Spread the love

વસંત પંચમી અનેરુ પર્વ છે

– ऋतुनां कुसुमाकर: ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે

વસંત પંચમી મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ

હિમાદ્રી આચાર્ય દવે

‘ઋતુનાં કુસુમાકર:’ અર્થાત્ ઋતુઓમાં હું વસંત છું. શ્રી કૃષ્ણએ ભગવદ ગીતાના વિભૂતિયોગમાં કહ્યું છે… સ્વયં ઈશ્વર પણ જેને પોતાની વિભૂતિ ગણાવે છે એ ઋતુ છે વસંતઅને વસંત ઋતુનું પ્રવેશદ્વાર એટલે વસંતપંચમી!

વસંતપંચમી એક અનેરું પર્વ છે. વસંતપંચમી એક બાજુ જ્યાં પ્રેમવિહાર, શૃંગાર અને જીવનને પુરબહારમાં, ભરપૂર માણવાનો સંદેશ આપે છે તો બીજી તરફ, મા સરસ્વતીના આ પ્રાગટ્યદિને જ્ઞાન, બુદ્ધિ ,વાણી, વિવિધ કળા , સંગીત વગેરેથી સભર થઈને વિવેકપૂર્ણ જીવનની યથાર્થતાનો સંદેશ આપે છે. વસંતપંચમીથી શરૂ થતી ઋતુ વસંત દરમિયાન હોળી અને શિવરાત્રી જેવા પર્વ પણ આવે છે હોળી રાગ, ફાગ અને અનુરાગનો તહેવાર તો શિવરાત્રી વીતરાગી ભાવનો તહેવાર…! આ અર્થમાં, ફાગ રાગ, અનુરાગથી વીતરાગ સુધીના મનુષ્યજીવનની ઊર્ધ્વતાના તબકકા, મનુષ્યની ગતિને સમજાવતી ઋતુ એટલે વસંત!

પ્રાચીન સમયમાં વસંત પંચમીથી શરૂ થઈને હોળી સુધીના ગાળામાં વસંતોત્સવનો ગાળો ગણાતો જેમાં વિવિધ રીતે ઉજવણીઓ થતી. સંસ્કૃત સાહિત્યકારો અને શાસ્ત્રકારો અનેક જગ્યાએ વસંતોત્સવના વર્ણન કર્યા છે.

આપણી પ્રાચીન પરંપરામાં ઋતુરાજ વસંતનો અનેરો મહિમા છે. પૌરાણિક કથાઓમાં વસંત ઋતુને કામદેવના પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે વસંત ઋતુના વર્ણનમાં શાસ્ત્રકારો લખે છે કે રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવના ઘરે પુત્રજન્મના સમાચાર સાંભળી પ્રકૃતિ પૂરબહાર ખીલી ઊઠે છે. ભારતીય સંસ્કૃતિના સાહિત્ય અને સંગીતમાં વસંતઋતુનું અનેરૂ મહત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રીય સંગીતની પરંપરામાં વસંતનું સન્માન કરીને તેના નામે ‘રાગ વસંત’નું પણ નિર્માણ થયેલું છે. તો ભારતની અનેક ચિત્રશૈલીમાં ‘વસંત રાગ’નું અનેરુમહત્વ દર્શાવતી અનેક ચિત્ર કૃતિઓ છે.વસંતના પ્રવેશદ્વાર સમાન વસંતપંચમી દિવસને કવિઓ, સાહિત્યકારો, પ્રકૃતિપ્રેમી અને પ્રેમી જીવોએ ખોબલે ખોબલે વધાવ્યો છે. વસંત એટલે જીર્ણ ત્યજીને નવપલ્લવિત થવાની ઋતુ . નિરાશા ત્યજીને પ્રફુલ્લિત થવાની ઋતુ. પાનખરમાં પોતાનું સૌંદર્ય ગુમાવી ચૂકેલી પ્રકૃતિ હવે ડાળી-ડાળી, પર્ણ-પર્ણ, પુષ્પે-પુષ્પે ફળીને જીવમાત્ર પર પોતાનો પ્રેમ ઓળઘોળ કરતી હોય તેમ લીલી લિલાશને નોતરી ધરતીને હરીભરી સભર કરી દે છે. વસંતની હવામાં જ જાણે કે સુગંધ ભળેલી હોય તેમ વાસંતી વાયરો આખા વાતાવરણને સુરમઈ-સુગંધી બનાવી દે છે. વાસંતી વાયરામાં લહેરાતા ગરમાળો, કેસુડો, ગુલમ્હોર અને પીળા પીતાંબર સમા સરસવના ખેતરો .. જાણે કે પ્રકૃતિ રંગબેરંગી ઓઢણી ઓઢીને સાજ શણગાર સજેલી નવયૌવના! વાસંતી વાયરા એટલે કે જાણે હવામાન વહેતો પ્રેમસંદેશ અને વસંત એટલે ઋતુઓની રાણી કે જાણે કોઈ ઉન્માદઘેલી નારી! વસંત એટલ મનુષ્યના હૃદયમાં લ્હેરાતી વનરાજી! વસંત એટલે વનનો વૈભવ. વસંત એટલે તન મનનો થનગનાટ!. વસંત એટલે આમ્રમંજરી, વસંત એટલે કોયલ ટહકી! વસંત એટલે ફૂલોની ગુફતગુ, વસંત એટલે પ્રેમીઓની ગુટર્ગુ! વસંત એટલે કે જાણે કુદરતે લખેલી શૃંગારકવિતા! વસંત એટલે રાધાકૃષ્ણની રાસલીલા! વસંત એટલે પ્રણયવિહાર, વસંત એટલે રાધાકૃષ્ણને ફૂલના ઝૂલે ઝુલાવવાનો પુષ્પ ઉત્સવ!(ભાગવતના દશમાં સ્કંધમાં રાધા કૃષ્ણની રાસલીલા અને વાસંતી ક્રીડાઓનું રોમાંચક વર્ણન છે) વસંત એટલ વસંત એટલે રંગોત્સવ, વસંત એટલે રાગોત્સવ!

