– ખાર્કીવ પર રશિયન પ્રભુત્વ સ્થાપિત
– સળગતાં ખાર્કીવમાં ચોતરફ મોતનું તાંડવ
– ખાર્કીવ તબાહી બીજી વખત વેઠી રહ્યું છે
હિમાદ્રી આચાર્ય દવે
ખાર્કીવ બીજીવાર આ તબાહી વેઠી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે આ શહેરને સ્મશાનઘાટ બનાવી છોડ્યું હતું.
રશિયા-યૂક્રેન વચ્ચે સતત આઠમા દિવસે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના અનેક ક્ષેત્રો પર આક્રમણ કરીને યુક્રેનને તબાહીના કગાર પર લાવીને ખડો કરી દીધો છે. આમ છતાં, સતત સાત દિવસના પ્રયાસ પછી પણ રશિયા યુક્રેનની રાજધાની કિવ પર પોતાનો કબજો જમાવી શક્યું નથી અને હવે રશિયાએ યુક્રેનના અત્યંત મહતપૂર્ણ બીજા શહેર, ખાર્કીવ પર કબજો કરવાની નવી રણનીતિ ઘડી છે. ત્યારે ખાર્કીવનાં ભૂતકાળ અને વર્તમાન પર થોડી નજર નાખીએ
ખાર્કીવના ભૂતકાળ અને વર્તમાનના પ્રવાહો
છેક કાંસ્યયુગની કલાકૃતિઓ ખાર્કીવની જમીનમાંથી મળી હોવાથી, આ શહેરની જમીન પર માનવવસાહત કેટલાં હજારો વર્ષ પહેલાં હતી, એની પૌરાણિકતા વિશે આપણને ખ્યાલ આવે છે. આધુનિકયુગમાં ખાર્કીવની સ્થાપના 1956માં એક કિલ્લાના રૂપમાં થઈ હતી. ત્યારબાદ ખાર્કીવ સોવિયત રશિયાનાં યુક્રેનનું એક મહત્ત્વપૂર્ણ શહેર રહ્યું છે. આ શહેર 1920થી 1934 સુધી સોવિયત રશિયાના યુક્રેનની રાજધાની રહ્યું. સોવિયેત સંઘનું વિશાળ સૈન્યમથક ગણાતું આ શહેરમાં વિશ્વની સૌથી મજબૂત સોવિયેત ટેન્ક T-34 એ સમયે ખાર્કોવ ટ્રેક્ટર ફેક્ટરીમાં, અહી બનતી હતી. લગભગ એંશી વર્ષ પહેલા, હિટલરની નાઝી સેનાએ સોવિયેત સંઘ પર હુમલો કર્યો હતો અને તેના પર ભયંકર કેર વર્તાવતાં હુમલો બોલાવ્યો હતો. એ વખતે ખારકોવના નામે ઓળખાતું (આજનું ખાર્કીવ) આ શહેર, ઉપર કહ્યું તેમ સોવિયેત સંઘનું મહત્વનું સૈન્ય મથક હતું તેમજ ત્રીજું સૌથી મોટું શહેર હતું. હિટલરે આ શહેર પર કબજો કર્યા પછી અહીં રહેતા હજારો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ દરમિયાન અનેક નરસંહાર આ શહેરની ગલીએ જોયા છે. એવી માહિતી મળે છે કે, આવા જ એક નરસંહારમાં, માત્ર બે દિવસમાં, નાઝીઓએ ત્રીસ હજારથી વધુ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પહેલા આ શહેરમાં ૨૫ લાખ યહૂદીઓ રહેતા હતા પરંતુ હિટલરના હુમલા અને કબ્જા પછી આ શહેરમાં માત્ર દોઢ લાખથી પણ ઓછા યહુદીઓ બચ્ચા હતા! આ ઉપરાંત શહેરની ૭૦ ટકા વસ્તી આ જંગમાં બરબાદ થઈ ગઈ હતી. અને આંચકાજનક રીતે આ શહેરની વસ્તી ઘટી ગઈ હતી .બીજા વિશ્વયુદ્ધમાં જે જે શહેરોએ સૌથી વધુ જાનહાનિ જોઈ છે ,ખાર્કીવ એમાંનું એક શહેર છે. 16 ફેબ્રુઆરી 1943ના રોજ સોવિયેત સંઘ દ્વારા આ શહેરને જર્મનીનાં કબજામાંથી સફળતાપૂર્વક પુનઃ કબજે કરવામાં આવ્યું હતું .પરંતુ 15 માર્ચ 1943ના રોજ તેને જર્મનો દ્વારા બીજી વખત કબજે કરવામાં આવ્યું અને આખરે 23 ઓગસ્ટ 1943ના રોજ સોવિયેત સંઘે પાછું મેળવી લીધું હતું.
