બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર, 170 કિમી લાંબી રેલ લાઇનના નિર્માણ માટે 49000 કરોડનો ખર્ચ થશે. એવામાં જો આ રેલ લાઇન અસ્તિત્વમાં આવે તો ચાઇના અને નેપાળ બોર્ડર નજીક ભારતીય રેલની પહોંચ થઈ જશે.
કુમાઊંના ચાર પર્વતીય જિલ્લા દાયકાઓથી ટનકપુર-બાગેશ્વર રેલ લાઇનનું સપનું જોઈ રહ્યાં છે. અંગ્રેજી હકુમતે 1882માં પહેલીવાર આ રેલ લાઇનને બનાવવા માટે કામ શરૂ કર્યું હતું. રેલ લાઇન માટે પહેલો સર્વે 1912માં થયો હતો. ત્યારથી અત્યાર સુધી સાત સર્વે થઈ ચૂક્યા છે. બે વર્ષ ચાલેલા ફાઇનલ સર્વેનો રિપોર્ટ સ્કાય લાઈન એન્જિનિયરિંગ ડિઝાઇનિંગે રેલવેને સોંપી દીધો છે.
ફાઇનલ સર્વે અનુસાર, રેલ લાઇનમાં ટનકપુરથી બાગેશ્વર વચ્ચે એક ડઝન જેટલા સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશન 170 કિમીની રેલ લાઇન વચ્ચે બનનાર છે. એટલું જ નહીં, રેલ લાઇન માટે 452 હેક્ટર જમીનનું સંપાદન પણ થનાર છે, જેમાં 27 હેક્ટર જમીન ખાનગી છે.
ઉત્તરાખંડ રાજ્યની રચના થયા બાદ 2006 માં એક વખત ફરીથી સર્વે થયો હતો. આ સર્વેમાં રેલ્વે લાઈનની લંબાઈ 137 કિલોમીટર અને ખર્ચનો અંદાજ આશરે 700 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. પરંતુ 2006 બાદ આ પ્રોજેક્ટ ફાઈલોના ગંજ હેઠળ ક્યાંક દબાઈ ગયો.
ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સરકાર 2012માં ફરીથી જાગી અને રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. ત્યારે આ રેલ લાઇનમાં 54 કિલોમીટરની 72 ટનલ પ્રભાવિત હતી. આ રેલ લાઇન ટનકપુરથી પંચેશ્વર સુધી કાલી નદીના કિનારે બનવાની છે. જ્યારે પંચેશ્વરથી આગળ સરયૂ નદીના કાંઠે પસાર થશે.
આ રેલ લાઇન બનવાથી અલ્મોડા, પિથૌરાગઢ, ચંપાવત અને બાગેશ્વર જિલ્લાને સીધો ફાયદો થશે. એટલું જ નહીં, પર્વતીય વિસ્તારમાં પરિવહન સરળ થશે તેની સાથે પ્રવાસન ઉદ્યોગ પણ વિકાસ પામશે.
ચીન અને નેપાળ બોર્ડરની નજીક હોવાના કારણે આ રેલ લાઇનનું વ્યૂહાત્મક મહત્વ પણ છે. એવામાં હવે જોવું રહ્યું કે, ફાઇનલ સર્વે બાદ રેલ વિભાગ ક્યારે આ રેલ લાઇનને અમલમાં ઉતારશે.