– સ્વિફ્ટ એક કોડ છે
– સ્વિફ્ટ કોડ 8 થી 11 અંકોનો હોય છે
– આંતરરાષ્ટ્રીય બેંકીંગ વ્યવહાર માટે આવશ્યક
બાલ્ટિક દેશોએ રશિયા પર સ્વિફ્ટ સિસ્ટમ માટે પ્રતિબંધની માંગ કરી
રુસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુક્રેન સાથે છેડવામાં આવેલા યુદ્ધ અને યુક્રેન પર કરવામાં આવી રહેલા આક્રમક હુમલાઓ સામે વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં બાલ્ટિક દેશોના વિદેશમંત્રીઓએ રશિયા પર સ્વિફ્ટ સિસ્ટમ માટે પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે. બાલ્ટિક દેશોના વિદેશમંત્રીઓએ એવું જણાવ્યુ છે કે જ્યાં સુધી યુદ્ધવિરામ ન થઈ જાય ત્યાં સુધી રશિયા માટે સ્વિફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.
સ્વિફ્ટ સિસ્ટમ ખરેખર શું છે ? એની સ્થાપના ક્યારે થઈ ?
નાણાંના આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં કોઈ બેંક અને બ્રાન્ચની પોતાની ઓળખ માટે સ્વિફ્ટ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વિફ્ટ નું આખું નામ Society for worldwide interbank financial telecommunication છે. સ્વિફ્ટનું મુખ્યાલય યુરોપમાં બેલ્જિયમ ખાતે આવેલું છે અને 25 નિષ્ણાત લોકોના બોર્ડ દ્વારા તેનો વહીવટ કરવામાં આવે છે. સ્વિફ્ટ સિસ્ટમ બેલ્જિયમના કાયદા અંતર્ગત આવે છે તથા બેલ્જિયમ યુરોપીય સંઘનો હિસ્સો હોવાથી યુરોપિયન યુનિયનના નિયમોનું પાલન કરવાનું હોય છે. જો કોઈએ ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો SWIFT CODE વગર તે શક્ય નથી. એક સ્વિફ્ટ કોડ 8થી 11 અંકનો બનાલો હોય છે. તે કોડમાં જ જે તે સ્વિફ્ટ કોડ ધારક બેંકનું નામ, બેંક કયા દેશમાં છે તેની સમગ્ર જાણકારી, બેંકના લોકેશનની જાણકારી ઉપરાંત બેંકની બ્રાન્ચની જાણકારીનો પણ ઉલ્લેખ રહેતો હોય છે. જેવી રીતે ભારતમાં બેંકીંગ નાણાંકીય વ્યવહાર માટે IFSC કોડની જરૂર પડે છે એવી રીતે વિદેશ પૈસા મોકલવા કે ત્યાંથી પૈસા મંગાવવા માટે SWIFT કોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. Society for worldwide interbank financial telecommunication (SWIFT) ની સ્થાપના Telex ને રિપ્લેસ કરવા માટે 1973 માં કરવામાં આવી હતી. વર્તમાનમાં આશરે 200 થી વધુ દેશોની લગભગ 11000 કરતાં વધારે નાણાંકીય સંસ્થાઓ સ્વિફ્ટ કોડ ના માધ્યમથી જ પેમેન્ટ ઓર્ડર મોકલતી હોય છે.

સ્વિફ્ટ સિસ્ટમ પર પ્રતિબંધ મુકવાથી રશિયાને શું ફરક પડે ?
સ્વિફ્ટ સિસ્ટમની કાર્ય પદ્ધતિ જોતા કોઈપણ પ્રકારના ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો SWIFT CODE વગર શક્ય નથી. જો રશિયા ઉપર સ્વિફ્ટ સિસ્ટમ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો રશિયાના સઘળા આંતરરાષ્ટ્રીય બેંકીંગ વ્યવહાર ઠપ થઈ જાય. રશિયાને વિદેશી મુદ્રા મળવાની બંધ થઈ જાય. રશિયાની આયાત નિકાસ પર વિપરીત અસર પડે જેના પરિણામ સ્વરૂપ રશિયામાં આયાતી ચીજોની અછત વર્તાવા લાગે. જોકે રશિયા માટે એવું કહેવાય છે કે, વર્તમાન સમયમાં રશિયાની પોતાની પેમેન્ટ સિસ્ટમ SPFS છે અને વર્તમાનમાં આશરે 20 ટકા ઘરેલુ ટ્રાન્સફર SPFSના માધ્યમથી જ કરવામાં આવે છે. આ ઉપરાંત જો સ્વિફ્ટ સિસ્ટમ માટે પ્રતિબંધ મુકાય તો તેની પાસે ચીનની ક્રોસ બોર્ડર ઈન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ પણ અન્ય એક વિકલ્પ પ્રદાન કરી શકે છે અથવા તો ક્રિપ્ટોકરન્સીનો વિકલ્પ બચે છે.