– ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ અર્થે લૉનની યોજના.
– ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લૉન યોજના માટે અરજી કરવાની સમયમર્યાદા દૂર કરવામાં આવી
– ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારોએ રજૂઆત કરી હતી
ગુજરાત સરકારનો આવકાર્ય નિર્ણય
ગુજરાત સરકાર સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આર્થિક રીતે સહાયરૂપ થવા માટે ‘ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લૉન યોજના’ ચાલે છે. આ યોજના માટે અરજી કરવાની સમયમર્યાદા સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે, હવે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે અરજી કરી શકે છે.
ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લૉન યોજના
ગુજરાત સરકારના સામાજિક કલ્યાણ ખાતા દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે આર્થિક રીતે સહાયરૂપ થવા માટે આ યોજના ચલાવવામાં આવે છે. ‘ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લૉન યોજના’ હેઠળ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ અર્થે રૂપિયા 15 લાખની લૉન વાર્ષિક 4% વ્યાજના દરે આપવામાં આવે છે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારોએ રજૂઆત કરી હતી
ઉલ્લેખનીય છે કે ‘ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લૉન યોજના’ માટે અરજી કરવાની સમય મર્યાદા દૂર કરવા માટે ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારોએ તારીખ 9 મી જૂનના રોજ ગુજરાત સરકારના સામાજિક અધિકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારને મળીને રજૂઆત કરવામાં આવી હતી જેનો સ્વીકાર કરીને સરકાર દ્વારા સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે.