– સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે
– વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ઊંચાઈ 369 ફૂટ
– નાથદ્વારાના ગણેશ ટેકરી પર બની છે આ પ્રતિમા
રાજસ્થાનમાં વિશ્વની સૌથી ભગવાન શિવની ઊંચી પ્રતિમાનું આવતી કાલે લોકાર્પણ
ભારત વિશ્વની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે જ્યાં અનેક મહત્વના પ્રાચીન ઘાર્મિક સ્થળો આવેલા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ ભારતમાં જ આવેલી છે. ભારતના અનેક સ્થાપત્ય તેને વિશ્વમાં અનોખુ અને ઉચ્ચ સ્થાન અપાવે છે. આ દરમિયાન ભારતના આંગણે વધુ એક યશ કલગી ઉમેરાવા જઈ રહી છે. આવતી કાલે 29 ઓક્ટોબરના રોજ રાજસ્થાનમાં વિશ્વની સૌથી ભગવાન શિવની ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
ભગવાન શિવની પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી
આ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 6 નવેમ્બર સુધી ચાલશે. લોકાર્પણ કાર્યક્રમ જાણીતા કથાકાર મુરારી બાપુની રામકથાથી પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલથી, 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત વિશ્વ સ્વરૂપમ ઉદ્ઘાટન મહોત્સવનો આરંભ થનાર છે જ્યાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.
વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા વિશે આટલુઉઅં અવશ્ય જાણો
રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના નાથદ્વારામાં આવેલી ગણેશ ટેકરી પર પ્રતિમા 51 વીઘાની ટેકરી પર બનાવવામાં આવી છે. ભગવાન શિવની આ પ્રતિમાને તૈયાર કરવામાં આશરે 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમા 20 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે, તેના દર્શન રાત્રે પણ દૂર સુધી સ્પષ્ટ થઈ શકે તે માટે ખાસ પ્રકારે લાઈટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન શિવની પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે. 369 ફૂટની ભગવાન શિવની આ પ્રતિમામાં ભગવાન શિવનું મુખારવિંદ 70 ફૂટનું છે. ભગવાન શિવની આ પ્રતિમાનું વજન 3000 ટન છે, પ્રતિમા બનાવવા માટે 2600 ટન સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાન શિવની આ પ્રતિમાનું સ્થાન લગભગ 26 વીઘામાં ફેલાયેલું છે. પ્રતિમાના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવનારા 2500 વર્ષ સુધી આ પ્રતિમ સલામત રહેશે. 250 કિલોમીટરની ઝડપથી વાવાઝોડું આવે તો પણ આ પ્રતિમા અડિખમ રહેશે. ભગવાન શિવની આ પ્રતિમા નેપાળના કૈલાસનાથ મંદિર સ્થિત મૂર્તિ કરતાં પણ ઉંચી છે. શિવની આ પ્રતિમાનું નામ વિશ્વ સ્વરૂપમ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાનની મુદ્રામાં બિરાજમાન છે. ધ્યાનસ્થ ભગવાન શિવની પ્રતિમાના જલાભિષેક માટે 5-5 હજાર લિટરની ક્ષમતા ધરાવતા બે તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રતિમાના સૌથી ઉપરના ભાગે જવા માટે 4 લિફ્ટ અને ત્રણ સીડીઓ બનાવવામાં આવી છે. લિફ્ટ દ્વારા 280 ફૂટ સુધી જઈ શકાય છે, જ્યાંથી અરવલ્લીની પર્વતમાળાનું નયનરમ્ય દ્રશ્ય જોઈ શકાય છે. આ પ્રતિમાની સૌથી વિશેષ બાબત એ છે કે પ્રતિમાની અંદર એક હૉલ બનાવવામાં આવ્યો છે જેમાં 400 શ્રદ્ધાળુઓ બેસી શકે છે. આ હૉલમાં પ્રોજેક્ટરની સુવિધા રાખવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓને પ્રતિમાના નિર્માણ કાર્યની શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયા દર્શાવવામાં આવશે.
ભગવાન શિવની સૌથી ઉંચી અન્ય પ્રતિમાઓ
નાથદ્વારામાં ભગવાન શિવની વિશ્વની સૌથી ઉંચી 351 ફૂટની પ્રતિમાનું આવતીકાલે લોકાર્પણ છે ત્યારે ભગવાન શિવની અન્ય ઉંચી મૂર્તિઓ વિશે જાણવું રસપ્રદ રહેશે. કર્ણાટકના મરૂડેશ્વર મંદિરમાં સ્થિત ભગવાન શિવની મૂર્તિ 123 ફૂટ ઉંચાઈ ધરાવે છે, નેપાળના કૈલાસનાથ મંદિરમાં ભગવાન શિવની 143 ફૂટ ઉંચી પ્રતિમા છે, તામિલનાડુના શ્રી આદિયોગી મંદિરમાં ભગવાન શિવની મૂર્તિની ઉંચાઈ 112 ફૂટની છે જ્યારે ભારતની બહાર મોરેશ્યસમાં મંગલ મહાદેવની 108 ફૂટ ઉંચાઈ ધરાવતી પ્રતિમા આવેલી છે.