– સ્વીકૃતિ ટ્રાયલ પૂર્ણ થતાં જ IAF ને 3 હેલિકોપ્ટર આપવા HAL ની તૈયારી
– HAL દ્વારા વિકસિત સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર
– HAL ને IAF તથા આર્મીના લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) મળ્યો
HAL ભારતીય એરફોર્સને 3 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરની ડિલિવરી કરવાની તૈયારીમાં
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતમાં જ વિકસિત સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરના સ્વીકૃતિ ટેસ્ટ્સ પુરા થતા જ પ્રથમ બેચના 3 હેલિકોપ્ટર ભારતીય એરફોર્સને સોંપવા માટે કમર કસી રહ્યું છે. આ ભારતીય વાયુસેના તથા ભારતીય આર્મી માટે મંજુર કરવામાં આવેલા 15 લિમિટેડ સીરિઝ પ્રોડક્શન (LSP) હેલિકોપ્ટરનો હિસ્સો છે.
HAL ને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) મળ્યો
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)ની 15 લિમિટેડ સીરિઝ પ્રોડક્શનના અંતિમીકરણ માટે 5 LCH વાયુસેના માટે તથા 5 LCH આર્મી માટેનો લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) મળ્યો છે. HAL દ્વારા 3 LSP LCH ના સ્વીકૃતિ ટેસ્ટ્સ તથા પ્રશિક્ષણને આધિન રહીને નિર્માણ કરવા માટે સંકેત આપ્યા છે. બાકીના LSP સીરિઝના હેલિકોપ્ટર માટે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વર્ષે HAL 4 LCH આર્મી માટે તથા 2 LCH વાયુસેના માટે નિર્માણ કરશે. બાકી રહેલા 6 LSP LCH આવતા વર્ષે નિર્માણ કરવામાં આવશે.
ડીલમાં વિલંબ કેમ થયો
15 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરની આ સોદા માટે વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં જ હસ્તાક્ષર થવાની ધારણા હતી પરંતુ કોરોના મહામારીની બીજી લહેરને કારણે વિલંબ થયો હતો. વાયુસેનાએ 65 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LHC) તથા આર્મીએ 114 હેલિકોપ્ટર માટે માંગણી કરી હતી. 15 લિમિટેડ સીરિઝ પ્રોડક્શન (LSP) માંથી 10 વાયુસેના માટે તથા 5 આર્મી માટે તૈયાર કરવામાં આવશે. લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) એ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ભારતીય સશસ્ત્ર દળોની ચોક્કસ અને વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા ખાસ ડિઝાઈન કરવામાં આવેલા 5.5 ટન વજનના વિશ્વના સૌથી હળવા વજનના લાઈટ એટેક હેલિકોપ્ટર છે. LCH 12000 ફૂટની ઊંચાઈ પર કાર્ય કરે છે.
આર્મી એવિયેશન નાના હેલિકોપ્ટરથી ઓપરેટ કરે છે પરંતુ તેની પાસે એટેક હેલિકોપ્ટર નથી, આર્મી તેના માટે શોધ કરે છે જેનાથી તે પોતાના એટેક કોર્પ્સ દ્વારા હુમલો કરી શકે. લડાયક હેલિકોપ્ટર વાયુસેના દ્વારા સંચાલિત કરવામાં આવે છે જે જરૂરિયાત મુજબ આર્મીને વાયુછત્ર પુરું પાડે છે.
લદ્દાખમાં ઉભા થયેલા તણાવ વખતે 2 LCH તૈનાત કરાયા હતા
ગયા વર્ષે ચીન સરહદે પૂર્વી લદ્દાખમાં સર્જાયેલા તણાવ વખતે ઑગસ્ટ મહિનામાં લેહની સૌથી ઉંચી સરહદ ઉપર ટૂંકી નોટીસમાં જ વાયુસેનાને મદદરૂપ થવા તૈનાત કરવામાં આવ્યા હતા.
વર્તમાન પરિસ્થિતિ
વર્તમાનમાં વાયુસેના રશિયા દ્વારા વિકસિત અને નિર્મિત જરીપુરાણા MI-25 અને MI-35 લડાયક હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે જે તબક્કાવાર નિવૃત્ત થવાના છે. તાજેતરમાં જ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતા અમેરિકાના 22 AH-64E અપાચે હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આર્મીને 2023ના આરંભથી અપાચે હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ શકે છે. ફેબ્રુઆરી 2020 માં તેને માટે અંદાજે 800 મિલિયન ડોલરનો સોદો અમેરિકા સાથે કરવામાં આવ્યો છે.