વિપક્ષે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી બનશે.
વિરોધ પક્ષમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે 65 સહીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. જોકે કોંગ્રેસ તરફથી કોઈ પુષ્ટિ મળી ન હતી.
વિપક્ષે ઑગસ્ટમાં પણ ધનખડ સામે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા બોલવાની તક ન આપવાનો પોતાનો મુદ્દો સાબિત કરવા ગૃહમાં અવિશ્વાસની દરખાસ્તનો વિચાર કર્યો હતો. આજે લાવવામાં આવેલી દરખાસ્ત રાજ્યસભાની સંખ્યા જોતાં હારી જવાની ધારણા છે.
મંગળવારે પણ ભાજપે ફરીથી કોંગ્રેસ પર અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ સાથે દેશને “નુકસાન” કરવા માટે સાંઠગાંઠ કરવાનો આરોપ મૂક્યો હતો. વિપક્ષે હોબાળો કરતા ઉપલા ગૃહની કાર્યવાહી ધોવાઇ ગઈ હતી અને ગૃહ સ્થગિત કરાયું હતુ.
શું છે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા?
જો કે, વિપક્ષી પાર્ટીઓનું આ પગલું નિષ્ફળ થઈ શકે છે, કારણ કે સંખ્યા વિપક્ષની તરફેણમાં નથી. રાજ્યસભાના સ્પીકરને હટાવવાની પ્રક્રિયા ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરીને શરૂ કરી શકાય. ગૃહના સભ્ય દ્વારા જ આ દરખાસ્ત લાવવામાં આવી શકે અને તે દિવસે ગૃહમાં હાજર રહેલા 50 ટકા સભ્યો દ્વારા પસાર થઈ શકે છે. જો દરખાસ્ત રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવે છે, તો તે સ્વીકારવા માટે લોકસભા દ્વારા બહુમતી સાથે પસાર થવી જોઈએ. આ પ્રક્રિયા બંધારણની કલમ 67(B), 92 અને 100 ને અનુસરે છે.
કલમ 67(B) શું કહે છે?
ભારતીય બંધારણની કલમ 67(B) મુજબ, ઉપરાષ્ટ્રપતિને ત્યારે જ દૂર કરી શકાય છે જો રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે અને 50 ટકા સભ્યો દ્વારા પસાર કરવામાં આવે. આ પછી લોકસભાએ પણ તે પ્રસ્તાવ પર સંમતિ આપવી જોઈએ. જો કે આ પછી પણ આ માટે 14 દિવસની નોટિસ આપવી પડે. કલમ 67માં લખ્યું છે કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને પત્ર લખીને અને તેના પર સહી કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. જો તેમની મુદત પૂરી થઈ ગઈ હોય, તો પણ જ્યાં સુધી તેમના અનુગામી હોદ્દો ગ્રહણ ન કરે ત્યાં સુધી તેઓ તે પદ પર ચાલુ રહે છે.