– જમ્મુ કાશ્મીરમાં 2011ની વસ્તી ગણતરી મુજબ નવું સીમાંકન થશે
– 7 બેઠકો વધશે, 83 ને બદલે 90 બેઠકો થશે
– માર્ચ 2022 સુધીમાં અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ જશે
મુખ્ય ચૂંટણી અધિકારીએ આપી જાણકારી
મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રાએ આજે સીમાંકન આયોગની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ નવું સીમાંકન કરવામાં આવશે. નવા સીમાંકન બાદ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 7 બેઠકો વધશે જેનાથી વર્તમાન 83 ને બદલે 90 બેઠકો થશે. સીમાંકનનો ડ્રાફ્ટ તૈયાર થશે તે સામાન્ય લોકો વચ્ચે રાખવામાં આવશે, ત્યારબાદ જે સૂચનો આવશે તે સામેલ કરીને અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માર્ચ 2022 સુધીમાં પુરી કરી દેવામાં આવશે.
વિધાનસભા બેઠકોનું સીમાંકન બંધારણીય પ્રક્રિયા
સીમાંકન આયોગની પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી કે જમ્મુ અને કાશ્મીરના વિધાનસભા બેઠકોના સીમાંકનની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ક્ષેત્રોનું સીમાંકન એ એક બંધારણીય પ્રક્રિયા છે તથા સીમાંકન અધિનિયમ હેઠળ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત આ પ્રક્રિયા ચાલી રહી છે.
સીમાંકન આયોગ અનેક સંસ્થાઓ, નાગરિકો વગેરે સાથે ચર્ચા કરી રહ્યું છે
જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે ચાર દિવસથી આયોગ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવેલું છે. આ મુલાકાત દરમિયાન 290 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિમંડળ આયોગને મળ્યા છે અને પોતાના સૂચનો તથા આવેદન આપ્યા છે. સીમાંકન આયોગ જમ્મુ કાશ્મીરમાં વધારે મુલાકાતો કરી શકે છે એટલું જ નહીં એસોસીએટ મેમ્બર્સ સાથે મીટીંગમાં ડ્રોપ્ડ પ્રસ્તાવો ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે માર્ચ 2022 સુધીમાં આયોગ પોતાનો અંતિમ રિપોર્ટ સરકારને સોંપી દેશે.
જમ્મુ કાશ્મીરમાં છેલ્લે ક્યારે સીમાંકન કરવામાં આવ્યું હતું ?
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લે 35 વર્ષ પહેલાં 1995 માં 1981ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવામાં આવ્યું હતું. આ વખતે 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવામાં આવી રહ્યું છે જેમાં વસ્તી સિવાય ભૌગોલિક સ્થિતિ, સંચાર અને બીજા કેટલાક બિંદુઓ ઉપર પણ વિચાર કરવામાં આવશે.