એક 9 વર્ષના બાળકના હાથમાં માત્ર 7 ટાંકા (Stiches) લેવાનું બિલ કેટલું હોઇ શકે? જોકે જ્યારે એ બિલ પરિવારના હાથમાં આવ્યું તો એમના હોશ ઉડી ગયા કારણકે હોસ્પિટલ દ્વારા અધધ ગણાય એવું રૂ. 1.60 લાખનું બિલ પકડાવવામાં આવ્યું.
ઘટના છે રાજકોટની જ્યાં સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક 9 વર્ષના બાળકને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા બાળકના હાથમાં 7 ટાંકા (Stiches) લેવામાં આવ્યા હતા. બાળકને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે પરિવારે મેડિક્લેમ હોવાનું જણાવતા બાળકને 24 કલાક દાખલ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ સામાન્ય ગણાય એવી સારવાર માટેનું રૂ. 1.60 લાખનું બિલ ફટકારી દીધું હતું. હવે અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે કે બાળકને સામાન્ય ઈજામાં માત્ર 7 ટાંકા (Stiches) લેવાનો ખર્ચ 1.60 લાખ રુપિયા કેવી રીતે થઇ શકે?

શું છે આખી ઘટના?
ભોગ બનનાર 9 વર્ષના બાળકને લઈને 4 માર્ચે તેના માતા-પિતા સ્કૂટર ઉપર જતા હતા ત્યારે ઓચિંતી બ્રેક લાગતા સ્કૂટરની સાથે પૌત્ર પણ પડી ગયો હતો. પડી ગયેલા બાળકનો હાથ ફસાઈ જતા તેને ખેંચવા જતા બાળકને પતરું વાગવાથી હાથમાં ઈજા પહોંચતા બાળક ગભરાઈને રડવા લાગતા નજીકની વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. વોકહાર્ટ હોસ્પિટલમાં બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલે એક ટાંકો લેવાના 23 હજાર રૂપિયા વસૂલ્યા 7 ટાંકાનું અધધધ 1.60 લાખ બિલ આપ્યું
— News18Gujarati (@News18Guj) March 12, 2025
#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.twitter.com/0cz1Rer96A
બાલકને હાથમાં પતરું વાગ્યું હોવાથી તરત ઘા સાફ કરવામાં આવ્યા. પાટો બાંધ્યા બાદ ટાંકા (Stiches) લેવા જરૂરી હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. આ દરમિયાન બાળકના વાલીને મેડિક્લેમ અંગે પૃચ્છા કરવામાં આવતા તેમણે મેડિક્લેમ હોવાનું જણાવ્યું હતું. જેથી તેમને 24 કલાક એડમિટ થવા કહેવાયું જે માટે વાલી સંમત થયા હતા. રાત્રે 10 વાગ્યા બાદ દર્દીને ટાંકા (Stiches) લેવામાં આવ્યા અને એકાદ કલાકમાં રૂમમાં શિફ્ટ કરવામાં હતો. સવારે દર્દીના વાલીએ રજા માટે પૂછ્યું હતું. ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા 24 કલાક થયા બાદ સાંજે રજા આપવાનું જણાવાયું હતું.
બાદમાં સાંજે 7 વાગ્યાના સુમારે 24 કલાક પૂરા થતા બાળકના વાલીએ રજા આપવા કહ્યું હતું. જવાબમાં કેશલેસનું એપ્રૂવલ નહીં આવ્યું હોવાનું જણાવાયું અને 5 માર્ચે છેક રાત્રે 10:40 વાગ્યે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા ત્યારબાદ છેલ્લે બાળકના વાલીને રૂ. 1,60,910 નું બિલ આપવામાં આવતા તેમને ખૂબ આશ્ચર્ય થયું હતું.

બાળકને સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે માત્ર 7 ટાંકા લેવામાં આવ્યા હતા છતાં, હોસ્પિટલ દ્વારા આખું બિલ 1.60 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. બિલ મુજબ ગણતરી કરવામાં આવે, તો એક ટાંકાનો (Stiches) અંદાજિત ખર્ચ રૂ. 22,857 થાય છે, જે સામાન્ય ઈલાજ માટે અતિશય ઉંચો છે. ત્યારે આટલા મસમોટા બિલને લઇને દર્દીના પરિવાર સાથે લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. દર્દીના સ્વજનોના જણાવ્યા મુજબ, હોસ્પિટલ દ્વારા વિમાકંપની પાસેથી ક્લેમ પણ મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ સાથે, એક સર્જન માટેની વિઝિટ ફી રૂ. 61,120 દર્શાવવામાં આવી છે, જે આકસ્મિક ઈલાજ માટે અતિશય વધારે લાગી રહી છે. પરિવારજનોએ આ મામલે વિમા કંપની અને હોસ્પિટલ વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપો કર્યા છે.

હોસ્પિટલે કર્યો લૂલો બચાવ
આ મામલે વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડૉ. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, દર્દીને અહીં ઈમર્જન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઈમર્જન્સી સર્જરી કરવી પડી હતી. અને સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડૉકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી. જોકે ડૉ.હાર્દિક ધમસાણિયાએ રૂ. 61 હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. અને તમામ ચાર્જીસ નિયમ મુજબ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. આ દરમિયાન સેન્ટર હેડ વોકહાર્ટ હોસ્પિટલને બદલે સેલ્બી હોસ્પિટલ કહી વખાણ પણ કર્યા હતા. બાદમાં મીડિયાએ ધ્યાન દોરતા પોતાની ભૂલ સ્વીકારી હતી.