– ગુજરાત વિધાનસભાની ચુંટણી બે તબક્કામાં યોજાઈ
– પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 સીટ પર મતદાન થયું
ગુજરાત વિધાનસભા ચુંટણીના રેકોર્ડ બ્રેક પરિણામ
– પ્રથમ તબક્કામાં 63.31% અને બીજા તબક્કામાં 65.30% મતદાન થયું
ગુજરાત વિધાનસભા બેઠકના પરિણામોએ એક કરતા વધુ રેકોર્ડ સર્જ્યા છે. ગુજરાત રાજ્ય બન્યા બાદના ઈતિહાસમાં આજ સુધી સૌથી વધુ બેઠકો સ્વ. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે 55.55% મત મેળવીને 149 બેઠકો જીતવાનો રેકોર્ડ સર્જયો હતો તે રેકોર્ડ 2022 ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 155 બેઠકો જીતીને તોડ્યો છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે, આ 27 વર્ષના ભાજપના શાસનકાળ દરમિયાન તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2002 ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 127 બેઠકો જીતી હતી જે ભાજપનો અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ છે. આ ચુંટણીના પરિણામોથી ભાજપે પોતાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જોકે અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે કૉંગ્રેસે જ્યારે 149 બેઠકો જીતવાનો રેકોર્ડ કર્યો ત્યારે શ્રીમતી ઈન્દિરા ગાંધીની હત્યા થયાને થોડોક જ સમય થયો હતો જેને કારણે કૉંગ્રેસ માટે સહાનુભૂતિનું મોજુ સમગ્ર દેશમાં ચાલી રહ્યું હતુ જેના કારણે લોકસભાની ચુંટણીમાં પણ કૉંગ્રેસે 414 બેઠકો જીતી હતી જે રેકોર્ડ આજે પણ વણતુટ્યો છે જ્યારે ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 ની રાજકીય સ્થિતિ ભાજપ માટે વિપરિત હતી મિડિયા અને સોશ્યલ મિડિયા એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનીહાર થશે, એન્ટી ઈન્કમ્બન્સી છે. આમ બંને પરિસ્થિતિ જોતા ભાજપની રેકોર્ડ જીત વધારે મહત્વની બની જાય છે.
ગુજરાતમાં કૉંગ્રેસના ઈતિહાસની સૌથી ઓછી બેઠકોનો રેકોર્ડ
જેમ ભાજપે કૉંગ્રેસનો ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધી સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડ્યો એમ કૉંગ્રેસે પણ પોતાનો જ એક રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતની સ્થાપના બાદ વિધાનસભાની યોજાયેલી તમામ ચુંટણીઓમાં કૉંગ્રેસે આ વખતે સૌથી ઓછી બેઠકો જીતવાનો રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા 1990 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં કૉંગ્રેસને માત્ર 33 બેઠકો મળી હતી જે અત્યાર સુધીનો રેકોર્ડ હતો તે કૉંગ્રેસે આ વખતે 2022ની વિધાનસભા ચુંટણીમાં માત્ર 17 બેઠકો જીતીને તોડ્યો છે.
કૉંગ્રેસના ઈતિહાસમાં સૌથી ઓછો વોટ શેર
2022 ના ગુજરાત વિધાનસભા ચુંટણીના પરિણામોએ ઘણા રેકોર્ડ તોડ્યા સર્જયા છે એમાં કૉંગ્રેસે ફરીથી પોતાનો જ રેકોર્ડ તોડ્યો હોય તેવું બન્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1962 માં થયેલી પ્રથમ વિધાનસભા ચુંટણીમાં કૉંગ્રેસને 50.84% મત મળ્યા હતા, 1967 ની ચુંટણીમાં 45.96%, 1972માં 50.93%, 1975 માં 40.70%, 1980 માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં 51.04%, 1985 માં 55.55%, 1990 માં 30.74%, 1995 માં 32.86%, 1998 માં 34.85%, 2002 માં 39.28%, 2007 માં 38.00%, 2012 માં 38.93% અને 2017 ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 41.44% મત મળ્યા હતા. 2022ની વિધાનસભા ચુંટણીમાં કૉંગ્રેસને અત્યાર સુધીમાં સૌથી ઓછા 27.3% મત મેળવવાનો પણ રેકોર્ડ કર્યો છે.
આ ઉપરાંત કેટલીક બાબતો એવી છે જે આ વખતની ચુંટણીમાં નોંધપાત્ર છે.