1991માં સોવિયેત સંઘથી આઝાદ થયા યુક્રેનના પૂર્વ હિસ્સામાં રુસની તેમજ પશ્ચિમ હિસ્સામાં પોલેન્ડ, હંગેરી, રોમાનિયા વગેરે દેશોની અસર જોવા મળે છે રશિયાની પૂર્વમાં આવેલું ખાર્કીવ ઐતિહાસિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કલા, સાહિત્ય અને વૈજ્ઞાનિક કલ્ચર ધરાવતું વિશેષ શહેર છે. કવિઓ તથા કવિતાના શહેર ગણાતા ખાર્કીવમાં એસી થી વધુ પુસ્તકાલય દસ થિયેટર અને સાત મ્યુઝિયમ છે, ફક્ત 15 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં એસી પુસ્તકાલય હોવા એ ત્યાંના સાહિત્યિક માહોલની પ્રતીતિ કરાવે છે આ ઉપરાંત ખાર્કીવ ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહત્વ ધરાવે છે.યુક્રેનના ઔદ્યોગિક વિકાસમાં આ શહેરનો બહુ મોટો ફાળો છે. વળી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપરાંત એરોસ્પેસને લગતી ટેકનોલોજીથી લઈને શૈક્ષણિક ક્ષેત્રે પણ ખાર્કીવ વિશેષ મહત્વ ધરાવે છે. દુનિયામાં શ્રેષ્ઠ ગણાય એવી મેડિકલ કોલેજના નામોમાં ખાર્કીવની મેડિકલ કોલેજોની ગણતરી થાય છે, જ્યાં દેશ-વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ ઉપરાંત ખેતીક્ષેત્રે આ શહેર ખૂબ જ મહત્વ ધરાવે છે અને કુદરતી સ્ત્રોતોથી ભરપુર છે.
શા માટે ખાર્કીવ ટાર્ગેટ પર…
અત્યારની વાત કરીએ તો, સતત સાત દિવસના આક્રમણ પછી પણ રુસ દ્વારા યુક્રેનની રાજધાનીને કબજે નથી કરી શકાઇ. યુક્રેનની રાજધાની કિવ, યુક્રેનના પશ્ચિમી હિસ્સામાં રશિયાથી બહુ દૂર આવેલું શહેર છે તેની સરખામણીએ જોતા ખાર્કીવ રશિયાથી ખૂબ જ નજીક છે. રશિયાથી પૂર્વી બોર્ડરથી ફક્ત ચાલીસ કિલોમીટર દૂર આવેલું ખાર્કીવ રશિયા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. ખાર્કીવમાં મોટાભાગના લોકો રુસી ભાષા બોલે છે અને રૂસ સાથે સહાનુભૂતિ ધરાવે છે. એટલે તેને કબજે કરવાની રશિયાની રણનીતિમાં આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે કે રશિયાએ વિચાર્યું કે પોતાની જ ભાષા બોલતા અને પોતાના તરફ સહાનુભૂતિ રાખતી પ્રજાની વસ્તીવાળા આ શહેરને કબજે કરવું ખૂબ આસાન હશે, ત્યાંની પ્રજા પણ રશિયાને તેમાં સાથ આપશે (જો કે, એવું થયું નથી તેનાથી તદ્દન વિપરિત થયું છે કે માત્ર સૈન્ય નહી, જનતા પણ, સામાં હાથે યુક્રેન ની રાજધાની રશિયા સામે લડી લેવાના મૂડમાં છે) .વળી, ખાર્કીવ પરની આસાન જીત દ્વારા રશિયાની, યૂક્રેન પર દબાણ બનાવવાની નીતિ છે .ખાર્કીવના માર્ગે આગળ વધીને, એટલે કે તેને ગેટ-વે બનાવીને યુક્રેનના બીજા પ્રદેશો જીતી શકાય તેમજ યુરોપ પર પણ દબાણ બનાવી શકાય. આપણે આગળ જોયું કે ખાર્કીવ ઔદ્યોગિક તેમજ શૈક્ષણિક મહત્વ ધરાવતું યુક્રેનનું એક મહત્વપૂર્ણ શહેર છે તેથી તેની તબાહી જોઈને યુક્રેન સરકાર શરણાગતિ સ્વીકારી લે અથવા સમાધાનના ટેબલ પર રશિયા તેને પોતાની શરતો મનાવી શકે એ માટે પણ ખાર્કીવ પર કબજો કરવો રશિયાની નીતિ છે.
સતત બે દિવસથી ખાર્કીવમાં રશિયાએ મોતનું તાંડવ મચાવ્યું છે. સરકારી કચેરી , સૈન્ય મથકો, વહીવટી ઓફિસોથી લઈને સ્કૂલ, હોસ્પિટલ તેમજ રેસિડેન્સીયલ ઇમારતો… રશિયા કોઈને છોડતું નથી કે વિચારતું નથી અને ફાવે તેમ બોમ્બમારો, મિસાઈલ હુમલાઓ કરી ખાર્કીવ તેમજ આખા યુક્રેનને તબાહ કરી રહ્યું છે. એક વખતનું જીવતું જાગતું, હસતું રમતું ખાર્કીવ આજે ચોધાર આંસુએ રડી રહ્યું છે. તેની ગલીઓમાં આજે મોતના સન્નાટા છવાઈ ગયા છે. આમ નાગરિક સતત ભયના ઓથાર તળે જીવી રહ્યો છે. શહેરની ગલીઓ ગલી જાણે કે યમરાજની સવારી નીકળી હોય તેમ ભેંકાર ભાસે છે. ચોતરફ તબાહી ભગ્ન ઇમારતો, સુમસામ બજારો, નિર્જન સડકો… સળગતી શેરીઓ અને ચીખતાં લોકો….ખાર્કીવ આ તબાહીના દ્રશ્યો એંશી વરસ બાદ ફરી આજે જોઈ રહ્યું છે અને એ આશમાં હજુ શ્વાસ ભરી રહ્યું છે કે, કાશ, યુક્રેન અને રૃસના સત્તાધીશો કોઈ ઉપાય કરી મોતના આ નગ્ન નાચને અટકાવી લે!
હિમાદ્રી આચાર્ય દવે