Spread the love

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર વાવાઝોડું ફૂંકાવાના સંકેત દેખાઈ રહ્યા છે. શિવસેનાના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસમાં નિર્ણયની તારીખ નક્કી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના વિધાનસભ્યની અપાત્રતાના કેસ પર ચુકાદો આપવા માટે 10 જાન્યુઆરી, 2024 સુધીનો સમય આપ્યો છે, જેમાં ચુકાદો જો શિંદેની વિરોધમાં આવશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ આવી શકે છે.

જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ શિવસેનાના વિધાનસભ્યોમાં ઉચાટ વધતો દેખાય છે. દસમી જાન્યુઆરીના સાંજના ચાર વાગ્યે ચુકાદો આવી શકે છે. જો ચુકાદો શિંદે જૂથના 16 વિધાનસભ્યને અયોગ્ય જાહેર કરાશે તો મહારાષ્ટ્ર સરકાર સામે એક નવી સમસ્યા ઊભી થશે.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે શિંદે જૂથના 16 વિધાનસભ્ય સહિત મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પણ ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જો એકનાથ શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે અને જો શિંદે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો નેતૃત્વમાં ફેરફાર અથવા આશ્ચર્યજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે, રાજ્યમાં સરકાર બનાવવા માટે 145 બેઠકોનો જાદુઈ આંકડો જરૂરી છે. હાલમાં શિંદે સરકાર પાસે લગભગ 166 ધારાસભ્યો છે, જ્યારે મહા વિકાસ અઘાડી પાસે લગભગ 122 ધારાસભ્યો છે. જો શાસક પક્ષની વાત કરીએ તો શિંદે સરકારમાં સૌથી મોટો ફાળો ભાજપનો છે, જેની પાસે 105 ધારાસભ્યો છે, જ્યારે શિવસેના પાસે લગભગ 40 ધારાસભ્યો છે. આ સિવાય અજિત પવાર જૂથને લગભગ 32 ધારાસભ્યોનું સમર્થન છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પાણી પહેલા પાળ બાંધતા કહ્યું કે જો એકનાથ શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવશે તો તેમને વિધાનપરિષદમાં નિયુક્ત કરવામાં આવશે અને તેમને મુખ્ય પ્રધાન તરીકે જાળવી રાખવામાં આવશે

શિંદે અને ઠાકરે જૂથો દ્વારા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ એકબીજા સામે કાર્યવાહીની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. વિધાન ભવનના અધિકારીઓએ જણાવ્યું કે, 10 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા પછી નિર્ણય આવે તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષનું કાર્યાલય નિર્ણયને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ચુકાદાના મહત્વના ભાગો તે દિવસે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે બંને જૂથોને વિગતવાર આદેશ પછીથી આપવામાં આવશે. બંને જૂથોના અધિકારીઓએ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષના પ્રતિકૂળ નિર્ણયના કિસ્સામાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
જૂન 2022 માં બળવા પછી, શિંદે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. ગયા વર્ષે જુલાઈમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો અજિત પવાર જૂથ તેમની સરકારમાં જોડાયો હતો.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.