– ક્રિકેટ ઈતિહાસની અદભૂત મેચ
– 7 ખેલાડીઓ ખાતુ ખોલાવી શક્યા નહી
– વિકેટોનું ફુંકાયુ વાવાઝોડુ
ક્રિકેટના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી એક મેચ તાજેતરમાં જ રમાઈ ગઈ. આ એક એવો વિશ્વ રેકોર્ડ બની ગયો જે બનાવવો કોઈ પણ ટીમને ન ગમે. આ એવી મેચ હતી જેની કલ્પના કદાચિત જ કોઈ કરી શકે. ક્રિકેટના મેદાનમાં એક ટીમ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ ઉપરાંત આશ્ચર્યજનક બાબત એ રહી કે આ 6 રન કરવા માટે એ ટીમ 11.4 ઓવર સુધી ઝઝુમી.
ક્યાં રમાઈ આ મેચ ?
ઉપરોક્ત લખાણ વાંચ્યા બાદ સ્વાભાવિક જ કુતુહલ થાય કે આવી મેચ ક્યાં રમાઈ હતી ? કઈ કઈ ટીમ વચ્ચે રમાઈ હતી ? આ મેચ ભારતના પાડોશી દેશ એવા નેપાળમાં રમાઈ હતી. નેપાળમાં હાલ મહિલાઓ માટે પ્રાઈમ મિનિસ્ટર કપ ક્રિકેટ 20-20 ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં પ્રોવિન્સ નંબર વન અને કરનાલી પ્રોવિન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રોવિન્સ નંબર વન ટીમની માત્ર 20 વર્ષીય સ્પિનર દેખાવ જબરદસ્ત રહ્યો. આ સંપૂર્ણપણે એક તરફી રહેલી મેચમાં પ્રોવિન્સ નંબર વન ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 2 વિકેટના ભોગે 20 ઓવરમાં 166 રન બનાવ્યા હતા. પ્રોવિન્સ નંબર વન ટીમમાંથી બે ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. જીતવા માટે 166 રનનો પીછો કરવા ઉતરેલી કરનાલી પ્રોવિન્સ ટીમનો કરુણ રકાસ થયો હતો અને ટીમ 11.4 ઓવરમાં માત્ર 6 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. કરનાલી પ્રોવિન્સ ટીમમાંથી એક પણ બેટ્સવુમન ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નહોતી, 7 બેટ્સવુમન ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈને પેવેલિયનમાં પરત ફરી હતી. આ મેચ કરનાલી પ્રોવિન્સ ટીમ 160 રનના તોતિંગ માર્જીનથી હારી ગઈ હતી.
માત્ર 20 વર્ષીય સ્પિનરનો તરખાટ
આ મેચમાં જ્યાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે રનનો વરસાદ વરસાવી દીધો હતો ત્યારે એવું લાગતુ હતુ કે પિચ બેટિંગ માટે અનુકુળ છે પરંતુ પ્રોવિન્સ નંબર વનની 20 વર્ષીય સ્પિનર અલિશા ખડિયાના તરખાટ સામે એ માન્યતા કડડભૂસ થઈ ગઈ અને વિકેટોનું જાણે વાવાઝોડુ સર્જાઈ ગયું. અલિશા ખડિયાએ પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 1 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અલિશાની 4 ઓવરમાંથી 3 ઓવર મેડન હતી. અલિશા ખડિયાને તેના જબરજસ્ત પ્રદર્શન બદલ પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.