રાજીવ ગાંધી (20 ઓગસ્ટ, 1944 – 21 મે 1991) એક ભારતીય રાજકારણી હતા, જેમણે 1984થી 1989 સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, 40 વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગાંધી રાજકીય રીતે શક્તિશાળી નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો હતા, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા.
બાળપણ અને શિક્ષણ :-
તેમના મોટાભાગના બાળપણ દરમિયાન, તેમના દાદા જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. ઇન્દિરા ગાંઘી તે સમયે પ્રધાનમંત્રીના ઘરની સંભાળ લેતા હતા. આરંભે ટૂંક સમયમાં દહેરાદૂન ખાતેની વેલ્હામ પ્રેપ શાળામાં અભ્યાસ કર્યા બાદ તરત તેઓએ હિમાલયની તળેટીમાં આવેલી નિવાસી દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે સ્કૂલમાં જ તેમને પોતાના જીવનભરના અનેક મિત્રો મળ્યા હતા. આગળ જતા નાનાભાઇ સંજય પણ એ જ શાળામાં જોડાયા હતા.
શાળા અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ કેમ્બ્રિજની દ્રિતીય કોલેજમાં જોડાયા હતા પરંતુ ટૂંક સમયમાં જ તેમણે કોલેજ છોડીને લંડન ખાતેની ઇમ્પિરિયલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે મિકેનીકલ અન્જિનીયરીંગ શાળામાં અભ્યાસ કર્યો હતો.
એ વાત સ્પષ્ટ હતી કે તેમને રાજકારણને કારકિર્દી તરીકે અપનાવવામાં રસ નહોતો. તેમના વર્ગખંડના સાથી મિત્રોના જણાવ્યા મુજબ તેમની પુસ્તકની છાજલી દર્શનશાસ્ત્ર, રાજકારણ અને ઇતિહાસના પુસ્તકોથી નહીં પરંતુ વિજ્ઞાનના અને ઇજનેરશાસ્ત્રના પુસ્તકોથી લદાયેલી રહેતી હતી. સંગીતમાં રૂચિ લેવામાં પણ તેઓ ગૌરવ અનુભવતા હતા. તેઓને પશ્ચિમી, શાસ્ત્રીય અને આધુનિક સંગીત પણ ગમતુ. ફોટોગ્રાફી અને એમેચ્યોર રેડિયોમાં પણ તેમની રૂચિ રહી હતી.
કારકિર્દી
અકાશમાં ઉડાન ભરવામાં તેમને ખાસ રૂચિ હતી તેથી જ ઇંગ્લેન્ડથી સ્વદેશ પાછા ફરતા તેમણે દિલ્હી ફ્લાઇંગ ક્લબની પ્રવેશ કસોટી ઉત્તીર્ણ કરીને કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું. તેમાં આશ્ચર્ય પામવા જેવુ કશું જ નહોતુ. ટૂંકમાં જ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા.
પરિવાર :-
1968માં તેમણે સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા. દંપતિ દિલ્હીમાં પોતાનાં બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે જીવનમાં સ્થાયી થયા હતા.
રાજકારણ :-
1970ના દાયકામાં, તેમના માતા ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતા અને તેમના ભાઇ સંજય ગાંધી સંસદ સભ્ય હતા, તેમ છતાં, રાજીવ ગાંધી રાજકારણથી દૂર રહ્યા હતા. 1980ના દાયકામાં વિમાન દુર્ઘટનામાં સંજયના અવસાન પછી, ગાંધીજીએ અનિચ્છાએ ઈન્દિરાજીના આદેશથી રાજકારણમાં પ્રવેશ કર્યો. તે પછીના વર્ષે તેમણે તેમના ભાઈની સંસદીય બેઠક અમેઠી જીતી હતી અને લોકસભાના સભ્ય બન્યા હતા. રાજીવને કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતી અને 1982 એશિયાઇ રમતોત્સવના આયોજનમાં નોંધપાત્ર જવાબદારી આપવામાં આવી હતી. સ્ટેડિયમ અને અન્ય માળખાકિય સુવિધા ઉભી કરવા એક વર્ષ પહેલા આપેલું વચન પૂરું કરવાનું હતું. આ કામગીરી સમયસર પૂરી કરવા માટે અને રમતોત્સવ કોઇપણ અવરોધ કે ક્ષતિ વગર સંપન્ન થાય તે અંગેની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી. આ પડકારરૂપ કામ કરતી વખતે જ તેમણે કાર્યદક્ષતા અને સંગઠનની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. એ જ પ્રમાણે કોંગ્રેસના મહામંત્રીપદ સંભાળતા તેમણે પક્ષના સંગઠનને ઉર્જાવાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ તમામ ગુણવત્તાઓ આગળ જતાં કસોટીની એરણ પર ચઢતી રહી.
31 ઑક્ટોબર 1984ની સવારે, તેમના માતા તથા તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ બે અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી. તે દિવસે પાછળથી રાજીવ ગાંધીને વડા પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગામી કેટલાક દિવસોમાં તેમના નેતૃત્વની ક્ષમતા સામે પડકારરૂપ રહેવાના હતા, કારણ કે સંગઠિત ટોળાઓએ શીખ સમુદાય વિરુદ્ધ રમખાણો કર્યા હતા, જેના પરિણામે દિલ્હીમાં રમખાણો થયા હતા. ડિસેમ્બરમાં, કૉંગ્રેસ પક્ષ માટે લગભગ રાષ્ટ્રવ્યાપી સહાનુભૂતિને કારણે પક્ષે અત્યાર સુધીના સૌથી મોટી લોકસભાની બહુમતી મેળવી 542 બેઠકોમાંથી 411 બેઠકો મળી હતી. રાજીવ ગાંધીના કાર્યકાળમાં વિવાદો પેદા થયા હતા જેમાં ભોપાલ ગેસ દુર્ઘટના અને શાહબાનો કેસનો સમાવેશ થાય છે. 1988માં તેમણે માલદીવ્સમાં બળવાને દબાવી દીધો હતો અને LTTE જેવા આતંકવાદી તમિલ જૂથોનો વિરોધ કર્યો હતો અને પછી 1987માં શ્રીલંકામાં શાંતિ સેના મોકલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ) સાથે સંઘર્ષ ખોલવા તરફ દોરી ગયા હતા. 1987ના મધ્યમાં બોફોર્સ કૌભાંડમાં તેમની ભ્રષ્ટાચાર મુક્ત છબીને નુકસાન થયું હતું અને 1988ની ચૂંટણીમાં તેમના પક્ષને મોટી હાર જોવા મળી હતી.
નિર્મમ હત્યા
1991ની ચૂંટણી સુધી રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે તેઓ ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, ત્યારે શ્રીપેરામ્બદુર ખાતે એક ચૂંટણી સભામાં એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.
એવોર્ડ :-
1991માં ભારત સરકારે મરણોત્તર ગાંધીને ભારત રત્ન, દેશના સર્વોચ્ચ નાગરિક પુસ્કાર એનાયત કર્યો હતો. 2009માં ઇન્ડિયા લીડરશિપ કોન્ક્લેવમાં, આધુનિક ભારતના ક્રાંતિકારી નેતા પુરસ્કાર રાજીવ ગાંધીને મરણોત્તર આપવામાં આવ્યો હતો.
માહિતી સંકલન : વિકી મહેતા