- આસો સુદ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમાનુ અનોખુ મહત્વ
- દૂધ પૌઆ બનાવવાની પરંપરા
- માણેકથાળી પૂનમ પણ કહેવામાં આવે છે.
આસો મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. શરદ ઋતુ માં આવતી આ પૂનમ ગુજરાતી વર્ષની છેલ્લી પૂનમ છે. શરદ પૂનમનો ચંદ્ર આખા વર્ષમાં આવતી પૂનમ કરતા મોટો અને એકદમ સફેદ હોય છે. આ ચંદ્રની કિરણો ખૂબ શુદ્ધ હોય છે. એવું માનવામાં આવે છે કે આ કિરણોમાં અમૃતની વર્ષા થાય છે. ચંદ્રની આ સુંદરતા જોવા માટે દેવતાગણ પણ પૃથ્વી પર આવે છે. શરદ પૂર્ણિમાની એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીએ રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. અને દરેક ઘરમાં જઈને જુએ છે. કોણ કોણ રાત્રે જાગીને પ્રભુનું ભજન કરે છે. તેથી તેને કોજગરી પૂર્ણિમા પણ કેહવાય છે. માતા લક્ષ્મી જે પણ વ્યક્તિને સૂતા જુએ છે તેના ઘરમાં પ્રવેશ કરતા નથી.
પૂજા વિધિ
– શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પૂજનથી તમામ પ્રકારના કર્જમાંથી મુક્તિ મળે છે, તેથી તેને કર્જમુક્તિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ રાત્રે શ્રીસુકત, કનકધાર સ્તોત્રનું પઠન, વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને ભગવાન શ્રીકૃષ્ણના મધુરાષ્ટકનો પાઠ કરવાથી ઈષ્ટ કાર્યોની સિદ્ધિ અપાવે છે અને એ ભક્તને ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ મળે છે.
– શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે, પૂર્ણિમાની વહેલી સવારે સ્નાન કરીને તુલસીને ભોગ, દીવો અને જળ જરૂર ચઢાવો. આવુ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. . આ ઉપરાંત શરદ પૂર્ણિમા પર માતા લક્ષ્મી મંત્રનો જાપ પણ કરવો જોઈએ.
મા લક્ષ્મીને સોપારી ખૂબ પ્રિય છે. શરદ પૂર્ણિમા પર સવારે માતાની પૂજામાં સોપારી મુકો. પૂજા કર્યા પછી સોપારી ઉપર લાલ દોરો લપેટીને અક્ષત(ચોખા), કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજા કરો અને તેને તિજોરીમાંમુકો, પૈસાની તંગી નહીં રહે.
શરદ પૂર્ણિમાની રાત્રે, જ્યારે ચંદ્રપ્રકાશ ચારે તરફ ફેલાયેલો હોય છે, ત્યારે તે સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને લાભ થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે હનુમાનની સામે ચૌમુખી દીવો પ્રગટાવો
રાસપૂનમ
શરદ પૂનમનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક છે. શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે. કૃષ્ણે વાંસળીના સૂર છેડયા બધી વ્રજની ગોપીઓ ઘરનાં અધૂરાં કામ છોડી દોડતી આવી પ્રભુ મિલનની એટલી તીવ્ર ઉત્કંઠા હતી કે ગોપીઓ દેહભાન ભૂલી કોઈએ આંખમાં મેશ આંજવાને બદલે કંકુ આંજી દીધું. માતાજીનું પ્રાક્ટય પૂનમે થયું એટલે દરેક પૂનમે માઈ ભક્તો અંબાજી બહુચરાજી દર્શન કરવા જાય છે. ગોપીઓની પરિક્ષા લેવા કૃષ્ણે કહ્યું- આટલી રાત્રે કેમ આવ્યા છો ? તમે પરત જાઓ ગોપીઓએ કહ્યું તમારા ચરણની રજ એજ અમારું સર્વશ્વ છે. આ પ્રસંગનું શ્રીમદ્ ભાગવતનું શ્રેષ્ઠ ‘ગોપગીત’ પ્રખ્યાત છે. આ સંસારનું શ્રેષ્ઠ વિરહ ગીત છે. શુકદેવજી પરિક્ષીતીને કહે છે કે એ પરિક્ષીત ગોપીગીત શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ લીલામાં રાસ લીલાનું આગવું મહત્વ છે. રાસ શબ્દનો મૂળ અર્થ રાસ એટલે રસ છે. કૃષ્ણ ભગવાન રસ રૂપ છે. સ્વયં ભગવાન રસૌ વૈ સ: ।। છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ‘રાસ પંચાધ્યાયી’ પ્રકરણ છે. બધી પૂનમોમાં શરદ પૂનમ શ્રેષ્ઠ મનાય છે. ભગવાન કૃષ્ણે યુધિષ્ઠીરને કહ્યું પૂર્ણિમા વ્રત શ્રેષ્ઠ છે. પૂનમને દિવસે કરેલી પગયાત્રા ઉપવાસ દેવ-દર્શન નૈવેદ્ય સુખ શાંતિ પ્રદાન કરે છે. ભક્તિમાં શ્રદ્ધાનો વધારો કરાવે છે. નવરાત્રિ પછી બધા ખેલૈયાઓ શરદ પૂનમની રાહ જુએ છે.
દૂધ પૌઆ ખાવાની પરંપરા
શરદપૂનમની રાતે દૂધ પૌઆ ઘર ની છત પર પ્રભુને ધરાવે છે. પૂનમની ચાંદનીમાં રાખેલ દુધ-પૌંઆ ખાવાથી શરીરમાં રહેલી પિત્ત પ્રકૃત્તિ દૂર થાય છે. દુધ પૌંઆ આરોગ્ય વર્ધક છે. એક એવી માન્યતા છે કે શરદપૂનમે જે સોયમાં દોરો પરોવે તો તેની આંખો સંપુર્ણ રીતે સારી છે એમ મનાય છે. ચાંદની આરોગ્ય વર્ધક છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી આયુષ્યમાં વૃધ્ધિ થાય છે. શરદ પૂનમ એ નવરાત્રિનું મહાપર્વ મનાય છે. શ્રી કૃષ્ણ રાસેશ્વર ગણાયા છે. શરદ પૂનમની રાત્રે સમુદ્રની છીપલીમાં રહેલ જલ ચંદ્ર કિરણોના સ્પર્શથી માણેક મોતી બની જાય છે તેથી માણેકથાળી પૂનમ કહેવાય છે. આને કૌજાગરી પણ કહે છે. ઘણા લોકો લક્ષ્મી પૂજન કરીને જાગરણ કરે છે.