેલ કરવાનો પણ નિર્ણય લીધો હતો.