પ્રાચીન સમયમાં અને થોડા ઘણા અંશે આજે પણ,વસંતના આગમન સમાન વસંતપંચમીના દિવસે કૃષ્ણ મંદિરો અને હવેલીઓ હવેલી સંગીતથી ગુંજી ઊઠે છે. જ્યાં શ્રીકૃષ્ણના હિંડોળા ગીત ગવાય છે. વસંત પંચમીના દિવસે શાસ્ત્રીય ગાયકીના કલાકારો આઠે પ્રહર સંગીતના વિવિધ રાગનું ગાયન વાદન કરે છે.
.

આપણા ગીત-સંગીતમાં વસંતના વધામણા કરતાં
ગીતો લખાયા છે. વસંતા ખીલી શત પાંખડીએ હરિ આવોને આ ધરતીએ સજ્યાં શણગાર પ્રભુજી તમે આવોને…. ઓલી આવે વસંત વરણાગી…. ફૂલ ફૂલ ફૂલ ભમરાનું ગુંજન કળી કળીને ચૂમે પવન…. વસંત તારા વધામણા…. તો આપણા શાસ્ત્રમાં વસંતને લગતા અનેક શ્લોક મળે છે
હરિવંશ, વિષ્ણુ અને ભાગવત પુરાણોમાં વસંતોત્સવનું વર્ણન છે. શિશુપાલ વધ’માં નવાં પર્ણ અને પરાગ રસથી ભરેલા પલાશનાં વૃક્ષો, કમળના ફૂલો અને ફૂલોના ઝુંડ સાથેની વસંતઋતુની ખૂબ જ સુંદર શબ્દો વર્ણવેલ છે.

नव पलाश पलाशवनं पुर: स्फुट पराग परागत पंवानम्
मृदुलावांत लतांत मलोकयत् स सुरभि-सुरभि सुमनोमरै:

વસંત પંચમીને વધામણા દેતા પણ વધામણા દેતા પણ અનેક શ્લોક જેવા કે

वतु प्रीणातु च त्वां भक्तवत्सलः ईश्वरः।
वसंतपञ्चमीशुभाशयाः/ शुभाशयाः/शुभाकाङ्क्षाः

आपृच्छस्व पुराणम् आमन्त्रयस्व च नवम् आशा-सुस्वप्न-जिगीषाभिः।वसंतपञ्चमीशुभाशयाः

वसंतपञ्चमी आशास्महे नूतनहायनागमे भद्राणि पश्यन्तु जनाः सुशान्ताः।
निरामयाः क्षोभविवर्जितास्सदा मुदा रमन्तां भगवत्कृपाश्रयाः।।

ઉપર કહ્યું તેમ વસંત પંચમીનું વિશેષ મહત્વ છે વાગેશ્વરી, વાગ્દેવી, જ્ઞાનેશ્વરી વાગીશા, શારદા…બુદ્ધિ પ્રતિભા, જ્ઞાન, કળા ,સંગીત વાણી, જીવનના રસનું રસપાન અને સાથોસાથ વિવેકભાન કરાવનારી, મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ. આ કારણે વસંત પંચમીને જ્ઞાનપંચમી અથવા સરસ્વતી જયંતી તરીકે પણ કહેવાય છે. ઋગ્વેદમાં પણ સરસ્વતીનું વર્ણન છે

प्रणो देवी सरस्वती वाजेभिर्वजिनीवती धीनामणित्रयवतु।

અર્થાત્, આ પરમ ચેતના છે જે સરસ્વતીના રૂપમાં આપની બુદ્ધિ, પ્રજ્ઞા અને મનોવૃત્તિની સંરક્ષિકા છે

પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શંકરની આજ્ઞા લઈને બ્રહ્મા એ સૃષ્ટિનું સર્જન કર્યું. સૃષ્ટિ તો બની ગઈ પરંતુ તે રસહીન નૈરાષ્ય ભરી લગતા બ્રહ્માએ સરસ્વતીનું સર્જન કર્યું . સરસ્વતી સાથે શુભ્રતા વણાયેલી છે શુભ વસ્ત્ર ધારણ કરનારી, શ્વેત વસ્ત્ર, શ્વેત કમળ શ્વેત હંસ… શ્વેત એટલે કે શાંતિ અને સાત્વિકતા તેમજ પવિત્રતાનું પ્રતીક, જે મનુષ્યને કળા થકી ઉન્મુક્ત થઈને જીવનની સાર્થકતા સાત્વિકતા તેમજ પવિત્રતા તેમજ શાંતિમાં છે, એ સમજાવે છે માં શારદાના હાથ વીણા,પુસ્તક, કમળ અને અભય મુદ્રાયુક્ત છે સરસ્વતીએ તેની ઉત્પત્તિ બાદ તરત જ આ સૃષ્ટિને વીણાના તાર ઝંકૃત સંગીતમય બનાવી દીધી અને પુસ્તક થકી જ્ઞાનબોધનો પ્રસાર કર્યો. કમલ થકી પ્રકૃતિમાં સૌંદર્ય રંગ ભર્યા અને અભ મુદ્રા દ્વારા સમગ્ર સૃષ્ટિને વવિવેક અને મર્યાદાનું જ્ઞાન કરાવ્યુ


કહેવાય છે કે સૌપ્રથમ શ્રીકૃષ્ણએ, વસંત પંચમીના દિવસે સરસ્વતી વંદના કરી હતી અને દેવી સરસ્વતીને વરદાન આપ્યું હતું કે, આ દિવસે ત્રણે લોકમાં સરસ્વતીનું પૂજન થશે પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવસે વિદ્યાલયો, ગુરુકુળ, ઋષિઆશ્રમ વગેરે સરસ્વતી વંદનાથી ગુંજી ઉઠતા. વિદ્યાર્થીઓ આ દિવસે સરસ્વતીનું પૂજન કરી વિદ્યારંભ કરતા. પંડિતો, આચાર્યો, વિવિધ કલાના સાધકો, સંગીતકારો, ગાયકો, નૃત્યકારો દેવી સરસ્વતીની આરાધના કરતા. સરસ્વતી સમક્ષ ગ્રંથ, પુસ્તકો તેમજ અન્ય પૂજન સામગ્રી રાખી સરસ્વતીના અનુષ્ઠાન કરતા. આજે પણ આ પરંપરા અનેક જગ્યાએ જીવિત છે. અને અનેક જગ્યાએ સારસ્વત મહોત્સવ ઉજવાય છે.


આ ઉપરાંત પણ આ દિવસનું પૌરાણિક મહત્વ ઘણું છે વસંત પંચમીના દિવસે શબરી અને રામનો મિલાપ થયો હતો. શીખ પરમ્પરાના ગુરૂ ગોવિંદસિંહના લગ્ન વસંત પંચમીના દિવસે થયા હતા રાજા ભોજનો જન્મદિવસ વસંત પંચમીના દિવસે થયો હતો અને આ દિવસે રાજા ભોજ પ્રીતિભોજનું આયોજન કરી સમગ્ર પ્રજાને ચાલીસ દિવસ સુધી પ્રેમપૂર્વક જમાડતા હતા.


આપણી સંસ્કૃતિ અને તેની પુરાતન વાતો જ્યારે જાણીએ કેવાંચીએ ત્યારે જરૂર એ પ્રતીતિ થાય કે પહેલાના સમયમાં, જીવન જ્યારે આધુનિક ટેકનોલોજી વગરનું, યંત્રવત ન હતું ત્યારે ત્યારે મનુષ્ય પ્રકૃતિની ખૂબ નજીક હતો. પ્રકૃતિ સાથે વાતો કરતો, પ્રકૃતિમાં આવતા પરિવર્તન અને તેના સૌંદર્યને ભરપૂર માણી શકતો હતો. ઋતુઓ અનુસાર તહેવાર અને પર્વની ઉજવણી એ આ વાતની પ્રતીતિ કરાવે છે કે મનુષ્યમાં પ્રકૃતિના સૌંદર્યને, પ્રકૃતિના આંગણમાં ખીલતા, ખરતા અને કરમાતા સૌંદર્યને સમજવાની, જોવાની અને માણવાની તત્પરતા રહેતી, એની પાસે એ દૃષ્ટિ હતી. પ્રકૃતિ એના જીવનનું પ્રત્યક્ષ રીતે અભિન્ન અંગ હતી અને Dઆ કારણે જ પ્રકૃતિ સુરક્ષા કે પર્યાવરણના ઔપચારિક રીતે શીખવા ન પડતા કારણ, પ્રકૃતિ અને તેની જાળવણી એમના માટે ફક્ત ફરજ ન હતી, એમનો પ્રેમ હતો.

– હિમાદ્રી આચાર્ય દવે


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *