Spread the love

– કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝની સિદ્ધિથી દેશનો વિશ્વાસ વધ્યો

– સરદાર પટેલને આવનાર જન્મજયંતિ પર નમન કર્યાં

– સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાને યાદ કરી વંદન કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 82મી વખત મન કી બાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિને છેલ્લા રવિવારને દિવસે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરતા હોય છે. આજે 82મા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ‘આપ સૌને પ્રણામ. કોટિ-કોટિ પ્રણામ’. તેમણે સ્વયં પ્રણામ કરવાનું કારણ જણાવતાં કહ્યું કે, હું આપ સૌને પ્રણામ એટલા માટે કરી રહ્યો છું કે 100 કરોડ વેક્સિનના ડોઝનો આંક પાર કર્યા બાદ દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણાં વેક્સિનેશન કાર્યક્રમની સફળતા, ભારતની ક્ષમતા દર્શાવે છે.

લોહપુરુષ સરદાર પટેલને યાદ કર્યા

ઑક્ટોબર મહિનામાં જ ભારતની એકતાના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પણ આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યાદ કરતાં કહ્યું કે, ‘દેશવાસીઓ આપ સૌ જાણો છો કે આગામી રવિવારે 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ છે. હું લોખંડી પુરુષને નમન કરું છું. 31 ઓકટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીએ છીએ. આપણે એકતાનો સંદેશ આપનારી કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જરૂરથી જોડાઈએ. જમ્મુ કાશ્મીરના જવાનો પણ ઉરીથી લઈને પઠાણકોટ સુધી બાઇક રેલી યોજીને એકતાનો સંદેશ આપી રહ્યા છે. રાષ્ટ્ર સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે સ્વતંત્રતા આંદોલનને યાદ કરતા કહ્યું કે, ‘સાહેબ કહેતા હતા કે આપણે સૌ એકથઈને સંયુક્ત પ્રયાસો દ્વારા દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણી પાસે એકતા ન હોય તો આપણે આપણી જાતને નવી-નવી મુશ્કેલીઓમાં ફસાવી દઈશું. એટલે કે, રાષ્ટ્રીય એકતા છે તો, ઉંચાઈ છે, વિકાસ છે. આપણું આઝાદીનું આંદોલન આનું સૌથી મોટું ઉદાહરણ છે. તમે કલ્પના કરો, જ્યારે આઝાદીના આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનાવવામાં આવશે, ત્યારે લોકો પોતાના ઘરના દરવાજા પર, દિવાલ પર, આપણે આઝાદીના લડવૈયાઓની છબીઓ લગાવીશું, સ્વતંત્રતાની કોઈપણ ઘટનાને રંગોથી બતાવીશું, તો અમૃત મહોત્સવનો રંગ પણ વધશે.

ભારતે હંમેશા શાંતિ માટે કાર્ય કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત નાં 82 મા સંસ્કરણમાં આજે વધુમાં ભારતની વૈશ્વિક ભૂમિકા કેવી રહી છે તે વિશે જણાવતાં કહ્યું કે, ભારતે હંમેશા વિશ્વ શાંતિ માટે કામ કર્યું છે. આ બાબત યુનોના શાંતિ રક્ષક સેનામાં આપણે આપેલા યોગદાન માં જોવા મળે છે. ભારત યોગ અને આરોગ્યની પરંપરાગત પદ્ધતિઓને વધુ લોકપ્રિય બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. આપણા ગ્રહને વધુ સારું સ્થાન બનાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. આ ધરતીને, આ પૃથ્વીને વધુ સારો અને સુરક્ષિત ગ્રહ બનાવવામાં ભારતનું યોગદાન વિશ્વ માટે એક મોટી પ્રેરણા આપી રહ્યું છે. આપણને એ વાતનું અભિમાન છે કે ભારત 1950ના દાયકાથી સતત યુનોના શાંતિ રક્ષા મિશનનો એક ભાગ રહ્યું છે. ગરીબી નાબૂદી, જળવાયુ પરિવર્તન અને શ્રમિકો સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં પણ ભારત અગ્રેસર રહીને ભૂમિકા ભજવી રહ્યું છે.

આજના યુનોના સ્થાપના દિન નિમિત્તે યુનોમાં ભારતની ભૂમિકા

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations Organization – UNO) ની સ્થાપના આજના જ દિવસે 24 મી ઑક્ટોબર 1945 નાં રોજ કરવામાં આવી હતી અને ભારતે સ્વતંત્રતા પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ચાર્ટર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. દર વર્ષે 24 ઑક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસ તરીકે મનાવવામાં આવે છે. યુનો દિવસ યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની મહિલા શક્તિએ સંયુક્ત રાષ્ટ્રના પ્રભાવ અને શક્તિને વધારવામાં ખુબ મોટી ભૂમિકા ભજવી છે. 1947-48માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ હ્યુમન રાઇટ્સનું વૈશ્વિક જાહેરનામું (Universal Declaration) તૈયાર કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે વૈશ્વિક જાહેરનામામાં એવું લખવામાં આવી રહ્યું હતું કે ઓલ મેન આર ક્રિએટેડ ઈક્વલ (All men are created equal) ત્યારે ભારતના એક પ્રતિનિધિમંડળે આ મુદ્દા ઉપર વાંધો ઉઠાવ્યો અને ત્યાર બાદ તે લખાણ બદલીને ઓલ હ્યુમન આર ક્રિએટેડ ઇક્વલ (All human are created equal) એવું લખવામાં આવ્યું.

બિરસા મુંડાને યાદ કરી કહ્યું સંસ્કૃતિ પર ગૌરવ કરવાનું શિખવ્યું

મહાન સ્વતંત્રતા સેનાની, વીર યોદ્ધા, પ્રખર રાષ્ટ્રભક્ત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 15 મી નવેમ્બરના રોજ આવી રહી છે ત્યારે બિરસા મુંડાને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી મહિને 15 નવેમ્બરે મહાપુરુષ, બહાદુર યોદ્ધા ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ આવવાની છે. ભગવાન બિરસા મુંડાએ પોતાની સંસ્કૃતિ, પોતાનું વન, પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે આપણને આપણી સંસ્કૃતિ પર ગર્વ કરવાનું શીખવ્યું.

100 કરોડ વેક્સિનના બોઝની સફળતા માટે સૌ ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો

તાજેતરમાં જ ભારતે 100 કરોડ કોરોના વિરોધી વેક્સિન આપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિશ્વમાં ચીન બાદ ભારત એકમાત્ર દેશ છે જેણે 100 કરોડ વેક્સિન ડોઝ આપવામાં સફળતા મેળવી છે. પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ વિશે વાત કરતાં કહ્યું કે, 100 કરોડ વેક્સિનના ડોઝનો આંકડો ચોક્કસપણે મોટો છે. પરંતુ તેની સાથે લાખો નાના, પ્રેરણાદાયક અને ગૌરવપૂર્ણ અનેક અનુભવો ઘણા ઉદાહરણો જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે, લાખો આરોગ્ય કર્મચારીઓની મહેનતને કારણે ભારત 100 કરોડ વેક્સિનના ડોઝનો આંક પાર કરવામાં સફળ રહ્યું છે. આજે હું દરેક ભારતવાસીનો આભાર વ્યક્ત કરું છું, જેમણે ‘સૌને વેક્સિન મફત વેક્સિન’ અભિયાનને આટલી ઉંચાઈ આપી. સફળતા અપાવી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *