IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ ગાંધી પરિવાર અને શશિ થરૂર પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં લલિત મોદીએ શશિ થરુરના દિવંગત પત્ની સુનંદા પુષ્કર અંગે મોટા ખુલાસા કર્યા છે. લલિત મોદીએ કહ્યું કે કોચ્ચી આઈપીએલ ફ્રેન્ચાઇઝી માટે તેમને અનેક વખત ધમકીઓ આપવામાં આવી હતી અને દબાણ પણ ઉભુ કરવામાં આવ્યું હતુ. લલિત મોદીએ દાવો કર્યો કે, શશિ થરુરના પત્ની સુનંદા પુષ્કરનો આ ફ્રેન્ચાઇઝી સાથે કોઈ સીધો સંબંધ નહોતો છતાં તેમને ટીમમાં 25% ભાગીદારી આપવામાં આવી.
ધમકીઓના ફોન અને સિગ્નેચર માટે દબાણ
પ્રખ્યાત યુટ્યુબર રાજ શમાની (Raj Shamani) સાથે પોડકાસ્ટમાં લલિત મોદીએ કહ્યું કે, મને કોચ્ચી ટીમના દસ્તાવેજો ઉપર સહી કરવા માટે મજબૂર, વિવશ કરવામાં આવ્યો હતો. સુનંદા પુષ્કરનો ટીમ સાથે કોઈ સંબંધ નહોતો છતાંય તેમને 25% ભાગીદારી આપી દેવામાં આવી. હું એના ઉપર સહી કરવા બિલકુલ તૈયાર નહોતો. બીસીસીઆઈ (BCCI) ના તત્કાલીન અધ્યક્ષને સોનિયા ગાંધીના નિવાસસ્થાનેથી ધમકી ભર્યા ફોન આવ્યા હતા.’
તેમણે એવો પણ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે આ ડીલ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા અને સહી કરવાની ના પાડી ત્યારે કૉંગ્રેસના નેતા શશિ થરુરે તેમને ધમકાવ્યા હતા. શશિ થરુરે ફોન ઉપર શું કહ્યું તે જણાવતા લલિત મોદીએ કહ્યું કે, શશિ થરુરે ફોન ઉપર કહ્યું, “જો તમે સહી નહી કરો તો ઈડી (ED) ની રેડ, ઈન્કમ ટેક્સની તપાસ તથા જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
બીસીસીઆઈ ચીફ શશાંક મનોહરનું પણ દબાણ
લલિત મોદીએ જણાવ્યું કે આ બાબતમાં બીસીસીઆઈના તત્કાલીન અધ્યક્ષ શશાંક મનોહરે પણ તેમની ઉપર દબાણ કર્યું હતુ. શશાંકે કહ્યું કે તેમને આ ડીલ પુરી કરવા માટે 10, જનપથથી ફોન આવ્યા હતા. લલિત મોદીએ કહ્યું, “મને કહેવામાં આવ્યું હતુ કે જો હું રાત સુધી સહી નહી કરુ તો મને પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવશે.”
લલિત મોદીએ પોડકાસ્ટમાં કહ્યું કે તેમણે ભારે દબાણ હેઠળ દસ્તાવેજો ઉપર સહી તો કરી દીધી અને સવારે દૈનિક પત્રોમાં જોયું કે શશિ થરૂર અને સુનંદા પુષ્કર લગ્ન કરવાના છે. લલિત મોદીએ કહ્યું, “આ સમાચાર મારા માટે ચોંકાવનારા હતા. મને એ ખબર નહોતી કે શશિ થરૂર અને સુનંદા પુષ્કર વચ્ચે આ પ્રકારનો સંબંધ પણ છે.”
આ પોડકાસ્ટ પ્રસારિત થતાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ કૉંગ્રેસ ઉપર આક્રમણ કરીને ગાંધી પરિવાર અને શશિ થરૂર પાસે ઉત્તર માંગ્યો છે. ભાજપના નેતાઓ દ્વારા એ પ્રશ્ન ઉભા કરવામાં આવ્યા છે કે શું ખરેખર સોનિયા ગાંધીના નિવાસસ્થાન પરથી ધમકી ભર્યા ફોન કરવામાં આવ્યા હતા અને સુનંદા પુષ્કરને કોઈ પણ પ્રકારના રોકાણ વગર શા માટે 25% ભાગીદારી આપવામાં આવી?
લલિત મોદીએ કરેલા આરોપોને કારણે ફરીથી ક્રિકેટ અને રાજકારણ વચ્ચેના ઉંડા સંબંધો ઉપર પ્રશ્નો ઉભા કરી દીધા છે. તેમના કહેવા મુજબ આઈપીએલની કોચ્ચી ટીમનો આ મામલો માત્ર રમતથી જોડાયેલો નથી પરંતુ આની પાછળ ખુબ મોટી રાજકીય રમત હતી.