– રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
– ઘણા સમયથી ચાલતી અકટળોનો અંત
– કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કર્યો કટાક્ષ
જીગ્નેશ મેવાણી અને કનૈયાકુમાર કોંગ્રેસમાં જોડાયા
છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો જ્યારે કોંગ્રેસના સમર્થનથી વડગામના અપક્ષ ધારાસભ્ય તરીકે ચુંટાયેલા અને ડાબેરી ગણાતા જીગ્નેશ મેવાણી અને જેએનયુના ડાબેરી છાત્ર કનૈયાકુમાર આજે કોંગ્રેસમાં વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસમાં બંને નેતાઓની ભૂમિકા વિશે અટકળો
ડાબેરી વિચારધારાને વરેલા જીગ્નેશ મેવાણી અને કનૈયાકુમાર આજે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની હાજરીમાં જોડાઈ ગયા પરંતુ પક્ષમાં બંને નેતાઓની ભૂમિકા શું હશે તે વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. એક અટકળ એવી પણ ચાલી રહી છે કે કનૈયાકુમારને બિહાર તથા જીગ્નેશ મેવાણીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જાણકારોના મતે બંને નેતાઓ યુવાનોને કોંગ્રેસમાં જોડાવા માટે તથા વર્તમાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવે તેવી શક્યતા છે.
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કર્યો કટાક્ષ
એક તરફ રાહુલ ગાંધીની હાજરીમાં બંને ડાબેરી નેતાઓ કોંગ્રેસમાં જોડાયા જ્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે. મનિષ તિવારીએ કોમ્યુનિસ્ટ વિચારક રહેલા કુમાર મંગલમના કોમ્યુનિસ્ટ્સ ઈન કોંગ્રેસ પુસ્તકનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું કે, હવે 1973ના પુસ્તક કોમ્યુનિસ્ટ્સ ઈન કોંગ્રેસ ના પાના પલટાઈ જશે. લાગે છે કે વસ્તુ જેટલી બદલાય છે તે એટલી જ પહેલાના જેવી બની રહે છે. આજે તેને ફરીથી વાંચુ છું.