ડૉ. આંબેડકર દ્વારા શરૂ કરવામાં આવેલી બહિષ્કૃત હિતકારીણી સભા પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા થનગની રહી હતી. અસ્પૃશ્ય વર્ગોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે, રુચિ ઉત્પન્ન થાય અને પ્રોત્સાહન મળે તે માટે સોલાપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવતા અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શરૂ કર્યા બાદ બહિષ્કૃત હિતકારીણી સભાએ ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સમાજસેવાના ગુણો પણ વિકસે તે તરફ ધ્યાન આપવુ શરૂ કર્યું.
ડૉ. આંબેડકરનું સ્પષ્ટ માનવુ હતુ કે શિક્ષણ અને શિક્ષિત વર્ગ જ અસ્પૃશ્ય વર્ગો ના પ્રશ્નોને ઉચિત રીતે વાચા આપી શકશે તથા વાસ્તવિક અને પ્રેક્ટીકલ ઉપાયો વિચારી અને અમલમાં લાવી શકશે. આ વિચારના પરિપાકરૂપે બહિષ્કૃત હિતકારીણી સભા એ એક ઈન્સ્ટીટ્યુટ શરૂ કર્યું, આ ઈન્સ્ટીટ્યુટે અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે સમાજસેવા કરતા થાય, સમાજના પ્રશ્નો પ્રત્યે વિચારતા થાય એ માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે બોમ્બેમાં એક વાંચનખંડની શરૂઆત કરી જે તદ્દન નિઃશુલ્ક હતો તથા મહાર હૉકી ક્લબ શરૂ કરી. બહિષ્કૃત હિતકારીણી સભાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ “સરસ્વતી વિલાસ” નામનુ માસિક મેગેઝિન ચલાવવાનું શરૂ કર્યું. આ કાર્યોથી વિદ્યાર્થીઓ અસ્પૃશ્ય વર્ગોમાં જુગાર રમવા, દારૂ પીવા જેવા દુર્ગુણો ધરાવતા તથા અન્ય અનિચ્છનીય આદતો ધરાવતા લોકોની સમક્ષ એક સુશિક્ષિત, સુઘડ, સુસંસ્કારી એવાં લોકો ઉદાહરણ સ્વરૂપે પ્રગટ થયા.
એક તરફ ડૉ. આંબેડકર દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ હતા ત્યારે કથિત અને સ્વઘોષિત સવર્ણ વર્ગમાં શું કોઈ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું હોય એવુ લાગતુ હતુ ખરા ?
દેશમાં જડતા અને રૂઢિવાદી લાગણીઓ જાણે કે પહાડની જેમ તસુભાર ખસવાનું નામ નહોતી લેતી. હિંદુ નેતાઓને હિંદુ અસ્પૃશ્યો ત્યારે જ યાદ આવતા હતા જ્યારે મૌલાના મોહમ્મદ અલી અને યાકુબ હુસૈન જેવા એમના પ્રતિસ્પર્ધી મુસ્લિમ નેતાઓ એમને અસ્પૃશ્યોનું મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવશે એવુ કહીને યાદ અપાવતા હતા. હિંદુ સમાજ એક તૃતિયાંશ જેટલા તેમના જ હિંદુ બાંધવોને સ્વીકારતો નહોતો. પૂજારીઓ દ્વારા આ સમુદાયને મંદિરોથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો હતો. એવું ચિત્ર ઊભુ થતુ હતુ કે અસ્પૃશ્યો એ જ ધર્મ પુસ્તકો, દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે છતાં તેમને તેમના જ ધર્મ પુસ્તકો, દેવી દેવતાઓથી અલિપ્ત કરી દેવામાં આવ્યા હતા. નાસ્તિકતાના ચશ્માથી જોતા એવો પ્રશ્ન થવો સ્વાભાવિક જ હતો કે દર્શન કરવા ટળવળતા, બહિષ્કૃત થતા અને છતાં દૂર ઊભા રહીને દર્શન કર્યાનો સંતોષ માનતા, અમાનવીય વર્તનનો ભોગ બનતા આ નિર્દોષ, રાંક લોકોને મદદ કરવા ભગવાન સ્વયં શા માટે દોડી આવતા નથી ? કે પછી ભગવાન પણ ભેદ રાખતા થઈ ગયા છે ?
બહુમતી સવર્ણ હિંદુઓનું વલણ આ કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય હિંદુઓ પ્રતિ એટલુ તો કઠોર, નિષ્ઠુર અને ઉદાસીન હતું કે એવુ માનવુ ખોટુ નહીં જ ગણાય કે તેઓ અસ્પૃશ્યતા, જાતિવાદી ભેદભાવ, પોતાના જ ધર્મ બાંધવો પ્રત્યેનો અમાનવીય વ્યવહાર આ બધું દૂર કરવુ અને આ અસ્પૃશ્યોના ભાગ્યને ઊઘડવાનો નિર્ણય એમની ફૂરસદે અને મરજી હશે ત્યારે જ થશે.
આગળ નોંધ્યું તેમ એ જ સમય હતો જ્યારે ભારતીય ઈતિહાસના આકાશમાં સામાજિક સુધારણાની ચળવળ લઈને ત્રણ ધ્રુવ તારકો ઉભર્યા હતાં. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર, ગાંધીજી અને વીર સાવરકર. ત્રણેય પોતાની રીતી, નીતિ અને પદ્ધતિથી હિંદુ સમાજમાં સમાનતા, બંધુત્વ, એકતા લાવવા માટે કાર્ય કરવાના હતા. ડૉ. આંબેડકરના કાર્યોની આછેરી ઝલકનો અંદાજ આગળ જોવા મળ્યો જ છે.
ક્રમશ: