નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ રમી રહેલા રેડ્ડીએ ઈતિહાસ રચ્યો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 (IND vs AUS 4th Test)માં નીતિશ કુમાર રેડ્ડીએ ઇતિહાસ રચ્યો છે. આ શ્રેણીમાં નીતિશ કુમાર રેડ્ડી સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. એટલું જ નહી નિતિશ રેડ્ડીએ એવો પણ રેકોર્ડ રચ્યો છે જે રેકોર્ડ કરનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બની ગયો છે. નિતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં કોઈપણ પ્રવાસી બેટ્સમેન દ્વારા સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રેડ્ડીએ આ સિરીઝમાં અત્યાર સુધી 8 સિક્સર ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગલેન્ડના માઇકલ વૉન અને વેસ્ટ ઈન્ડીઝના ક્રિસ ગેલના નામે હતો. માઈકલ વોને 2002-2003ની એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમતી વખતે 8 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ ગેલ 2009-2010માં વેસ્ટ ઈન્ડીઝના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે ટેસ્ટ શ્રેણીમાં 8 છગ્ગા ફટકાર્યા હતા.
8 sixes by Nitish Kumar Reddy in this series so far 🚀
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2024
The joint-most by a visiting batter in a Test series in Australia
via @StarSportsIndia | #AUSvIND pic.twitter.com/FpfbXXGOkQ
આ સમગ્ર શ્રેણીમાં નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. રેડ્ડી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન 8 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય બન્યો છે. હવે વધુ એક સિક્સર ફટકારીને રેડ્ડી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ રચવાની નજીક પહોંચી ગયો છે. રેડ્ડીએ 41, 38*, 42, 42, 16 અને હવે અણનમ 85 રનની ઇનિંગ્સ સાથે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી પણ ફટકારી છે.
સંકટમોચક બન્યો નીતિશ કુમાર રેડ્ડી
હાલમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં જ્યારે પણ ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી છે ત્યારે નીતિશ કુમાર રેડ્ડીએ ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. હવે ફરી એકવાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરે એવી ઇનિંગ રમી છે. નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કેવી રીતે કરી શકાય તે દર્શાવ્યું છે. રેડ્ડીએ આ શ્રેણીમાં 200થી વધુ રન બનાવ્યા છે. રેડ્ડીએ પોતાને એક ઉત્તમ ઓલરાઉન્ડર તરીકે સાબિત કર્યો છે.